• Gujarati News
  • Sports
  • Cricket
  • Under Dhoni's Captaincy, India Won The Asia Cup Twice; People Remembering Him After Losing Against Pakistan And Sri Lanka

કેપ્ટન કૂલની ખોટ વર્તાઈ:ધોનીની કેપ્ટનશિપમાં ભારત એશિયા કપમાં 2 વાર ચેમ્પિયન; પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર મળ્યા પછી માહીની યાદ આવી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

એશિયા કપના સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન પછી શ્રીલંકા સામે પણ હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું, તો શ્રીલંકાએ 4 વિકેટે પરાજય આપ્યો હતો. આ હારનાં આમ તો ઘણાં કારણો છે. ગેમ દરમિયાન કેપ્ટનશિપમાં ભૂલ થવી, પંતથી વિકેટકીપિંગમાં ભૂલ થવી, આ બે કારણ ભારતને જીતથી દૂર રાખ્યા હતા.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન અને શ્રીલંકા સામે અમુક કેપ્ટનશિપમાં ભૂલ કરી હતી, જે આખરે ભારતને નડી હતી. તેણે પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં એકસરખી ભૂલ કરી હતી. તેણે 19મી ઓવર અર્શદીપ સિંહની જગ્યાએ ભુવનેશ્વર કુમારને આપી હતી, જેમાં ભુવનેશ્વરે ઘણા રન આપી દીધા હતા. બન્ને મેચમાં અર્શદીપને 6 બોલમાં 7 રન બચાવવાના હતા, એમાં તે સ્વાભાવિકપણે નિષ્ફળ રહેવાનો જ હોય.

ટીમ સિલેક્શનમાં ગરબડ
પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં ભારતની પ્લેઇંગ-11 સારી રહી નહોતી. પાકિસ્તાન સામેની મેચમાં એક લેફ્ટ હેન્ડ બેટ્સમેનને રાખવા માટે ઈન-ફોર્મ દિનેશ કાર્તિકની જગ્યાએ રિષભ પંતને લેવામાં આવ્યો હતો. તો ઈજાગ્રસ્ત જાડેજાના રિપ્લેસમેન્ટમાં આવેલા અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો નહોતો. શ્રીલંકા સામેની મેચમાં પણ એ જ થયું. અશ્વિનને શ્રીલંકા સામેની મેચમાં પ્લેઇંગ-11માં પાકિસ્તાન સામે ભારતનો સૌથી સફળ બોલર રહેલો, રવિ બિશ્નોઈની જગ્યાએ સ્થાન મળ્યું હતું. તો ફરી કાર્તિકને ટીમમાં લેવામાં આવ્યો નહોતો. રિષભ પંત ફરી એકવાર બેટિંગમાં નિષ્ફળ રહ્યો હતો.

કેપ્ટનશિપમાં એ ભૂલ રહી ગઈ, જે ધોનીએ નથી કરી

ધોની હંમેશાં મેચમાં છઠ્ઠા બોલરનો ઉપયોગ કરતો હતો. 2011ના વર્લ્ડ કપમાં તેણે યુવરાજ સિંહનો એવી રીતે જ ઉપયોગ કર્યો હતો.
ધોની હંમેશાં મેચમાં છઠ્ઠા બોલરનો ઉપયોગ કરતો હતો. 2011ના વર્લ્ડ કપમાં તેણે યુવરાજ સિંહનો એવી રીતે જ ઉપયોગ કર્યો હતો.

રોહિત શર્માએ સુપર-4ના બન્ને મુકાબલામાં ભૂલ કરી હતી. તેણે ફિલ્ડિંગ પોઝિશન સારી રાખી નહોતી, જેને કારણે શ્રીલંકાના બેટ્સમેન સિંગલ અને ડબલ આસાનીથી લઈ શક્તા હતા. તો પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં તેણે છઠ્ઠા બોલરનો ઉપયોગ જ કર્યો નહોતો. તેણે દીપક હુડ્ડાને એક ઓવર પણ આપી નહોતી, જેને કારણે તેને ટીમમાં લેવામાં આવ્યો હતો, તેનો તો સરખો ઉપયોગ રોહિતે કર્યો નહિ. મહેન્દ્ર સિંહ ધોની જ્યારે કેપ્ટન હતો ત્યારે તે અચૂક છઠ્ઠા બોલરને બોલિંગ આપતો. એ પછી રૈના હોય કે યુવરાજ સિંહ હોય કે પછી વિરેન્દ્ર સેહવાગ. તે હંમેશાં બોલિંગમાં એક વધુ ઓપ્શન રાખતો હતો, જે ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હતા.

