ઈન્ડિયન ટીમ માટે દક્ષિણ આફ્રિકા પ્રવાસ એક ખરાબ સપના સમાન રહ્યો છે. પહેલા તો ટીમે 3 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1થી હારનો સામનો કર્યો અને ત્યારપછી વનડેમાં તો ત્રણેય મેચ હારી જતા આફ્રિકામાં વ્હાઈટ વોશ થઈ ગયો છે. હવે આવી શરમજનક હાર પછી કેપ્ટન કે.એલ.રાહુલ અને રાહુલ દ્રવિડ સામે ઘણા સવાલો ઊઠી રહ્યા છે.
ક્રિકેટના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રાહુલ હજુ કેપ્ટનશિપ માટે તૈયાર થયો નથી. જોકે આ તમામ સવાલો પછી રાહુલે કહ્યું કે મને મારી કેપ્ટનશિપ પર સંપૂર્ણ વિશ્વાસ છે. વળી અત્યારની પરિસ્થિતિને જોતા વ્હાઈટ બોલ ક્રિકેટમાં જંગી ફેરફાર કરવાનો સમય પણ આવી ગયો છે.
લિમિટેડ ઓવર ફોર્મેટમાં મોટાપાયે ફેરફારની જરૂર
કે.એલ.રાહુલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે મારા માટે દેશનું નેતૃત્વ કરવું એક ગર્વ સમાન છે. જોકે અત્યારે આ પ્રવાસમાં પરિણામ સારા આવ્યા નથી. પરંતુ આનાથી હું ઘણી શીખ મેળવીશ અને આગળ વર્લ્ડ કપ જીતાડવા સામે ફોકસ કરતો રહીશ. અમે અત્યારે એક ટીમ રૂપે વધુ સારુ ક્રિકેટ રમવાની તૈયારી કરી રહ્યા છીએ. મને લાગે છે કે છેલ્લા 4-5 વર્ષથી ઈન્ડિયન ક્રિકેટમાં જંગી ફેરફાર થયા છે પરંતુ વ્હાઈટ બોલ ક્રિકેટમાં હજુ અલગ અપ્રોચ રાખવાની જરૂર છે.
કેપ્ટનશિપ સામે સવાલો ઉઠ્યા
વનડે સિરીઝમાં વ્હાઈટ વોશ અને બીજી ટેસ્ટ મેચમાં કારમી હાર પછી કે.એલ.રાહુલની કેપ્ટનશિપ સામે સવાલો ઊઠી રહ્યા છે. વળી તે છેલ્લા 2 વર્ષમાં પંજાબ કિંગ્સને IPL ટ્રોફી પણ જીતાડી શક્યો નથી. તેવામાં નિષ્ણાતોના મત મૂજબ રાહુલની કેપ્ટનશિપ સામે અત્યારથી જ ગ્રહણ લાગી ગયું છે.
વનડે સિરીઝ દરમિયાન તેણે ઘણી ભૂલો કરી હતી. રાહુલે સમયાંતર બોલિંગ ચેન્જિસ નહોતા કર્યા અને આની સાથે વેંકટેશ અય્યરને છઠ્ઠા બોલિંગ ઓપ્શન તરીકે લીધો હોવા છતા તેને વધુ ઓવર નહોતી આપી. આ તમામ પાસાની સાથે તેનો પ્લેઇંગ-11માં પસંદ કરેલા ખેલાડી સામે વિશ્વાસ પણ સ્પષ્ટપણે ઓછો હોય તેવું જોવા મળ્યું હતું.
મને મારા નેતૃત્વ પર વિશ્વાસ છે- રાહુલ
કેપ્ટનશિપ સામેના તમામ સવાલનો જવાબ આપતા રાહુલે કહ્યું કે હું હારથી બચવા માટે બહાના નહીં કરું, પરંતુ માને લાગે છે કે આપણી ટીમ સતત સારુ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહી છે. મેં કેપ્ટનશિપ દરમિયાન ઘણું બધું શીખ્યું છે.
હાર તમને જીત કરતાં વધુ મજબૂત બનાવે છે. મારી કારકિર્દી હંમેશા આવી રહી છે. મને હંમેશા બધું ધીમે ધીમે મળ્યું છે. હું મારી કેપ્ટનશિપમાં વિશ્વાસ કરું છું અને જાણું છું કે હું મારા ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવી શકું છું. મને વિશ્વાસ છે કે હું મારા દેશ અને ફ્રેન્ચાઇઝી માટે સારું કરી શકું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.