એક જ બોલમાં 7 રન!:બાંગ્લાદેશની ટીમ ફિલ્ડિંગમાં ગોથે ચડી ને ન્યૂઝીલેન્ડને લોટરી લાગી, ચાર રન ઓવર થ્રોમાં મળ્યા, ત્રણ રન દોડીને લીધા

11 દિવસ પહેલા

ક્રિકેટની દુનિયામાં તમે અનેક અજીબોગરીબ ઘટનાઓ જોઈ હશે અને સાંભળી હશે, પરંતુ શું તમે ક્યારેય નો-બોલ અને વાઈડ બોલ વગર માત્ર એક જ બોલ પર 7 રન બનાવતા જોયા છે? ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ કંઈક આવું જ બન્યું હતું, જ્યાં બાંગ્લાદેશની ટીમે એક બોલમાં 7 રન આપ્યા હતા.

આવી રીતે બન્યા એક બોલ પર 7 રન
ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 26મી ઓવર દરમિયાન એક બોલમાં 7 રન બનાવ્યા હતા. વાસ્તવમાં આ ઓવર ફાસ્ટ બોલર ઇબાદત હુસૈને નાખી રહ્યો હતો અને ઓવરના છેલ્લા બોલ પર વિલ યંગે શોટ માર્યો, બોલ બીજી સ્લિપમાં પહોંચ્યો, પરંતુ ફિલ્ડરે કેચ છોડ્યો.

ફિલ્ડરે કેચ ડ્રોપ કર્યા બાદ બોલ ઝડપથી થર્ડ મેનની દિશામાં જવા લાગ્યો, આ દરમિયાન વિલ યંગ અને ટોમ લાથમ ત્રણ રન પૂરા કરવા દોડ્યા. બોલ બાઉન્ડરીલાઇનને સ્પર્શે એ પહેલા તસ્કીન અહેમદે બાઉન્ડરી ન થવા દીધી અને બોલ વિકેટકીપર તરફ ફેંકી દીધો. વિકેટકીપર નુરુલ હસને પણ બોલને બીજા છેડે ફેંક્યો, પરંતુ બોલર અને ફિલ્ડરને ચખમો આપી બોલ ફરી બાઉન્ડરી પર જતો રહ્યો.

આ રીતે એક બોલ પર પહેલા વિલ યંગનો સરળ કેચ છુટ્યો, પછી ઓવર થ્રોને કારણે તેમને મફતમાં ચાર રન મળ્યા. હકીકતમાં ટેસ્ટ ક્રિકેટમાં આવું ભાગ્યે જ જોવા મળે છે. યંગ 54 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ટોમ લાથમ સાથે પ્રથમ વિકેટ માટે 148 રન જોડ્યા હતા.

29 ઈનિંગ્સ બાદ લાથમે સદી ફટકારી
પહેલા દિવસની રમતમાં ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન ટોમ લાથમે શાનદાર બેટિંગ કરતાં ટેસ્ટ ફોર્મેટમાં પોતાની 12મી સદી પૂરી કરી હતી. લાથમે 29 ઈનિંગ્સ બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેણે છેલ્લી સદી વર્ષ 2019માં ઈંગ્લેન્ડ સામે ફટકારી હતી. પહેલા દિવસે સ્ટમ્પ પર NZનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 349 રન છે. લાથમ 186 અને ડેવોન કોનવે 99 રને અણનમ છે. બંને વચ્ચે બીજી વિકેટ માટે 201 રનની ભાગીદારી થઈ છે.

પ્રથમ ટેસ્ટમાં કિવી ટીમને બાંગ્લાદેશના હાથે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણેય ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે બાંગ્લાદેશની આ પ્રથમ જીત હતી. પ્રથમ મેચમાં હાર બાદ ન્યૂઝીલેન્ડ માટે બીજી ટેસ્ટ કરો યા મરોથી ઓછી નથી. જો કિવી ટીમ આ મેચ હારે છે અથવા ડ્રો કરે છે, તો BAN ટેસ્ટ શ્રેણી પર કબજો કરશે.

અન્ય સમાચારો પણ છે...