વિરાટ કોહલીએ પાછલા વર્ષે T20 ફોર્મેટની કેપ્ટન્સી છોડી દીધી હતી. આ દરમિયાન લાખો ચાહકોએ સોશિયલ મીડિયા પર BCCI પર વિરાટની સામે કાવતરું રચ્યુ હોવાનો આરોપ લગાવ્યો હતો. લોકોનો ગુસ્સો એટલો બધો હતો કે પૂર્વ કેપ્ટન અને BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ ચાહકોના આક્રોશના શિકાર બન્યા હતા. કિંગ કોહલી કા અપમાન, નહિ સહેગા હિંદુસ્તાન... આ નારા જોર-જોરથી ગૂંજ્યા હતા, હવે આ મામલે BCCIના ટ્રેઝરર અરૂણ ધૂમલે મૌન તોડ્યુ છે.
ટ્રેઝરરે કર્યો ખુલાસો - કોહલીએ પોતાની મરજીથી છોડી છે કેપ્ટન્સી
આ બધી જ વાતો પર ભારતીય ક્રિકેટ બોર્ડના ટ્રેઝરર અરૂણ ધૂમલ ખુલાસો કરતા જણાવે છે કે 'જે વાતો ચાલી રહી છે, તે ખોટી છે. કોહલીએ જાતે જ કેપ્ટન્સી છોડી છે. તેના આ નિર્ણયનો અમે માન રાખીએ છીએ. સિલેક્શનના બધા જ નિર્ણયો સિલેક્ટર્સ જ લે છે. તેઓને સિલેક્શન કરવાની સ્વતંત્રતા છે. તેમાં અમારી કોઈ જ ભૂમિકા નથી.'
અરૂણ ધૂમલે ખેલ પત્રકાર વિમલ કુમારને તેના યૂટ્યૂબ ચેનલ પર કહ્યુ હતુ કે 'વિરાટ કોહલી કોઈ સાધારણ ખેલાડી નથી. તેણે ભારતીય ક્રિકેટમાં અમૂલ્ય યોગદાન આપેલુ છે. અમે ઈચ્છીએ છીએ કે તે જલ્દી ફોર્મમાં આવે. જ્યાં સુધી ટીમ સિલેક્શનને લઈને સવાલ છે તો તે બધા જ નિર્ણયો સિલેક્ટર્સ લે છે. તેમના પર જ છે કે કોને ટીમમાં સ્થાન આપવુ અને કોને નહિ!'
T20 બાદ વનડે ક્રિકેટમાંથી પણ કેપ્ટન્સીથી હાથ ધોવા પડ્યા
વાત એમ છે કે T20 ક્રિકેટમાંથી કેપ્ટન્સી છોડ્યા પછી BCCIએ કોહલી પાસેથી વનડેની પણ કેપ્ટન્સી છીનવી લીધી હતી. અને બન્ને ફોર્મેટના કેપ્ટન તરીકે રોહિત શર્માનું નામ જાહેર કર્યુ હતુ. ત્યારબાદ આ વર્ષના શરૂઆતમાં સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરિઝ હાર્યા પછી કોહલીએ આ ફોર્મેટની કેપ્ટન્સી પણ છોડી હતી. ટેસ્ટમાં પણ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ બધુ થયા પછી વિરાટ કોહલીના ચાહકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અંતે આ વિવાદ પર BCCIથી જોડાયેલા એક જવાબદાર સદસ્યએ ખુલાસો કરવો પડ્યો છે.
કોહલીને એક્શન મોડમાં જોવા માંગે છે ધૂમલ
ધૂમલે આગળ વધુમાં જણાવ્યુ હતુ કે 'જ્યારે કેપ્ટન્સીની વાત આવે છે ત્યારે આ નિર્ણય કોહલીએ કર્યો હતો. તેણે જ આ નિર્ણય કર્યો હતો કે તેને હવે કેપ્ટન્સી છોડવી છે. અમે તેના આ નિર્ણયનું સન્માન કરીએ છીએ. તેણે ભારતીય ક્રિકેટમાં ઘણુ યોગદાન આપેલુ છે. અમે હવે કોહલીને મેદાન પર એક્શનમાં જોવા માંગીએ છીએ.
વિરાટે 160+ની સ્ટ્રાઈક રેટથી બનાવવા પડશે રન
ત્રણ વર્ષ પહેલા ભારતીય બેટિંગનો કરોડરજ્જુ ગણાતો વિરાટ કોહલી અત્યારે પોતાના કરિયરના સૌથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. કોહલીએ છેલ્લી સદી 22 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ વિરૂદ્ધ ફટકારી હતી. આ વચ્ચે તેની સામે વધુ એક વિશાળ પડકાર આવી ગયો છે. પડકાર એ છે કે જો તેણે ભારતની T20 ટીમમાં જગ્યા બનાવી રાખવી હોય તો તેણે 160+ની સ્ટ્રાઈક રેટથી રન ફટકારવા પડશે.
આપણે જોયુ છે કે ટીમ ઈન્ડિયાએ T20 ક્રિકેટમાં આક્રમક રણનીતિ બનાવી છે. હવે આપણા બેટધરો થરૂઆતથી લઈને અંત સુધી આક્રમક રણનીતિ અપનાવે છે. ટીમનું ફોકસ હવે મોટી ઇનિંગ રમવા પર નહિ, પરંતુ આક્રમક ઇનિંગ રમવા પર છે. 130ની સ્ટ્રાઈક રેટથી બનાવેલા 80 રન નહિ, પરંતુ 200ની સ્ટ્રાઈક રેટથી બનાવેલા 30 રન વધુ કિંમતી છે. તેવામાં વિરાટ કોહલી 130થી 140ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરે છે.
કેટલાક મેચમાં વિરાટે 180 અથવા 200ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. પરંતુ અત્યારે તે જે ફોર્મમાં છે તેને જોઈને તેના માટે 150+ની સ્ટ્રાઈક રેટથી રન બનાવવા પણ અઘરા છે. રોહિત શર્માએ સાફ શબ્દોમાં જણાવ્યુ છે કે ટીમ આક્રમક ક્રિકેટની રણનીતિને આગળ ધપાવશે. તેવામાં વિરાટ કોહલીને લઈને સિલેક્ટર્સ શું નિર્ણય કરે છે તે રસપ્રદ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.