બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ચિત્તાગોંગમાં રમાઈ રહી છે. જેમાં પહેલો દિવસ પૂરો થયો છે. ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 48 રને 3 વિકેટ ગુમાવ્યા પછી પુજારા અને પંતે ટીમ ઈન્ડિયાની ઇનિંગને સંભાળી હતી. આ પછી રિષભ 46 રને આઉટ થઈ જતા ભારત ફરી મુશ્કેલીમાં મુકાયું હતું. જોકે ચેતેશ્વર પુજારા અને શ્રેયસ અય્યરે સંભાળપૂર્વક બેટિંગ કરીને ટીમને શાનદાર સ્થિતિમાં લાવી દીધી હતી. જોકે મોર્ડન ક્રિકેટના 'ધ વોલ ગણાતા' ચેતેશ્વરે શાનદાર ઇનિંગ રમી હતી. જોકે તેઓ સદી ચૂકી ગયા હતા. તેમણે 203 બોલમાં 90 રન કર્યા હતા. જેમાં 11 ચોગ્ગા સામેલ છે. જ્યારે શ્રેયસ અય્યર 82 રને બેટિંગમાં છે. અય્યર અને પુજારા વચ્ચે 149 રનની પાર્ટનરશિપ થઈ હતી. દિવસના છેલ્લા બોલે અક્ષર પટેલ LBW આઉટ થયો હતો. હવે બીજો દિવસ કાલે સવારે 9:00 વાગેથી શરૂ થશે.
પુજારા-અય્યર વચ્ચે 149 રનની ભાગીદારી
પુજારાએ શ્રેયસ અય્યર સાથે 5મી વિકેટ માટે 149 રનની ભાગીદારી કરી હતી. પુજારાએ તેમની 34મી અડધી સદી ફટકારી હતી. જ્યારે શ્રેયસ અય્યર તેની બીજી સદીની નજીક છે. તેણે તેની ચોથી ટેસ્ટ અડધી સદી પૂરી કરી છે.
બીજુ સેશન: ભારતીય બેટર્સે ગેમમાં પરત ફરીને ટીમની ઇનિંગને સંભાળી
ચાના વિરામ સુધી ભારતે 4 વિકેટે 174 રન બનાવી લીધા છે. આ સેશનમાં ભારતીય બેટર્સે ગેમમાં પરત ફરીને ટીમની ઇનિંગને સંભાળી હતી. પુજારા અને રિષભે 64 રન ઉમેર્યા હતા. જોકે, ટીમને પણ આંચકો લાગ્યો હતો. રિષભ પંત 46 રન બનાવીને આઉટ થયો હતો. લંચ બાદ ભારતે 85/3ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું.
પંત-પૂજારા વચ્ચે 64 રનની ભાગીદારી
રિષભ પંત અને ચેતેશ્વર પૂજારાએ ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. 48ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ બન્નેએ ભારતીય દાવને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
તસવીરમાં જુઓ મેચની મોમેન્ટ્સ
ટીમ ઈન્ડિયા 3 સ્પિનર સાથે ઊતરી હતી
ટીમ ઈન્ડિયા 3 સ્પિનર અને 2 ફાસ્ટ બોલરો સાથે રમી રહી છે. સ્પિનરમાં કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને આર. અશ્વિનને સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે ફાસ્ટ બોલરોમાં મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યાં ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો પોતાનો દાવો મજબૂત કરવા મેદાનમાં ઊતરશે. એ જ સમયે બાંગ્લાદેશ 22 વર્ષમાં પ્રથમ વખત ટીમ ઇન્ડિયા સામે ટેસ્ટ જીતવા માગશે. આગળના સમાચારોમાં અમે પિચ રિપોર્ટ, હવામાનની સ્થિતિ અને બંને ટીમના સંભવિત પ્લેઈંગ-11 વિશે જણાવીશું...
સૌપ્રથમ જાણીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યારસુધીની 11 ટેસ્ટ મેચનાં પરિણામો...
