વિરાટ - ધ રન મશીન ઇઝ બેક. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામે તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં તેમના વન-ડે કરિયરની 46મી સેન્ચુરી ફટકારી હતી. આ સાથે જ તેઓએ ઈન્ટરનેશનલ કરિયરની 74મી સદી પણ પૂરી કરી હતી. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી સદીથી વંચિત રહેતા હતા. અત્યારે હવે તેઓ અલગ જ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. કોહલીએ ઑગસ્ટ 2022માં એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સદીનો દુકાળ પૂરો કર્યો હતો. આ પછી તેઓએ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડેમાં સદી માર્યા પછી હવે તેઓ બેક-ટુ-બેક સદી મારી રહ્યા છે. વિરાટ છેલ્લી 4 વન-ડેમાં ત્રણ સેન્ચુરી ફટકારી ચૂક્યા છે. વિરાટ જે રીતના રમી રહ્યા છે, તે જોતા તો લાગી રહ્યું છે કે તેઓ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના 100 સદીનો રેકોર્ડ આરામથી તોડી લેશે.
આ સ્ટોરીમાં આજે આપણે વિરાટ કોહલીએ તોડેલા રેકોર્ડ્સ અને શું તેઓ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે? તે વિશે જાણીશું...
1. ઘરઆંગણે સૌથી વધુ સદી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. ઘરઆંગણે વન-ડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલીએ ઘરઆંગણે હવે 21 સદી મારી છે. તેમની 46 વન-ડે સદીમાં 21 સદી ઘરઆંગણેમાં આવી છે. કોહલીનો ઘરમાં હાઇએસ્ટ સ્કોર 166* રન છે. સચિન તેંડુલકરે ઘરઆંગણે 20 સદી મારી છે. તેઓએ વન-ડેમાં કુલ 49 સદી મારી છે, જેમાંથી 20 સદી ઘરઆંગણે આવી છે. સચિન તેંડુલકરનો ઘરમાં હાઇએસ્ટ સ્કોર 200* રન છે.
2. કોઈ એક જ ટીમ વિરુદ્ધ સૌથી વધુ સદી
વિરાટ કોહલી પહેલા પ્લેયર બની ગયા છે, જેમણે કોઈ એક જ ટીમ વિરુદ્ધ સૌથી વધુ સદી મારી હોય. તેઓએ શ્રીલંકા સામે કુલ 10 સદી મારી દીધી છે. આ પછી તેમણે વેસ્ટઈન્ડિઝ સામે પણ 9 સદી મારી છે. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં 9 સદી ફટકારેલી છે. આ પછી રોહિત શર્માએ 8 સદી ઓસ્ટ્રેલિયા સામે મારી છે. તો વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં 8 સદી મારી છે. અને સચિન તેંડુલકરે શ્રીલંકા સામે વન-ડેમાં 8 સદી ફટકારી છે.
3. કોહલી વન-ડેમાં 150+ સ્કોર કરનારા પહેલા નોન-ઓપનર બેટર
વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં 110 બોલમાં 166* રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. આ સાથે જ તેઓ વન-ડેમાં 150+ રન ફટકારનાર પહેલા નોન-ઓપનર બેટર બની ગયા છે. આ અગાઉ વિરાટે પાકિસ્તાન સામે 2012માં 183 રનની મેરેથોન ઇનિંગ રમી હતી. આ પછી 2016માં ન્યૂઝીલેન્ડ સામે 154* રનની ઇનિંગ રમી હતી. 2018માં સાઉથ આફ્રિકા સામે 160* રન ફટકાર્યા હતા. આ પછી 2018માં વેસ્ટઈન્ડિઝ સામે 157* રનની શાનદાર ઇનિંગ રમી હતી.
4. વિરાટ કોહલીની 15 જાન્યુઆરીએ સદી...
15 જાન્યુઆરી એ કિંગ કોહલીનો દિવસ હોય તેમ તેઓએ આ દિવસે કુલ 4 સદી ફટકારી છે. 15 જાન્યુઆરીએ તેમની 4 સદીમાં પહેલી તેઓએ 2017માં ઇંગ્લેન્ડ સામેની વન-ડેમાં 122 રન બનાવ્યા હતા. આ પછી 2018માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટમાં 153 રન બનાવ્યા હતા. તો 2019માં ઓસ્ટ્રેલિય સામે વન-ડે મેચમાં 104 રન કર્યા હતા. અને શ્રીલંકા સામે વન-ડે મેચમાં 166* રન ફટકાર્યા છે.
