શું વિરાટની કારકિર્દી પર જોખમ છે?:છેલ્લાં ત્રણ વર્ષમાં માત્ર 27ની એવરેજથી રન બનાવ્યા છે, જાડેજા પણ તેનાથી સારી બેટિંગ કરી રહ્યો છે

એક મહિનો પહેલા

વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન યથાવત્ છે. ઇંગ્લેન્ડ સામે બર્મિંગહામમાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 19 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. તેને મેથ્યુ પોટ્સે બોલ્ડ કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે પોટ્સ તેના કરિયરની માત્ર બીજી સિરીઝ રમી રહ્યો છે.

બેટિંગમાં નિષ્ફળ રહેવાના વિરાટ કોહલીના આ સિલસિલાને લગભગ ત્રણ વર્ષ થવા આવ્યાં છે. 23 નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે તેણે ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યાર પછી ક્રિકેટના એકપણ ફોર્મેટમાં સદી કરી શક્યો નથી, એટલે કે પૂરા 953 દિવસ. તેના બેટથી રન બનતા નથી. આવામાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું વિરાટ કોહલીની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે? ચાલો... જોઈએ આંકડા શું કહે છે....

18 ટેસ્ટમાં માત્ર 852 રન
વિરાટે તેની અંતિમ સદી પછી અત્યારસુધી 18 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 31 ઈનિંગમાં બેટિંગ કરી છે અને માત્ર 6 વાર 50ના આંકડાને પાર કર્યો છે. આ દરમિયાન તેની એવરેજ 27.48 રહી છે. સિનિયર ખેલાડીઓમાં તેનાથી ખરાબ એવરેજ અજિંક્ય રહાણે (24.08) અને ચેતેશ્વર પૂજારા (25.94)ની છે. આ કારણે રહાણે અને પૂજારા બન્ને ટીમની બહાર છે. કાઉન્ટી ક્રિકેટમાં સારા પ્રદર્શનને કારણે પૂજારાની વાપસી થઈ છે, જ્યારે રહાણે હજુ ટીમ બહાર છે.

બીજી તરફ, બીજા ઘણા ખેલાડીઓએ વિરાટ કરતાં સારી રમત બતાવી છે. રિષભ પંતનું ટીમમાં સ્થાન હંમેશાં ચર્ચાનો મુદ્દો રહે છે, પરંતુ વિરાટની અંતિમ સદી પછી ભારત માટે સૌથી વધારે રન બનાવનારની યાદીમાં પંત સૌથી આગળ છે. તેણે આ દરમિયાન 20 ટેસ્ટમાં 42.32ની એવરેજથી 1312 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને 7 ફિફ્ટીનો સમાવેશ થાય છે. રોહિત શર્મા, કેએલ રાહુલ અને શુભમન ગિલનની એવરેજ પણ વિરાટથી સારી છે.

ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે દેશભરના બેટ્સમેનો વચ્ચે હરીફાઈ થાય છે. આવામાં વિરાટ સતત ફ્લોપ થઈ રહ્યો છે, ત્યારે હવે તે પોતાને કેટલા સમય સુધી બચાવી શકશે? પૂજારા અને રહાણે ડ્રોપ થઈ શકે તો વિરાટ કેમ નહીં?

વન-ડેમાં પણ એવરેજ 40 નીચે
23 નવેમ્બર 2019 પછી વન-ડે ક્રિકેટમાં પણ વિરાટ સારી બેટિંગ કરી શક્યો નથી. આ દરમિયાન તેણે 21 વન-ડે રમી છે, જેમાં 37.66ની એવરેજથી 791 રન બનાવ્યા છે. 10 ફિફ્ટી છે, પણ સદી એકપણ નથી.

ઓફ સ્ટમ્પની બહારના બોલનો ભય
ઓફ સ્ટમ્પની બહારના બોલને રમવો એ વિરાટની શરૂઆતથી જ મુશ્કેલી રહી છે. જોકે 2018ના ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન તેણે આ કમજોરીને લગભગ દૂર કરી લીધી હતી, પરંતુ હવે આજ કમજોરી ફરી સામે આવી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં 60% કેસમાં કોહલી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થયો છે.

અન્ય સમાચારો પણ છે...