• Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Kohli's Brilliant Fifty Once Again, Arshdeep Singh's Game changing Over; Look At Other Factors Too

ટીમ ઈન્ડિયાની જીતનાં ટૉપ-5 ફેક્ટર્સ:વિરાટ કોહલીની ફરી એકવાર શાનદાર ફિફ્ટી, અર્શદીપ સિંહની ગેમ-ચેન્જિંગ ઓવર; અન્ય ફેક્ટર્સ પણ જાણો

એક મહિનો પહેલા

ટીમ ઈન્ડિયાએ ગઈકાલે T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની ખૂબ જ મહત્વપૂર્ણ મેચ જીતી લીધી છે. ભારતે ડકવર્થ-લુઈસ નિયમ પ્રમાણે સુપર-12ની મેચ 5 રને જીતી લીધી હતી. ત્યારે આ જીત સાથે જ હવે ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં ટોપ પર આવી ગઈ છે.

હવે ભારતનું સેમિફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. આ જીત સાથે જ ટીમના 6 પોઇન્ટ્સ થઈ ગયા છે અને હવે આ ગ્રુપમાં સાઉથ આફ્રિકા સિવાય અન્ય કોઈ ટીમ 6 પોઇન્ટ્સથી આગળ વધી શકે તેમ નથી. ભારત હવે તેની છેલ્લી મેચ 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે રમશે. ઝિમ્બાબ્વે સામેની જીત પછી ટીમ ઈન્ડિયાના 8 પોઇન્ટ્સ થઈ જશે અને ત્યારપછી સેમિફાઈનલનો રસ્તો નિશ્ચિત થઈ જશે.

જોકે, બાંગ્લાદેશ સામેની મેચમાં 5 ફેક્ટર્સ એવા હતા, જેના કારણે ભારતે આ મેચ જીતી લીધી હતી.

1. કેએલ રાહુલનું યોગ્ય સમયે ફોર્મમાં પરત ફરવું
ઓપનર કેએલ રાહુલ વર્લ્ડ કપની પ્રથમ 3 મેચમાં નિષ્ફળ રહ્યો હતો. આ મેચમાં તે એક વખત પણ 10 રનના આંકડાને ક્રોસ કરી શક્યો નથી. તેને પ્લેઇંગ-11માંથી બહાર કરવાની માગ ઉઠી હતી, પરંતુ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ રાહુલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બાંગ્લાદેશ સામે રાહુલ ફોર્મમાં પરત ફર્યો હતો અને તેણે 32 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તો તેની સ્ટ્રાઈક રેટ 156.25ની રહી હતી.

2. વિરાટ અને રાહુલની મજબૂત પાર્ટનરશિપ
ભારતની પ્રથમ વિકેટ વહેલી પડી હતી. કેપ્ટન રોહિત શર્મા 8 બોલમાં 2 રન બનાવીને આઉટ થયા હતા. મુશ્કેલ પરિસ્થિતિમાં રાહુલ અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 67 રન જોડ્યા હતા. આનાથી ભારતીય ઇનિંગ્સ પાટા પર આવી ગઈ હતી.

3. વિરાટની શાનદાર બેટિંગ
વિરાટે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 4 મેચમાં 3 અડધી સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામે પણ તેમણે પહેલા ટીમની ઇનિંગને સંભાળી હતી. 145ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા વિરાટે 44 બોલમાં 64 રન બનાવ્યા હતા. તે અંત સુધી નોટઆઉટ રહ્યા હતા અને તેમની આ શાનદાર બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ 184 રન બનાવ્યા હતા. તેઓને આ ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ પણ બનાવવામાં આવ્યા હતા.

4. ફિલ્ડિંગમાં જોરદાર સુધાર જોવા મળ્યો
ભારતીય ટીમે આ વર્લ્ડ કપની ત્રણ મેચમાં 5 કેચ છોડ્યા હતા. રનઆઉટ કરવામાં પણ ચૂકી જતા હતા. સાઉથ આફ્રિકા સામેની હારનું કારણ ખરાબ ફિલ્ડિંગ જ હતી. જોકે બાંગ્લાદેશ સામે પણ કાર્તિકે શરૂઆતમાં બે કેચ છોડ્યા હતા, પરંતુ વરસાદ પછી મેચ ફરી શરૂ થઈ ત્યારે ફિલ્ડર્સ કોઈ ભૂલ કરી નહોતી. સૂર્યાએ ડીપમાં બે સારા કેચ લીધા હતા.

તો સબ્સટીટ્યૂટ તરીકે આવેલા દીપક હુડ્ડાએ શાકિબ અલ હસનનો સારો કેચ લીધો હતો. આ પહેલા રાહુલે બાઉન્ડ્રી પરથી સીધો થ્રો કરીને તોફાની બેટિંગ કરી રહેલા લિટોન દાસને પેવેલિયન ભેગો કર્યો હતો. આમ બાંગ્લાદેશ સામેની જીતનું કારણ ફિલ્ડિંગ કહી શકાય.

5. અર્શદીપની ધારદાર બોલિંગ, એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી
ભારતના 184/6ના જવાબમાં બાંગ્લાદેશે 7 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવી લીધા હતા. વરસાદના કારણે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 11 ઓવરમાં ટીમનો સ્કોર બે વિકેટે 99 રન હતો. છેલ્લી 5 ઓવરમાં 52 રનની જરૂર હતી. શાકિબ અને આફિક ક્રિઝ પર હતા.

અહીં અર્શદીપ સિંહ બોલિંગ કરવા આવ્યો અને તેણે એ જ ઓવરમાં પહેલા આફિફ અને પછી શાકિબને આઉટ કરીને બાંગ્લાદેશના મિડલ ઓર્ડરની કમર તોડી નાખી હતી. અર્શદીપે છેલ્લી 5 ઓવરમાંથી 3 ઓવર નાખી હતી. ડેથ ઓવર્સમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે 5 રનથી મેચ જીતી લીધી હતી.

ટીમ ઈન્ડિયાની જીત પછી ગ્રુપ-2નું પોઇન્ટ્સ ટેબલ

ટીમમેચજીતહારNRRપોઇન્ટ્સ
ભારત431+0.7306
સાઉથ આફ્રિકા320+2.7725
બાંગ્લાદેશ422-1.2764
ઝિમ્બાબ્વે412-0.3133
પાકિસ્તાન312+0.7652
નેધરલેન્ડ્સ413-1.2332
અન્ય સમાચારો પણ છે...