પુરુષ IPLની જેમ હવે મહિલા IPL પણ યોજાય એવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સના આધારે મહિલા IPLની શરૂઆત આવતા વર્ષે (2023) માર્ચમાં થઈ શકે છે. જો માર્ચમાં આયોજનમાં કોઈ નડતર હશે તો મહિલા આઈપીએલ માટે સપ્ટેમ્બરનો વિકલ્પ પણ રખાયો છે. બીસીસીઆઈ તેની વિન્ડો અંગે વિચારી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, બોર્ડ મહિલા આઈપીએલની પ્રથમ સિઝન માટે માર્ચ કે સપ્ટેમ્બરની વિન્ડો અંગે વિચારી રહ્યું છે. આ મુદ્દે અત્યારે BCCI સેક્રેટરી જય શાહ અને પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ પ્લાનિંગ શરૂ કરી દીધું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
જોકે, BCCIએ ICC સહિત અનેક સ્ટેકહોલ્ડર્સ સાથે આ અંગે ચર્ચા કરી છે, પરંતુ ICCની મંજૂરી મળ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે પુષ્ટિ કરી છે કે, 2023થી મહિલા ટી20 ચેલેન્જના સ્થાને મહિલા IPLની યોજના બનાવી શકાય છે.
મહિલા T20 ચેલેન્જને વેગ મળ્યું
તાજેતરમાં BCCIએ IPL 2022 દરમિયાન પુણેમાં મહિલા T20 ચેલેન્જનું આયોજન કર્યું હતું. સુપરનોવા અને વેલોસિટી વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં લગભગ 8,621 લોકો સ્ટેડિયમમાં હાજરી આપી હતી. તેવામાં હવે જો IPL શરૂ થશે તો વધુ લોકો સ્ટેડિયમ આવે તેવી આશા જોવા મળી રહી છે.
6 ટીમો સાથે લીગ શરૂ થઈ શકે છે
BCCI ટૂર્નામેન્ટની શરૂઆત 6 ટીમો સાથે કરી શકે છે. આના માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે પણ મહિલા ટીમો ખરીદવા રસ દાખવ્યો હોવાના મીડિયા રિપોર્ટ્સ પણ સામે આવી રહ્યા છે. જોકે તમને જણાવી દઈએ કે કોઈપણ ફ્રેન્ચાઈઝીએ આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરી નથી.
મહિલા ક્રિકેટર્સને સારું પ્લેટફોર્મ મળશે
મહિલા IPLના આયોજનથી ઈન્ડિયન ટીમને નવી ટેલેન્ટેડ ખેલાડીઓ પણ મળશે અને આની સાથે તેમને આર્થિક દ્રષ્ટિકોણથી પણ ફાયદો થશે. મહિલા IPLનું આયોજન કરવા માટે જય શાહ અને સૌરવ ગાંગુલીએ પણ અત્યારે ખાસ તૈયારીઓ હાથ ધરી દીધી છે. તેવામાં જો ICCની અનુમતિ મળી તથા અન્ય પાસાઓ તરફેણમાં રહ્યા તો ભારતીય મહિલા ક્રિકેટર્સ માટે આ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય રહી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.