• Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Told The Media I Am Perfectly Fit; I Don't Have To Prove My Form, It's Not Possible For Me To Play All The Matches

કોહલી સામે સવાલોના બાઉન્સર્સ:વિરાટે મીડિયાને કહ્યું- હું સંપૂર્ણપણે ફિટ છું; મારા ફોર્મ અંગે મારે કઈ સાબિત કરવાની જરૂર નથી, હું બધી જ મેચ રમું એ શક્ય નથી

10 દિવસ પહેલા
  • નિર્ણયાક મેચમાં તમે મહત્ત્વના ખેલાડીઓને ન ગુમાવી શકો- કોહલી

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે મંગળવારે 3 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી ટેસ્ટ કેપ ટાઉનમાં રમાવા જઈ રહી છે. આની પહેલા વિરાટ કોહલીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે ફિટનેસ, ફોર્મ અને પ્લેઇંગ-11ના વિવિધ સંકેતો પણ આપ્યા છે. તેણે કહ્યું છે કે મારે અત્યારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. વળી મોહમ્મદ સિરાજ આગામી ટેસ્ટ માટે ફિટ નથી તેથી અમે આ રિસ્ક લઈ શકીએ નહીં. તથા હું સંપૂર્ણપણે ફિટ છું અને આ મેચમાં રમીશ.

ફોર્મના સવાલ અંગે વિરાટ ઘટસ્ફોટ
વિરાટ કોહલીએ લગભગ 2 વર્ષથી એકપણ સદી મારી નથી. તેથી સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે. આ અંગે સવાલો સામે આવતા તેણે જવાબ આપ્યો કે આ પહેલીવાર નથી જ્યારે મારી બેટિંગ સામે સવાલો ઊઠી રહ્યા છે. 2014માં ઇંગ્લેન્ડ ટૂરમાં પણ સામે આવ્યા હતા અને ત્યારપછી મેં ઘણી મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપમાં મારું યોગદાન આપ્યું છે. છેલ્લા 1 વર્ષમાં પણ મેં મારુ બેસ્ટ આપ્યું છે. હું એટલું જ કહીશ કે મારે કોઈને કઈ સાબિત કરવાની જરૂર નથી.

આ પહેલીવાર નથી જ્યારે મારી બેટિંગ સામે સવાલો ઊઠી રહ્યા છે- વિરાટ
આ પહેલીવાર નથી જ્યારે મારી બેટિંગ સામે સવાલો ઊઠી રહ્યા છે- વિરાટ

ક્રિકેટમાં બધું પ્લાન કરો એવું જ ન થાય
કોહલીએ કહ્યું કે તમારે એ સમજવું પડશે કે સ્પોર્ટ્સમાં તમે જે ઈચ્છો છો તેવું જ નથી થતું. ઘણી વાર તમારે પરિસ્થિતિ પ્રમાણે પ્લાન બદલવા પડે છે. મેં ટીમમાં છેલ્લા 1 વર્ષમાં ઘણી એવી પાર્ટનરશિપમાં યોગદાન આપ્યું છે જેને ટીમને જીત સુધી લઈ જવા સહાય કરી છે. ક્યારેક ક્યારેક તમારે ફોર્મ કરતા વધારે ટીમને જેની જરૂર છે એના પર ધ્યાન આપવું જોઈએ.

કેપટાઉનમાં ઈન્ડિયન ટીમે પ્રેક્ટિસ શરૂ કરી
કેપટાઉનમાં ઈન્ડિયન ટીમે પ્રેક્ટિસ શરૂ કરી

હું દરેક મેચમાં રમવા આવું એ સંભવ નથી
બેક ઈન્જરીના કારણે કોહલી છેલ્લી ટેસ્ટમાં રમી શક્યો નહોતો. જોકે અત્યારે કોહલી ફિટ છે અને તે આગામી ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરશે. ખેલાડીઓની ફિટનેસના સવાલ પર તેણે કહ્યું કે અમારું તમામ ધ્યાન પોતાને શક્ય તેટલું ફિટ રાખવા પર છે. જોકે, સત્ય એ છે કે અમે ઘણું ક્રિકેટ રમીએ છીએ. હું 2012થી ત્રણેય ફોર્મેટમાં ટીમનો ભાગ છું અને IPL પણ રમું છું. આપણે એ હકીકત સ્વીકારવી પડશે કે હું દરેક મેચ રમું, તે શક્ય નથી.

ભુવનેશ્વર અને જાડેજાનું ઉદાહરણ આપ્યું
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાનું ઉદાહરણ આપતાં વિરાટે કહ્યું કે- ભુવીએ છેલ્લા ચાર-છ વર્ષમાં અમારા માટે ઘણું ક્રિકેટ રમ્યું છે. તે ટીમમાં બેક ટુ બેક મેચ રમતો હતો. જાડેજા પણ મોટાભાગની મેચો રમે છે. તેમને પણ ઈન્જરી થાય છે અને આવું થવું સ્વાભાવિક છે. ખેલાડીઓની ક્ષમતાઓ અને તેઓ જે મેચ રમે છે તેની સંખ્યા વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ. અમે દિલથી મેચ રમીએ છીએ, તેથી અમે જે મેચ રમીએ છીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

નેટ્સમાં શાર્દૂલ ઠાકુર બેટિંગ કરતો નજરે પડ્યો
નેટ્સમાં શાર્દૂલ ઠાકુર બેટિંગ કરતો નજરે પડ્યો

મહત્ત્વના ખેલાડીઓને ન ગુમાવી શકો
કોહલીએ કહ્યું કે કોરોનાના કારણે વર્તમાન સ્થિતિમાં આપણે મોટાભાગે પ્રતિબંધો સાથે જીવવું પડે છે. ધીમે-ધીમે બધુ ઠીક થઈ જશે, પરંતુ આની પહેલા ખેલાડીઓએ પોતાને ફિટ રાખવા ખૂબ જ જરૂરી છે. આ રીતે તમે આ વાતાવરણમાં તમારી જાતને તૈયાર કરી શકો છો. તમે નિર્ણાયક મેચોમાં તમારા સારા ખેલાડીઓને ગુમાવવા માગતા નથી.

અન્ય સમાચારો પણ છે...