બંને ટીમની પ્લેઇંગ-11 જુઓ
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશ: ઝાકિર હસન, નજમુલ હસન શાંતો, યાસિર અલી, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, નુરુલ હસન, મેહિદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, ખાલેદ અહેમદ અને ઈબાદત હુસૈન.
11 ટેસ્ટમાંથી ભારતની 9 વખત જીત
બન્ને દેશ વચ્ચે અત્યારસુધીમાં 11 ટેસ્ટ રમાઈ છે. 9 ભારતે જીતી અને 2 મેચ ડ્રો થઈ છે. બાંગ્લાદેશની ટીમ ભારત સામે એકપણ ટેસ્ટ જીતી શકી નથી. ભારતે 9માંથી 5 વખત ઇનિંગ્સના માર્જિનથી હરાવ્યું છે. 2 વખત 9થી વધુ વિકેટથી અને 2 વખત 100થી વધુ રનના અંતરથી હાર આપી છે. ભારતે પણ બાંગ્લાદેશમાં 8 ટેસ્ટ રમી છે, જેમાંથી 6 મેચ જીતી અને 2 ડ્રો રહી છે.
હવામાન સ્થિતિ
બાંગ્લાદેશમાં અત્યારે ઠંડીનું વાતાવરણ છે. બુધવારે ચિત્તાગોંગમાં વરસાદ નહીં પડે. તાપમાન 18થી 28 ડીગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. પ્રથમ સેશનમાં ધુમ્મસને કારણે ઝડપી બોલરોને પ્રથમ એક કલાકમાં મદદ મળશે. ત્યાર બાદ બપોરથી સાંજ સુધી ધીમા પવન સાથે તડકો રહેશે.
ચિત્તાગોંગ પિચ રિપોર્ટ
આ મેદાન પર અત્યારસુધીમાં 22 મેચ રમાઈ છે. 8 વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમ અને 7 વખત બીજી વખત બેટિંગ કરનારી ટીમે મેચ જીતી હતી. 7 મેચ ડ્રો રહી હતી. પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 371, બીજી ઇનિંગ 345, ત્રીજી ઇનિંગ 232 અને છેલ્લી ઇનિંગ 215 રન છે. આવી સ્થિતિમાં, ટોસ જીત્યા પછી, ટીમો પ્રથમ બેટિંગ કરવા માગે છે.
ટીમ ઈન્ડિયા પાસે મજબૂત બેટિંગ ઓર્ડર
વન-ડે સિરીઝમાં 2-1થી હાર્યા પછી ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝમાં આક્રમક અભિગમ અપનાવશે. ટીમ પાસે રાહુલ, ગિલ, કોહલી, પૂજારા, અય્યર અને પંતના રૂપમાં મજબૂત બેટિંગ લાઈન-અપ છે. અશ્વિન અને અક્ષરના રૂપમાં 2 ટૉપ ક્લાસ સ્પિનર્સ પણ છે. જે લોઅર ઓર્ડરમાં પણ બેંટિગ કરી શકે છે.
બોલિંગમાં ભારત પાસે કુલદીપ યાદવના રૂપમાં ત્રીજો સ્પિનર છે તેમજ ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજના રૂપમાં બેસ્ટ પેસર્સ ઉપલબ્ધ છે. બન્ને 140 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરીને બાંગ્લાદેશના બેટર્સને સતત મુશ્કેલીમાં મૂકી શકે છે.
રાહુલ બીજી વખત કેપ્ટનશિપ કરશે
રોહિત શર્મા ઈજાને કારણે વન-ડે સિરીઝ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે. રાહુલે આ વર્ષે જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર પ્રથમ વખત ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી હતી. સાઉથ આફ્રિકાએ આ મેચ 7 વિકેટ જીતી લીધી હતી.
રાહુલ સિરીઝની બન્ને મેચ જીતીને ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાનો રેકોર્ડ સુધારવા માગશે. ટેસ્ટ સિવાય રાહુલે 7 વન-ડેમાં પણ કેપ્ટનશિપ કરી છે, જેમાં ભારતે 4માં જીત અને 3માં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે T20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પણ કરી હતી, જેમાં ભારત જીત્યું હતું.