રિષભ પંત રનઆઉટ કરી શક્યો નહીં
શ્રીલંકાને જ્યારે 2 બોલમાં 2 રનની જરૂર હતી ત્યારે રિષભ પંતે હાથમાંથી એક ગ્લવ્ઝ તો કાઢી નાખ્યું હતું, પરંતુ તે રનઆઉટ કરી શક્યો નહોતો. તેની આ ભૂલથી ભારતને નુક્સાન થયું હતું. તે રનઆઉટ મિસ કરી ગયો હતો, જેને કારણે શ્રીલંકાને 2 રન લેવામાં આસાની થઈ ગઈ હતી અને તેઓ મેચ જીતી ગયા હતા. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ બાબતે ચકોર હતો. તે હંમેશાં ઓવરમાં પોતાના જમણા હાથના ગ્લવ્ઝ કાઢીને રનઆઉટ માટે તૈયાર જ રહેતો હતો અને તેની આ ટ્રિક હંમેશાં સફળ રહેતી હતી.

2016 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચ કોણ ભૂલશે! બાંગ્લાદેશને જ્યારે 1 બોલમાં 2 રનની જરૂર હતી ત્યારે તેણે પોતાના જમણા હાથનું એક ગ્લવ્ઝ કાઢી નાખ્યું હતું, કારણ કે તેને ખ્યાલ હતો કે જો બેટ્સમેન બોલને મારી નહિ શકે તો તે રન લેવા માટે દોડશે. આ જ કારણથી તેણે ગ્લવ્ઝ કાઢી નાખ્યું હતું અને બાંગ્લાદેશના બેટ્સમેનને અદ્ભુત રનઆઉટ કરાવીને ભારતને જીત અપાવી હતી.

આ મેચમાં તેની કેપ્ટન્સીની વધુ એક ખાસિયત હતી. બાંગ્લાદેશને 3 બોલમાં 2 રનની જરૂર હતી, ત્યારે રહીમે મિડ વિકેટ સાઈડ શોટ માર્યો હતો, જે ત્યાં ઊભેલા શિખર ધવને આસાન કેચ પકડી લીધો હતો. આ પછી ધોનીએ ટીમના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર રવીન્દ્ર જાડેજાને પોઈન્ટમાંથી લઈને તેને મિડ વિકેટ પર રાખી દીધો હતો. આ પછીનો શોટ એ જગ્યાએ મહમ્મદુલ્લાહે માર્યો હતો અને જાડેજાએ શાનદાર કેચ પકડી લીધો હતો. ધોનીએ જો ધવનને જ તે ફિલ્ડિંગ પોઝિશન પર રાખ્યો હોત તો ધવન તે કેચ પકડવામાં નિષ્ફળ રહ્યો હોત અને એ મેચનું પરિણામ કંઈક અલગ હોત, પરંતુ ધોનીની કેપ્ટન્સીએ મેચને ભારતની તરફેણમાં લાવી દીધું હતું.

ધોનીએ કરેલા આ રનઆઉટ ક્યારેય ભૂલી શકાશે નહિ.
ધોનીએ કરેલા આ રનઆઉટ ક્યારેય ભૂલી શકાશે નહિ.

મિડલ ઓર્ડરમાં નબળી બેટિંગ, ધોનીએ ઘણીવાર ટીમને ઉગારી છે
પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં ભારતના મિડલ ઓર્ડરનો ધબડકો જોવા મળ્યો હતો, જે આખરે ભારતની હારનું કારણ પણ બન્યું હતું. ધોનીએ ઘણીવાર આવી સ્થિતિમાં આવીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું છે, એટલે તો તેને દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફિનિશર કહેવામાં આવે છે. તે T20 ઈન્ટરનેશનલમાં 85 ઇનિંગ રમેલો છે, જેમાંથી તે 42 વખત નોટઆઉટ રહ્યો છે. એમાં પણ તે 5 વાર તો ટીમનો તે ઇનિંગનો સર્વાધિક સ્કોરર બન્યો હતો. આ આંકડાઓ સાબિત કરે છે કે ધોનીએ ટીમને મુશ્કેલી પરિસ્થિતિઓમાંથી ઉગારી છે.

ધોનીએ મિડલ ઓર્ડરમાં આવીને ઘણી વખત ભારતને પોતાના ફિનિશિંગ સ્કિલ્સથી જિતાડ્યું છે.
ધોનીએ મિડલ ઓર્ડરમાં આવીને ઘણી વખત ભારતને પોતાના ફિનિશિંગ સ્કિલ્સથી જિતાડ્યું છે.

ફેન્સને યાદ આવી ધોનીની યાદ
સોશિયલ મીડિયા પર શ્રીલંકા સામે હાર બાદ ચાહકોએ ધોનીને ખૂબ જ યાદ કર્યો હતો. તેની એક ઝલક...