• Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Hit Fifty After 131 Days, Also The Highest Score Of 2 Years; Set A Unique Record On The Toss Issue

કેપટાઉનમાં કોહલીની બોલબાલા:વિરાટે 131 દિવસ પછી ફિફ્ટી ફટકારી, 2 વર્ષનો હાઈએસ્ટ સ્કોર પણ કર્યો; ટોસ મુદ્દે અનોખો રેકોર્ડ નોંધાવ્યો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરાટ કોહલી - ગ્રાફિક્સ - Divya Bhaskar
વિરાટ કોહલી - ગ્રાફિક્સ
  • કોહલીએ છેલ્લી ફિફ્ટી ઈંગ્લેન્ડ સામે 2 સપ્ટેમ્બર, 2021ના દિવસે ફટકારી હતી

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી છે. આ દરમિયાન કેપ્ટન કોહલીએ 201 બોલમાં 79 રન કર્યા હતા. જોકે તેની આ ઈનિંગ દરમિયાન એકપણ ઈન્ડિયન બેટર લાંબી પાર્ટનરશિપ નોંધાવી શક્યો નહોતો. રસપ્રદ વાત એ છે કે કોહલીએ 131 દિવસ બાદ ટેસ્ટમાં આ ફિફ્ટી ફટકારી હતી. તેણે છેલ્લી અર્ધસદી ઈંગ્લેન્ડ સામે 2 સપ્ટેમ્બર, 2021ના દિવસે ફટકારી હતી.

કેપટાઉનમાં કેપ્ટનની શાનદાર બેટિંગ
કેપટાઉનમાં વિરાટની ઇનિંગ્સ જોવા જેવી હતી. તેણે શરૂઆતથી જ સતર્કતાથી રમવાનું શરૂ કર્યું અને ઓફ-સ્ટમ્પની બહાર જતા બોલ સાથે ચેડાં કર્યા નહોતા. છેલ્લી કેટલીક મેચોમાં તે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર જ આઉટ થયો હતો. જોકે આ દરમિયાન વિરાટે ખરાબ બોલ પર ચોગ્ગા પણ ફટકાર્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો હતો. એટલું જ નહીં કોહલી, ચેતેશ્વર પુજારા અને રિષભ પંત સાથે બે મહત્ત્વપૂર્ણ 50+ રનની પાર્ટનરશિપ નોંધાવી ટીમને હાઈસ્કોર સુધી દોરી ગયો હતો.

છેલ્લા બે વર્ષની સર્વોચ્ચ ઇનિંગ

  • કોહલીએ પૂજારા સાથે ત્રીજી વિકેટ માટે 153 બોલમાં 62 રન અને પંત સાથે પાંચમી વિકેટ માટે 113 બોલમાં 51 રનની પાર્ટનરશિપ કરી હતી.
  • આ સિવાય કોહલીએ શાર્દુલ ઠાકુર સાથે 30 બોલમાં 30 રનની ભાગીદારી કરી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા 200નો સ્કોર પાર કરી શકી હતી.
  • 79 રનની ઈનિંગ પણ કોહલીનો છેલ્લા બે વર્ષમાં સર્વોચ્ચ સ્કોર છે. કોહલીએ જાન્યુઆરી 2020થી અત્યાર સુધીમાં 6 ફિફ્ટી ફટકારી છે.

ઈન્ડિયન ટીમ 223 રનમાં ઓલઆઉટ
આ ઇનિંગ પહેલા, ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 74 હતો, જે તેણે ડિસેમ્બર 2020માં એડિલેડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે કર્યો હતો. ત્યારથી તેની બેસ્ટ ઈનિંગ્સ 72 રન, 62 રન, 55 રન અને 50 રન હતી. આજે કોહલીએ આ તમામ સ્કોરને ઓવરટેક કરીને 79 રનની ઇનિંગ રમી છે. તેની બેટિંગની મદદથી ઈન્ડિયન ટીમે કેપટાઉન ટેસ્ટની પહેલી ઇનિંગમાં 223 રન કર્યા છે.

કોહલીનો ટેસ્ટ ફોર્મેટમાં ટોસ રેકોર્ડ
કોહલીએ અત્યાર સુધી 68 ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે અને તે 31 વાર ટોસ જીતવામાં સફળ રહ્યો છે, જ્યારે વિરાટ 37 મેચમાં ટોસ હાર્યો છે. આ 31 મેચોમાંથી ટીમ ઈન્ડિયા 24 મેચ જીતવામાં સફળ રહી છે.

દક્ષિણ આફ્રિકા સામે કોહલીનો શાનદાર રેકોર્ડ
આની સાથે જ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટોસ જીતવાનો કોહલીનો રેકોર્ડ પણ વધુ સારો રહ્યો છે. કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ સહિત 12 મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને 10 વાર ટોસ જીત્યો છે. એટલે કે દક્ષિણ આફ્રિકા સામે તેની ટોસ જીતવાની ટકાવારી 83.3 છે.

ટોસમાં અન્ય ટીમો સામે વિરાટનો રેકોર્ડ

  • તે જ સમયે, અન્ય ટીમો સામે વિરાટ કોહલીએ 56 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી છે. તેમાંથી વિરાટ 21 મેચમાં ટોસ જીતવામાં સફળ રહ્યો હતો. એટલે કે ટોસ જીતવાની તેની ટકાવારી 37.5 રહી છે.
  • વનડેની વાત કરીએ તો કેપ્ટન તરીકે 95 મેચોમાંથી વિરાટે 40 મેચમાં ટોસ જીત્યો છે અને 55માં ટોસ હાર્યો છે. જોકે હવે તે વનડેમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે નહીં.

T20માં વિરાટનો ખરાબ રેકોર્ડ
T20માં વિરાટનો ટોસ જીતવાનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. વિરાટે 49 T20 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે અને 19 મેચમાં ટોસ જીત્યો છે જ્યારે 30માં ટોસ હાર્યો છે. એકંદરે, વિરાટે ત્રણેય ફોર્મેટમાં 214 મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને 91 મેચમાં ટોસ જીત્યો છે જ્યારે 123 મેચમાં ટોસ હાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...