પંત ટેસ્ટના પીક ફોર્મમાં
24 વર્ષીય વિકેટકીપર બેટર રિષભ પંત ટેસ્ટમાં ભારત માટે શ્રેષ્ઠ બેટિંગ કરી રહ્યો છે. તેમણે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 10 મેચમાં 720 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 2 સદી અને 4 ફિફ્ટી પણ ફટકારી છે. તેમના સિવાય કેએલ રાહુલે 7 મેચમાં 541 રન બનાવ્યા છે. તેમણે બે સદી ફટકારી છે.
એશિયન પિચના માસ્ટર છે અશ્વિન
એશિયામાં રવિચંદ્રન અશ્વિને 58 ટેસ્ટમાં 355 વિકેટ લીધી છે. તે ભારતના અનિલ કુંબલે અને શ્રીલંકાના મુથૈયા મુરલીધરનથી પાછળ છે. તેણે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 7 મેચમાં 29 વિકેટ પણ લીધી છે. આવામાં બાંગ્લાદેશ માટે ટેસ્ટમાં ભારતને હરાવવું ઘણું મુશ્કેલ હશે.
મેચ જીતશે તો ભારત WTCમાં ત્રીજા સ્થાને આવી જશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઇન્ટ ટેબલમાં ભારત 52.08% પોઇન્ટ્સ સાથે ચોથા નંબર પર છે. પ્રથમ મેચ જીતવા પર 55.76% થશે. આવામાં ટીમ ઈન્ડિયા પોઇન્ટ ટેબલમાં શ્રીલંકાને પાછળ છોડીને ત્રીજા નંબરે પહોંચી જશે. શ્રીલંકાના હાલમાં 53.33% પોઇન્ટ્સ છે. ઓસ્ટ્રેલિયા 75% પોઇન્ટ્સ સાથે પ્રથમ અને સાઉથ આફ્રિકા 60% પોઇન્ટ્સ સાથે બીજા ક્રમે છે. જો મેચ હારી જાય અને ડ્રો થાય તો ભારત ચોથા નંબર પર રહેશે.
ભારત સિરીઝ જીતતાની સાથે જ નંબર-2 પર પહોંચી જશે
2-0થી સિરીઝ જીતવાથી ભારતને 58.92% પોૉઇન્ટ્સ મળશે તેમજ, જો ઓસ્ટ્રેલિયા 17 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને હરાવી દે છે, તો ભારત પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર પહોંચી જશે. ઓસ્ટ્રેલિયા-આફ્રિકા મેચ ડ્રો થાય તો પણ ભારત બીજા સ્થાને પહોંચી જશે. જો સાઉથ આફ્રિકા જીતશે તો ભારત ત્રીજા નંબર પર આવી જશે.
સિરીઝ 1-0થી જીતીને ટીમ ઈન્ડિયા પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને આવી જશે. જો સિરીઝ 1-1 અને 0-0થી ડ્રો થશે તો ભારત ચોથા નંબર પર રહેશે. 0-1 અથવા 0-2થી સિરીઝ હારવાથી ભારત પાંચમા સ્થાને આવી જશે.
બન્ને ટીમની સ્કવોડ
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), અભિમન્યુ ઇશ્વરન, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), ચેતેશ્વર પૂજારા (વાઇસ-કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, શ્રીકર ભરત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, સૌરભ કુમાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.
બાંગ્લાદેશઃ શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, અનામુલ હક, મોમિનુલ હક, મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), નઝમુલ હુસૈન શાંતો, યાસિર અલી, ઝાકિર હસન, નુરુલ હસન, મહમુદુલ હસન જોય, મેહદી હસન મિરાજ, શોરીફુલ ઈસ્લામ, તૈજુલ ઈસ્લામ, તસ્કીન અહેમદ, ઇબાદત હુસૈન, ખાલેદ અહેમદ, રેઝાઉર રહેમાન રાજા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.