NCAના અધ્યક્ષ બન્યા VVS લક્ષ્મણ:સૌરવ ગાંગુલીએ મનાવ્યા બાદ જવાબદારી લેવા રાજી થયા, સનરાઈઝર્સ હૈદરાબાદનો સાથ છૂટ્યો

23 દિવસ પહેલા

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન VVS લક્ષ્મણને નેશનલ ક્રિકેટ એકેડમીના નવા વડા બનાવવામાં આવ્યા છે. અગાઉ NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)ના વડા રાહુલ દ્રવિડ હતા જે હવે ભારતીય ટીમના કોચ છે. અગાઉ લક્ષ્મણે આ પદ સંભાળવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ સમજાવ્યા બાદ તેઓ રાજી થઈ ગયા. ભારત A ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસ બાદ લક્ષ્મણ પોતાનું પદ સંભાળી શકે છે.

પોતાની શરતો પર માન્યા લક્ષ્મણ
BCCIના એક અધિકારીએ TOIને જણાવ્યું કે લક્ષ્મણ પોતાની શરતો પર NCA પ્રમુખ બનવા તૈયાર થયા છે. સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ આ જ ઈચ્છતા હતા. કારણ કે દ્રવિડ અને લક્ષ્મણની સમજ અદ્ભુત છે અને તે ટીમ ઈન્ડિયા અને NCA બંને માટે ઘણું સારું રહેશે. તેમની નિમણૂકના નિયમો અને શરતો પર કામ ચાલુ છે. પરંતુ તેમણે પહેલેથી જ NCA સાથે તેના વિચારો શેર કરવાનું શરૂ કરી દીધું છે.

તેમણે વધુમાં કહ્યું કે લક્ષ્મણ NCAના પ્રમુખ બનવું એ એક લાંબી પ્રક્રિયાનો ભાગ છે. સૌરવ ગાંગુલી અને જય શાહ સાથે પણ તેમની વાતચીત લાંબા સમય સુધી ચાલી હતી. લક્ષ્મણની સામે સૌથી મોટી મૂંઝવણ હૈદરાબાદથી પરિવાર સાથે બેંગ્લોરમાં સ્થાયી થવાની હતી.

તેમણે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ સાથે પણ વાત કરી, જેના તેઓ મેન્ટર છે. જો કે હવે તમામ સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. લક્ષ્મણે ટીમ ઈન્ડિયા માટે 134 ટેસ્ટ અને 86 વનડે રમી છે.

લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના કોચ બનવા ઈચ્છતા હતા
VVS લક્ષ્મણ રવિ શાસ્ત્રીની જગ્યાએ ટીમ ઈન્ડિયાના કોચ બનવા ઈચ્છતો હતો. જો રાહુલ દ્રવિડ આ પદ ન સંભાળે તો લક્ષ્મણ જ એકમાત્ર વિકલ્પ હતો. તમને જણાવી દઈએ કે, હવે લક્ષ્મણને પણ IPLમાં હૈદરાબાદના મેન્ટર પદ પરથી હટી જવું પડશે, કારણ કે BCCIના કાયદા મુજબ, તેઓ NCAના વડા હોવાના કારણે અન્ય કોઈ ક્રિકેટ જવાબદારી લઈ શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...