• Gujarati News
  • Sports
  • Cricket
  • Why Did Raina Come Back Despite Being Dhoni's Best Friend? An Attempt To Unravel The Incomprehensible Mystery ...

CSKના જય-વીરુની જોડી કેમ તૂટી?:IPL શરૂ થાય એ પહેલાં જ સુરેશ રૈના પાછો કેમ આવ્યો? નિવૃત્તિ પછીની અતિ મહત્વની ટૂર્નામેન્ટ કેમ છોડી દીધી? સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૈનાએ CSK માટે 12 સીઝનની 193 મેચમાં 5368 રન કર્યા છે. સ્પિનર્સને મદદ કરતી UAEની પિચ પર તે ત્રીજા ક્રમે નિર્ણાયક ભૂમિકા ભજવશે, તેવી ફેન્સને આશા હતી. - Divya Bhaskar
રૈનાએ CSK માટે 12 સીઝનની 193 મેચમાં 5368 રન કર્યા છે. સ્પિનર્સને મદદ કરતી UAEની પિચ પર તે ત્રીજા ક્રમે નિર્ણાયક ભૂમિકા ભજવશે, તેવી ફેન્સને આશા હતી.
  • સત્તાવાર નિવેદનના અભાવમાં રૈનાની અણધારી ઘરવાપસી અંગે સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો ચાલી રહી છે
  • પરિવારમાં કોઈની ગંભીર માંદગીથી માંડીને હોમ સિકનેસ, ડોપિંગ ટેસ્ટમાં ફેઈલ થવું સહિતના વિવિધ કારણો પૈકી ક્યું કારણ સાચું હશે?

પહેલીવાર IPLના ઇતિહાસમાં એવું થશે કે CSKની ટીમમાં રૈના નહિ રમે. ધોની-રૈના એટલે IPLની જય-વીરુની જોડી કેમ તૂટી એ અંગે ચોક્કસાઈ સાથે કંઈપણ કહેવું અઘરું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની સૌથી સફળ ફ્રેન્ચાઇઝ ચેન્નાઇ સુપરકિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર અને ટૂર્નામેન્ટના સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક, સુરેશ રૈના આ વખતે ભાગ નહિ લે. શનિવારે CSKએ ટ્વીટ કરીને આ અંગે જાણ કરતા કહ્યું હતું કે, "રૈના વ્યક્તિગત કારણોસર આ વખતે IPLમાં નહિ રમે. CSKનો રૈના અને તેની પત્નીને પૂરેપૂરો સપોર્ટ છે." જોકે ટૂર્નામેન્ટ શરૂ થાય એ પહેલાં જ સ્વદેશ પરત ફરવાના કારણ વિશે રૈના કે CSK તરફથી વિશેષ કોઈ જ માહિતી સત્તાવાર રીતે જાહેર થઈ નથી. એ સંજોગોમાં સોશિયલ મીડિયામાં વિવિધ અટકળો વહેતી થઈ રહી છે. રૈના અને CSKના ફેન્સ સહિત અનેક ક્રિકેટચાહકો મૂંઝવણમાં છે કે, એવું તો શું થયું કે મિસ્ટર IPLએ ટૂર્નામેન્ટમાં રમવાની ના પાડી દીધી? વ્યક્ત થઈ રહેલી વિવિધ અટકળો ચકાસવાનો અહીં એક પ્રયાસ કરીએ.

અનુમાન 1) રૈના કોવિડ​​​​-19 પોઝિટિવ છે?

આ સોશિયલ મીડિયા પર ફરતું સૌથી બાલિશ અનુમાન છે. કારણકે નિયમ મુજબ, કોરોના પોઝિટિવ વ્યક્તિ ફ્લાઇટ જર્ની જ ન કરી શકે. હાલ UAEમાં હાજર કોઈ ખેલાડીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવે તો પણ BCCI દ્વારા UAEમાં ઉભી કરવામાં આવેલી કોવિડ હેલ્થ ફેસિલિટીમાં સારવાર કરાવી શકાય છે. તેથી આ અનુમાન બિલકુલ અતાર્કિક છે.

