T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચની મોમેન્ટ્સ:શાહિન કેચ લેતા ઈજાગ્રસ્ત થયો, સ્ટોક્સે ICC ટૂર્નામેન્ટમાં બીજી વખત ઇંગ્લેન્ડને જિતાડ્યું

22 દિવસ પહેલા

ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ 2022નું ચેમ્પિયન બની ગયું છે. રવિવારે મેલબોર્નમાં રમાયેલી ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. ટૉસ જીતીને ઇંગ્લેન્ડે પાકિસ્તાનને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 137 રન બનાવ્યા હતા. 138 રનના ટાર્ગેટનો ચેઝ કરતા ઇંગ્લેન્ડે 18.5 ઓવરમાં જ આ ટાર્ગેટ પાર પાડી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 52 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહિન શાહ આફ્રિદી મેચમાં નિર્ણાયક સમયે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે ફાઈનલના અમુક મોમેન્ટ્સ જુઓ...

સ્ટોક્સે ફરી વર્લ્ડ કપ જિતાડ્યો
ઇંગ્લેન્ડની ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે T20 કપની ફાઈનલમાં જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તેણે પાકિસ્તાન સામે ફાઈનલમાં 49 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો 2019ના વન-ડે વર્લ્ડ કપમાં પણ તેણે ન્યૂઝીલેન્ડ સામે 98 બોલમાં 84* રનની વિજયી ઇનિંગ રમી હતી. તો સુપર ઓવરમાં પણ 3 બોલમાં 8 રન બનાવ્યા હતા. આમ તેણે હવે ઇંગ્લેન્ડની ટીમને બન્ને વર્લ્ડ કપ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને સૈમ કરન ફાઇનલમાં જીતની ઉજવણી કરતા નજરે આવે છે.
ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને સૈમ કરન ફાઇનલમાં જીતની ઉજવણી કરતા નજરે આવે છે.

કદાચ મેચ બદલાઈ ગઈ હોત, પરંતુ શાહિન ઈજાગ્રસ્ત થયો હતો
શાહિન શાહ આફ્રિદી શાદાબ ખાનની બોલિંગમાં હેરી બ્રૂકનો કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. લોંગ ઓન પર કેચ લેતી વખતે તેનો પગ લપસી ગયો હતો. તે દર્દથી રડતો જોવા મળ્યો હતો. ફિઝિયો પણ પાકિસ્તાની ડ્રેસિંગ રૂમમાંથી મેદાન પર આવ્યો હતો. તેણે શાહિનને તપાસ્યો હતો. આ દરમિયાન મેચ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

ફિઝિયોએ જોયું કે શાહિન બરાબર ચાલી શકતો નથી. જેના કારણે તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ સમય સુધીમાં શાહિને મેચમાં 2 ઓવર નાંખી હતી. તેણે એલેક્સ હેલ્સની મહત્વની વિકેટ પણ લીધી હતી. આ પછી આફ્રિદી 15મી ઓવરમાં મેદાનમાં પરત ફર્યો હતો.

16મી ઓવરમાં ફરી મેદાનમાંથી બહાર
તેણે 16મી ઓવર પણ ફેંકવાની શરૂઆત કરી હતી. પરંતુ, પહેલા બોલ પછી જ, તેને ફરીથી તેના પગમાં દુખાવો થયો હતો. આ પછી તે મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. તેના સ્થાને ઇફ્તિખાર અહેમદે આ ઓવરના બાકીના 5 બોલ ફેંક્યા હતા.

શાહિન મેચમાં તેની બાકીની 2 ઓવર પણ ફેંકી શક્યો નહોતો. પરિણામ એ આવ્યું કે ડેથ ઓવર્સમાં શાહિનને બોલિંગ કરી શક્યો જ નહીં. કદાચ આ જ કારણ હતું કે ઇંગ્લેન્ડે 19મી ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. જો શાહિન તેની બાકીની બે ઓવર પૂરી કરી શક્યો હોત તો કોણ જાણે મેચનું પરિણામ અલગ હોત. તેનું એક કારણ એ પણ છે કે ઇફ્તિખારે જે પાંચ બોલમાં બોલ ફેંક્યા તેમાં 13 રન બન્યા અને અહીંથી મેચ ઇંગ્લેન્ડના પક્ષમાં ગઈ હતી.

બ્રૂક માટે ફિઝિયોને બોલાવવો પડ્યો
મોહમ્મદ વસીમ ઇનિંગની 8મી ઓવર ફેંકી રહ્યો હતો. તેની ઓવરના પહેલા 4 બોલમાં 7 રન આવ્યા હતા. પરંતુ, ઇંગ્લેન્ડનો હેરી બ્રૂક આ ઓવરમાં ઈજાગસ્ત થયો હતો. તેણે પાંચમો બોલ ડોટ રમ્યો હતો. ઓવરનો છેલ્લો બોલ વસીમે શોર્ટ પિચ નાખ્યો હતો. બ્રૂક બાઉન્સને રમી શક્યો નહતો અને બોલ સીધો તેની કોણીમાં વાગ્યો હતો. તે દર્દથી રડતો જોવા મળ્યો હતો. ફિઝિયો મેદાનમાં આવ્યો હતો. પરંતુ, થોડા સમય પછી, બ્રૂકે સારું અનુભવવાનું શરૂ કર્યું અને પછીથી ઇનિંગ્સ ચાલુ થઈ હતી.

