T20 World Cup:રોહિતને ઓપનિંગમાંથી હટાવવા પર વિરેન્દ્ર સેહવાગ ગુસ્સે થયો, 2007 વનડે વર્લ્ડ કપની યાદ અપાવી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • ભારતે શરૂઆતની બન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો

ICC T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. શરૂઆતની બન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને પહેલા પાકિસ્તાને અને પછી ન્યૂઝીલેન્ડે હરાવ્યું. બન્ને મેચમાં ટીમના કોમ્બિનેશનને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ખાસ કરીને બીજી મેચમાં ન્યૂઝીલેન્ડની સામે એવો બદલાવ જોવા મળ્યો, જેની કોઈને અપેક્ષા નહોતી, તેથી આ પગલાની ખૂબ ટીકા પણ થઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલીએ રોહિત શર્માને ઓપનિંગ ન કરાવતાં 3 નંબર પર મોકલ્યો હતો. ઓપનિંગની જવાબદારી કેએલ રાહુલ અને ઈશાન કિશનને આપવામાં આવી હતી. ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે પણ આ પગલાની ટીકા કરી છે. સેહવાગે 2007ના વનડે વર્લ્ડ કપની એક ઘટનાને યાદ કરાવી છે.

સેહવાગે કહ્યું, “2007 વર્લ્ડ કપમાં અમે બે ભૂલો કરી હતી
સેહવાગે કહ્યું હતું કે 2007ના વનડે વર્લ્ડ કપમાં ભારતે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને નંબર-7 પર બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ આ પગલું નિષ્ફળ રહ્યું હતું, કારણ કે સચિને તેની કારકિર્દીનો મોટા ભાગનો સમય ઓપનિંગ જ કર્યું હતું. ક્રિકબઝ સાથે વાત કરતાં સેહવાગે કહ્યું, “2007 વર્લ્ડ કપમાં અમે બે ભૂલ કરી. પ્રથમ, જ્યારે અમે સારી રીતે પીછો કરી રહ્યા હતા અને અમે સતત 17 મેચ જીતી હતી, પરંતુ જ્યારે વર્લ્ડ કપ આવ્યો ત્યારે અમારા કોચે કહ્યું કે અમને બેટિંગ પ્રેક્ટિસની જરૂર છે. મેં કહ્યું હતું કે અમને બે મેચ જીતવા દો. અને એ પછી અમારી પાસે છ મેચ હશે બેટિંગ પ્રેક્ટિસ કરવા માટે, પરંતુ તેમણે ના કહ્યું હતું"

સચિનને ઓપનિંગથી હટાવ્યો એ બીજી ભૂલ
સેહવાગે કહ્યું , બીજી ભૂલ એ હતી કે જ્યારે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની ઓપનિંગ જોડી સારું પ્રદર્શન કરી રહી હતી, ત્યારે તેને તોડવાની શી જરૂર હતી. તમે કેમ કહ્યું કે જો સચિન મિડલ ક્રમમાં બેટિંગ કરે તો તમે નિયંત્રણ કરી શકો છો. અમારી પાસે પહેલાંથી જ ત્રણ ખેલાડી મિડલ ઓર્ડરમાં હતા- રાહુલ દ્રવિડ, યુવરાજ સિંહ અને એમએસ ધોની. તમારે ચોથાની જરૂર કેમ પડી? સચિને નંબર 4 પર બેટિંગ કરી અને તમે જોયું કે શું થયું. જ્યારે ટીમો રણનીતિ બદલે છે ત્યારે આ તે ભૂલો કરે છે. જ્યારે તમારી પાસે સફળ થયેલી ફોર્મ્યુલા છે તો પછી તેણે બદલવાની શું જરૂર છે. આ સૌથી સારું ઉદાહરણ છે.

અફઘાનિસ્તાન સામે મુકાબલો
ભારતને શરૂઆતની બે મેચમાં ઝટકો મળ્યો છે. હવે તેની સેમી-ફાઇનલમાં પહોંચવાની આશા સમાપ્ત જેવી જ થઈ ગઈ છે. હવે સેમી-ફાઇનલમાં જવા માટે તેણે તેની બાકી રહેલી બધી જ- ત્રણેય મેચ જીતવી પડશે અને સાથે જ બીજી ટીમોનાં પરિણામ પર આધાર રાખવો પડશે. ભારતે 2007માં ટી-20 વર્લ્ડ કપનું પહેલું ટાઇટલ જીત્યું હતું. પરતું ત્યાર બાદ ટીમ ફરીથી આ ટ્રોફી જીતી શકી નથી. આશા હતી કે આ વખતે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં જીતીશું, પરંતુ બે હાર બાદ એની શક્યતા પણ ન બરાબર થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...