અનુમાન 2) શું રૈના ઇજાગ્રસ્ત છે?

ટૂર્નામેન્ટ શરૂ થવાને હજી 22 દિવસનો સમય બાકી છે. રૈના વર્લ્ડના શ્રેષ્ઠ ફિલ્ડર્સમાથી એક છે અને ઇજામાંથી ઉભરવા માટે સામાન્યપણે આટલો સમય પૂરતો છે. જો ઇજા મોટી હોય તો આ અંગે જાહેરાત કરવામાં આવે અને ફ્રેન્ચાઇઝ દ્વારા અંગત કારણોસર નહિ રમે તેવું કહેવામાં ન આવે.

અનુમાન 3) ડોપ ટેસ્ટમાં ફેલ થયો?

BCCI અને નેશનલ એન્ટી ડોપિંગ ટેસ્ટ એજન્સી દ્વારા UAEમાં ડોપ ટેસ્ટ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. એક અનુમાન એવું પણ છે કે શું રૈનાએ ભૂલથી કોઈ પ્રતિબંધિત વસ્તુનું સેવન કર્યું હશે? જોકે, આ અનુમાન અને લોજિકને પણ કોઈ નિસબત નથી. કારણ કે આવી વાતો છૂપાવવી શક્ય નથી. જો આમ હોત, તો CSK હાલ જાહેર કર્યું છે તેવું ઓફિશિયલ નિવેદન જ ન આપત.

અનુમાન 4) કોડ ઓફ કંડકટ સંબંધિત કોઈ એક્શન?

ધોની પછી રૈના CSKનો સૌથી મોટો પ્લેયર છે. 13 વર્ષથી જે ફ્રેન્ચાઇઝ અને ખેલાડી વચ્ચે બોન્ડિંગ આવું હોય ત્યાં આવી કોઈ પરિસ્થિતિ સર્જાય એ માની શકાય તેમ નથી. તેમજ આવા કેસમાં ટૂર્નામેન્ટના ચેરમેન તરફથી સત્તાવાર નિવેદન આવે જ.

અનુમાન 5) હોમ સિકનેસ?

આ વાત તો સહેજ પણ ગળે ઉતરે એવી નથી. 15 વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા ખેલાડીને 1 અઠવાડિયામાં ઘરની યાદ એવી સતાવે કે તે 2.5 મહિનાનો પ્રવાસ છોડી દે? કેટલાક લોકો અટકળો લગાવી રહ્યા છે કે તેનો પુત્ર રિયો માત્ર ચાર મહિનાનો છે અને રૈનાએ વિચાર્યું કે કોવિડ કાળમાં પૈસા, કરિયર અને ફેમ કરતા ફેમિલી સૌથી વધુ જરૂરી છે. તેથી તેણે ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો. પરંતુ આ કારણ પણ ગળે ઉતરે એવું નથી.

અનુમાન 6) પરિવારમાં કોઈ બીમાર છે?

CSKએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, અમારો રૈના અને તેની ફેમિલીને પૂરો સપોર્ટ છે. તેનો મતલબ એવો થઈ શકે કે તેની અથવા તેની વાઈફના ફેમિલીમાંથી કોઈ વડીલની તબિયત કોઈ ગંભીર કારણોસર ખરાબ હોય અને તેથી રૈનાએ IPLમાં રમવાને બદલે મુશ્કેલ સમયમાં પરિવાર સાથે રહેવાનું નક્કી કર્યું હોય. બધા અનુમાનોમાં અનુમાન નંબર 6 સાચું પડી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, રૈનાએ CSK માટે 12 સીઝનની 193 મેચમાં 5368 રન કર્યા છે. સ્પિનર્સને મદદ કરતી UAEની પિચ પર તે ત્રીજા ક્રમે નિર્ણાયક ભૂમિકા ભજવશે, તેવી ફેન્સને આશા હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી ચૂકેલો રૈના હવે ક્યારે ક્રિકેટના મેદાન પર જોવા મળશે એ કહેવું હવે મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...