શાદાબે બ્રૂકને પેવેલિયન મોકલ્યો હતો
શાદાબ ખાન ઇંગ્લેન્ડની ઇનિંગની 13મી ઓવર કરી રહ્યો હતો. બ્રૂકે પહેલા બોલ પર 2 રન લીધા હતા. બીજો બોલ ડોટ ગયો હતો. શાદાબનો બોલ ઓફ સ્ટમ્પની બહાર રહ્યો હતો અને બ્રૂક તેને હવામાં રમ્યો હતો. જ્યાં લોંગ ઓફ પર ઉભેલા શાહિન શાહ આફ્રિદીએ તેનો કેચ પકડ્યો હતો.

બ્રૂકે 23 બોલમાં 20 રન બનાવ્યા હતા. આ સમયે ઇંગ્લેન્ડ 4 વિકેટના નુકસાન પર 84 રન પર હતું. તેમને ત્યારે 45 બોલમાં 54 રનની જરૂર હતી.

રાશિદે મોટો સ્કોર બનતા અટકાવ્યો
ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 137 રન બનાવ્યા હતા. ઇંગ્લિશ બોલર સૈમ કરન અને આદિલ રાશિદે પાકિસ્તાનને ઓછા સ્કોર પર રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

રાશિદની જાળમાં હારિસ ફસાઈ ગયો
આદિલ ઇનિંગની 8મી ઓવરમાં પોતાના સ્પેલની પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. પહેલા જ બોલ પર તેણે મોહમ્મદ હારિસને બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હારિસે સિક્સ ફટકારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે બોલને બાઉન્ડરીની બહાર પહોંચાડી શક્યો નહોતો અને તે આદિલ રાશિદની બોલિંગમાં આઉટ થયો હતો.

મોહમ્મદ હરિસે 12 બોલમાં 8 રન બનાવ્યા હતા. તેની વિકેટ રાશિદે લીધી હતી.
મોહમ્મદ હરિસે 12 બોલમાં 8 રન બનાવ્યા હતા. તેની વિકેટ રાશિદે લીધી હતી.

બાબર ફરી ગુગલી રમી શક્યો નહીં
રાશિદે 12મી ઓવરના પહેલા જ બોલ પર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને આઉટ કર્યો હતો. વાસ્તવમાં, રાશિદે આ મેચમાં લગભગ એટલી જ લેન્થ રાખી હતી, જેનો ઉપયોગ તેણે ટીમ ઈન્ડિયા સામે સેમિફાઈનલમાં કર્યો હતો. જો કે, રાશિદનો આ બોલ બાબરે ઓફ સ્ટમ્પની બહાર પિચ કર્યો અને ઝડપથી અંદર આવ્યો હતો. બાબર સ્ટ્રોક માટે જગ્યા છોડીને તેને પોઇન્ટ અને કવર વચ્ચે ગેપ કાઢીને માગતો હતો.

આ બોલ બાઉન્સ પણ થયો હતો. આ જ કારણ છે કે બાબર સરખો શોટ રમી શક્યો નહિ અને રાશિદે ફોલો-થ્રુમાં એક સરળ કેચ લઈ લીધો. બાબરે 28 બોલમાં 32 રન બનાવ્યા હતા.

બાબર આઝમે 28 બોલમાં 32 રન બનાવ્યા હતા. તે રાશિદની ગુગલીમાં આઉટ થયો હતો.
બાબર આઝમે 28 બોલમાં 32 રન બનાવ્યા હતા. તે રાશિદની ગુગલીમાં આઉટ થયો હતો.

ઇફ્તિખારે 5 ડોટ બોલ રમ્યા
બાબરના આઉટ થયા પછી પાકિસ્તાનની ટીમના હાર્ડ હિટર ઇફ્તિખાર અહેમદ બેટિંગમાં આવ્યો હતો. રાશિદે ઇફ્તિખારને પછીના પાંચેય બોલ રમવા દીધા નહોતા. ઇફ્તિખાર રાશિદની એક પણ બોલ સમજી શક્યો નહોતો અને પાકિસ્તાનનો સ્કોર 11 ઓવરમાં 2 વિકેટે 84 રનમાંથી 12 ઓવરમાં 3 વિકેટે 84 રન થઈ ગયો હતો.

24માંથી 10 ડોટ બોલ નાખ્યા
રાશિદે તેની 4 ઓવરના સ્પેલમાં 2 વિકેટ લીધી હતી. તેણે 24માંથી 10 ડોટ બોલ નાખ્યા હતા. તેણે સ્પેલની પહેલી અને ત્રીજી ઓવરના પહેલા જ બોલ પર બે બેટર્સને પેવેલિયન ભેગા કર્યા હતા. તેની પ્રથમ ઓવરમાં 5 રન, બીજી ઓવરમાં 9 રન અને ચોથી ઓવરમાં 8 રન આવ્યા હતા. તેણે ત્રીજી ઓવર મેડન ફેંકી હતી.