ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. અહીં ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સાથે જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ રમવાની છે. 18 જુનથી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સાઉધમ્પ્ટનમાં રમાશે. ત્યાર પછી 4 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થશે.
છેલ્લી ટેસ્ટ 10 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાશે. રવાના થતા પહેલા મીડિયા સાથે વાત કરતા ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, બેસ્ટ ઓફ થ્રી મેચ દ્વારા ટેસ્ટ ચેમ્પિયનશિપનો વિજેતા જાહેર થવો જોઈએ.
શાસ્ત્રીએ કહ્યું કે, ‘જો આ ટેસ્ટ ચેમ્પિયનશિપને આગળ લંબાવવી છે તો બેસ્ટ ઓફ થ્રી ફાઈનલ આદર્શ થશે. અઢી વર્ષના ક્રિકેટનું પરિણામ ત્રણ મેચની સિરિઝ દ્વારા લેવાય.’ તેઓ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને મોટી મેચ માને છે.
મહિલા ક્રિકેટ ટીમ પણ સાથે રવાના થઈ
ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી20 મેચની સીરિઝ માટે મહિલા ટીમ પણ પુરુષોની સાથે જ રવાના થઈ છે. જોકે, બંને ટીમ અલગ-અલગ સ્થળે રોકાશે. લંડન પહોંચ્યા પછી પુરુષ ટીમ સાઉધમ્પ્ટન અને મહિલા ટીમ બ્રિસ્ટલ જશે. 16 જૂનથી મહિલા ટીમ લગભગ 7 વર્ષ પછી ટેસ્ટ મેચ રમશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.