ઉલ્લેખનિય છે કે, કોહલીએ વર્ષ 2021માં 15 જાન્યુઆરી એ જ ટેસ્ટમાંથી કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું હતું.
5. એક્ટિવ પ્લેયરમાં સૌથી વધુ સદી
વિરાટ કોહલીએ એક્ટિવ પ્લેયર (અત્યારે ક્રિકેટ રમતા પ્લેયર્સ)માં સૌથી વધુ સેન્ચુરી મારી છે. તેઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 74 સદી મારી છે. આશ્ચર્યજનક રીતે આ લિસ્ટમાં તેઓ જ બીજા નંબરે છે. તેઓ વન-ડેમાં 46 સદી સાથે બીજા નંબરે છે. આ પછી ડેવિડ વોર્નર છે. વોર્નર કુલ 45 ઈન્ટરનેશનલ સેન્ચુરી સાથે ત્રીજા નંબરે છે.
6. ટીમની જીતમાં સૌથી વધુ સેન્ચુરીનો રેકોર્ડ
વિરાટ કોહલી વધુ એક રેકોર્ડ બનાવવામાં માત્ર 3 સદી દૂર છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં ટીમની જીતમાં તેઓની 52 સેન્ચુરી છે. આ લિસ્ટમાં પહેલા નંબરે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગ છે. તેઓએ 55 સદી મારી છે. જ્યારે આ લિસ્ટમાં બીજા નંબરે સચિન તેંડુલકરની 53 સદી છે. આમ કોહલી આ રેકોર્ડની બરાબરી કરવાથી માત્ર 3 સદી દૂર છે.
7. વન-ડેમાં હાઇએસ્ટ રન સ્કોરરમાં પાંચમા સ્થાને આવી ગયા
વિરાટ કોહલી વન-ડેમાં હાઇએસ્ટ રન સ્કોરરમાં હવે પાંચમા નંબરે છે. તેઓએ શ્રીલંકાના મહેલા જયવર્દનેને પાછળ છોડ્યા છે. કોહલીએ 268 મેચમાં 58.23ની એવરેજથી અને 93.68ની સ્ટ્રાઈક રેટથી 12,754 રન બનાવ્યા છે.
આ લિસ્ટમાં પહેલા નંબરે સચિન તેંડુલકર છે. તેઓએ વન-ડેમાં 463 મેચમાં 44.83ની એવરેજથી અને 86.23ની સ્ટ્રાઈક રેટથી 18,426 રન બનાવ્યા છે. આ પછી શ્રીલંકાના કુમાર સંગાકારાએ 404 મેચમાં 41.98ની એવરેજથી અને 78.86ની સ્ટ્રાઈક રેટથી 14,234 રન બનાવ્યા છે. ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 375 મેચમાં 42.03ની એવરેજથી અને 80.39ની સ્ટ્રાઈક રેટથી 13,704 રન કર્યા છે. ચોથા નંબરે શ્રીલંકાના સનથ જયસુર્યાએ 445 મેચમાં 32.3ની એવરેજથી અને 91.68ની સ્ટ્રાઈક રેટથી 13,430 રન કર્યા છે.
શું સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી લેશે?
આ રેકોર્ડ્સ અને તેમના ફોર્મને જોતા તો અત્યારે તો લાગી રહ્યું છે કે તેઓ વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તોડી લેશે. સચિન તેંડુલકરે વન-ડેમાં 49 સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલી અત્યારે 46 સદી સાથે બીજા નંબરે છે. આમ, તેઓ હવે માત્ર 3 સદી જ દૂર છે.
ઓવરઓલ ઈન્ટરનેશનલની વાત કરીએ તો સચિન તેંડુલકરે 100 સેન્ચુરી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલી આ મામલે 74 સેન્ચુરી સાથે બીજા નંબરે છે. મતલબ કે જો તેઓનું આવું ફોર્મ હજુ 3-4 વર્ષ સુધી જળવાઈ રહ્યું અને તેઓ રિટાયર નથી થતાં, તો ચોક્ક્સ આ રેકોર્ડ તૂટી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.