ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ ભારતે શરૂ કરી દીધી છે. આઈપીએલમાં સારું પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓ પર સિલેક્ટર્સની નજર છે. આ લીગ વર્લ્ડ કપની તૈયારીઓ માટે મહત્ત્વપૂર્ણ મનાય છે. વર્તમાન સિઝનમાં સતત સારું પ્રદર્શન કરતા હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ટી. નટરાજન અને અનકેપ્ડ ઉમરાન મલિકે સિલેક્ટર્સને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. આ ખેલાડીઓ ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે.
હાર્દિક પંડ્યા
હાર્દિકે અંતે આ લીગ થકી ફોર્મ પરત મેળવ્યું છે. ગત વર્ષના ટી-20 વર્લ્ડ કપ બાદથી તે ટીમની બહાર છે. તે IPLમાં ટીમ માટે રન કરવાની સાથે-સાથે વિકેટ પણ ઝડપી રહ્યો છે. તેણે 140+ની ગતિએ બોલિંગ કરી છે. તે 5 મેચમાં 76ની સરેરાશથી 228 રન સાથે ટોપ સ્કોરર રહ્યો અને 4 વિકેટ પણ ઝડપી છે.
યુઝવેન્દ્ર ચહલ
ગત વર્ષે વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રહેલ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાન માટે સતત વિકેટ ઝડપી રહ્યો છે. તે 5 મેચમાં 12 વિકેટ ઝડપી સૌથી સફળ બોલર છે. ચહલે પ્રતિ ઓવર માત્ર 6.80 રન આપ્યા છે. આ પ્રદર્શનના આધારે વર્લ્ડ કપ ટીમમાં તેની દાવેદારી મજબૂત મનાય છે.
કુલદીપ યાદવ
સ્પિનર કુલદીપ યાદવ પણ ફોર્મમાં છે. તે દિલ્હી કેપિટલ્સ માટે મોટાભાગે તમામ મેચમાં વિકેટ ઝડપી રહ્યો છે. તેણે પોતાની જુની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ 35 રન આપી 4 વિકેટ ઝડપી હતી. તેણે લીગની 5 મેચમાં 11 વિકેટ ઝડપી છે. તે 2 વખત મેન ઓફ ધ મેચ પણ રહ્યો છે.
ટી.નટરાજન
લાંબા સમયથી ટીમની બહાર ચાલી રહેલા ઝડપી બોલર ટી. નટરાજને IPLમાં ઘણા બેટર્સને મુશ્કેલીમાં મુક્યા હતા. તે ગત 6 મેચમાં ટીમ માટે 12 વિકેટ ઝડપી ચૂક્યો છે. તે પર્પલ કેપની રેસમાં પણ છે. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ વૉન સહિતના દિગ્ગજ ખેલાડીઓએ તેની પ્રશંસા કરી છે.
ઉમરાન મલિક
અનકેપ્ડ ઉમરાન મલિક IPLમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યાં છે. તે 150 કિ.મી./કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી રહ્યો છે. ઉમરાન IPLની 6 મેચમાં 9 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે. તેની સરેરાશ ઝડપ 145 કિ.મી./કલાક છે. તેણે સૌથી ધીમો બોલ 140 કિ.મી./કલાકની આસપાસ જ નાંખ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.