પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને ભારત ખૂબ જ ગમે છે. તે કહે છે કે તેને આ દેશથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. અહીં તેનું એટલું આવવા-જવાનું થઈ ગયું છે કે હવે તેનું આધારકાર્ડ પણ છે. જોકે આધારકાર્ડની વાત શોએબે મજાકમાં કરી હતી.
શોએબ અખ્તરે ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. તેણે બન્ને દેશના ક્રિકેટ અને એશિયા કપ વિવાદ પર પણ પોતાની વાત રાખી હતી. વાંચો શોએબે શું કહ્યું...
1. INDIAમાં ક્રિકેટ રમવાનું મિસ કરું છું
શોએબ અખ્તરે કહ્યું હતું કે 'હું ભારત આવતો-જતો રહેતો હોઉં છું. મેં અહીં એટલું કામ કર્યું છે કે મારી પાસે હવે આધારકાર્ડ પણ છે. આનાથી વધુ હું શું કહું? ભારતે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. હું ભારતમાં ક્રિકેટ રમવાનું મિસ કરું છું.'
2. પાકિસ્તાન નહીં, તો શ્રીલંકામાં એશિયા કપ કરાવી દો
તેણે આગળ વધુમાં કહ્યું હતું કે 'જો એશિયા કપ પાકિસ્તાનમાં નહીં થાય તો આનું આયોજન શ્રીલંકામાં થવું જોઈએ. હું એશિયા કપ અને વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને ફાઈનલમાં રમતા જોવા માગું છું. વર્લ્ડ ક્રિકેટમાં માત્ર ભારત અને પાકિસ્તાન ફાઈનલ સિવાય કંઈ જ ના થવું જોઈએ.'
3. કોહલી રિટાયર થવા સુધીમાં 110 સદી ફટકારી દેશે
અખ્તરે કહ્યું હતું કે 'વિરાટ કોહલી ફોર્મમાં પરત ફરવાનો જ હતો. આ કંઈ નવી વાત નથી. હવે તેમની ઉપર કેપ્ટનશિપનું પણ પ્રેશર નથી. તેઓ પૂરા ફોકસ સાથે ક્રિકેટ રમી રહ્યા છે અને આગળ પણ રમશે જ. મને પૂરી આશા છે કે જ્યારે કોહલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર થશે, ત્યારે તેમના નામે 110 સદી બોલતી હશે.'
એશિયા કપને લઈને બોર્ડ મિટિંગમાં થશે નિર્ણય
2023 એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસે છે. ઓક્ટોબર 2022માં BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે જો પાકિસ્તાનમાં એશિયા કપ થયો તો ભારત ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઈ લેશે. માર્ચ એટલે કે આ મહિને એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બોર્ડ બેઠકમાં યજમાનીને લઈને નિર્ણય લઈ શકાય છે.
અત્યારે લેજેન્ડ્સ ક્રિકેટ લીગમાં રમી રહ્યો છે શોએબ
શોએબ અખ્તર અત્યારે કતારના દોહામાં લેજેન્ડ્સ ક્રિકેટ લીગ ક્રિકેટ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં એશિયા લાયન્સ ટીમ તરફથી રમી રહ્યો છે. અખ્તરે લીગમાં અત્યાર સુધીમાં એક જ ઓવર ફેંકી છે. જેમાં તેણે 12 રન આપ્યા હતા. લેજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ત્રણ ટીમ ભાગ લઈ રહી છે. જેમાં ઈન્ડિયન મહારાજ, એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સ સામેલ છે. લીગમાં હરભજનના નામે સૌથી વધુ 8 વિકેટ છે. ગૌતમ ગંભીર 183 રન સાથે હાઇએસ્ટ રન સ્કોરર છે. ટેબલમાં એશિયા લાયન્સ 3 મેચમાંથી 2 મેચ જીતીને ટૉપ પર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.