વર્લ્ડ કપના ગેમચેન્જર્સ:એ ખેલાડીઓ, જે એકલા હાથે મેચ પલટી શકે છે, ટૂર્નામેન્ટમાં કિંગ કોહલી પર રહેશે ચાહકોની નજર

2 મહિનો પહેલા

ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા દુનિયાની ટોપ 16 ટીમ તૈયાર છે. આ ટીમોમાં કેટલાક ખેલાડીઓ એવા છે, જે ટૂર્નામેન્ટમાં શાનદાર પર્ફોર્મન્સ કરે છે. કેટલાક ખેલાડીઓનું પદર્શન ગયા વર્ષે સારું રહ્યું નહોતું.

આ આર્ટિકલમાં અમે એવા 10 પ્લેયરનાં નામ જણાવી રહ્યા છીએ, જે તેમની બેટિંગ અને બોલિંગથી ગેમના પાસા ફેરવી નાખે છે, એટલે કે તેઓ ટૂર્નામેન્ટના ગેમચેન્જર્સ સાબિત થઈ શકે છે.

espncricinfoના ડેટાના આધારે, ભાસ્કર નિષ્ણાતો દ્વારા ખેલાડીઓનાં પ્રદર્શનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ચાલો... એક પછી એક તમામ ખેલાડીઓ વિશે જાણીએ, સાથે જ અમે તેમની શક્તિ અને નબળાઈ પણ જાણાવીશું..

10. હાર્દિક પંડ્યા
ગત વર્ષે ખરાબ ફિટનેસને કારણે નેશનલ ટીમમાંથી બહાર થઈ ગયેલા હાર્દિક પંડ્યાએ આ વર્ષે ફરી ધમાલ મચાવી છે. તેણે શાનદાર વાપસી કરીને પોતાની ટીમ ગુજરાતને IPLમાં વિજેતા બનાવી હતી. એ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફરેલા હાર્દિક પંડ્યાએ 2022ની 19 T20 મેચમાં 436 રન બનાવ્યા હતા.

તાકાત: હાર્દિક બેટ અને બોલ બંને સાથે શાનદાર ફોર્મમાં છે. જરૂરતના સમયે તે વિકેટ પણ લઈ શકે છે. ઓસ્ટ્રેલિયામાં તેનો સ્ટ્રાઈક રેટ 156 છે.
નબળાઈ: 2021 T20 વર્લ્ડ કપમાં હાર્દિક ઈજાને કારણે બોલિંગ કરી શક્યો નહોતો. ટીમ મેનેજમેન્ટ માટે તેની ફિટનેસ સૌથી મોટી ચિંતાનો વિષય છે. ઓસ્ટ્રેલિયામાં પણ તે 11ની ઇકોનોમીથી રન આપે છે.

9. વાનિન્દુ હસરંગા
એશિયા કપ 2022ના હીરો વાનિન્દુ હસરાંગાને શ્રીલંકાના સૌથી મોટા ખેલાડી તરીકે જોવામાં આવી શકે છે. તે એશિયા કપમાં બીજો સૌથી વધુ વિકેટ ઝડપનારો હતો. તે 2021 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર હતો. તેણે 8 મેચમાં કુલ 16 વિકેટ લીધી હતી. તે પોતાની ટીમ માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

તાકાત: સ્પિન બોલિંગમાં ગતિ પર નિયંત્રણ, યોગ્ય જગ્યા પર ટપ્પો પાડે છે. સારો ફિનિશર્સ છે.
નબળાઈ: ઓસ્ટ્રેલિયામાં ઓછો અસરકારક. 10.91ની ઇકોનોમીથી રન આપે છે.

8. જોસ બટલર
ઈંગ્લેન્ડ ટીમનો કેપ્ટન જોસ બટલર આ વર્ષે ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. 2022માં તેનો સ્ટ્રાઈક રેટ 189.01 રહ્યો છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં તે રનના મામલે ચોથા નંબર પર હતો. બટલરે તાજેતરમાં 9 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

તાકાત: ઓપનર તરીકે પિચ પર રહેવાની સહનશક્તિ. આક્રમક બેટર. તે દરેક પ્રકારના શોટ રમવામાં માહેર છે.
નબળાઈ: ધીમી બોલિંગ રમવામાં મુશ્કેલી. લેગ સ્પિનરોને રમવામાં મુશ્કેલી પડે છે.

7. ટ્રેન્ટ બોલ્ટ
ન્યૂઝીલેન્ડનો અનુભવી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ તેની ટીમ માટે મહત્ત્વનો ખેલાડી સાબિત થવા જઈ રહ્યો છે. તેણે ગયા વર્ષના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ટૂર્નામેન્ટમાં ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

તાકાત: નવા બોલને બંને દિશામાં વધુ ઝડપે સ્વિંગ કરવામાં સક્ષમ. સચોટ યોર્કર કરવામાં કુશળ.
નબળાઈ: બાઉન્ડરી મારવા પર તે ઝડપથી દબાણમાં આવે છે અને ગતિ ગુમાવે છે. સોફ્ટ બોલ સાથે, પેસ, લાઈન અને લેન્થમાં કોઈ ફેરફાર નથી કરતો.

6. મોહમ્મદ રિઝવાન
પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન હાલમાં T20 ક્રિકેટમાં નંબર-1 બેટર છે. 2021માં રિઝવાને તેના બેટથી 134ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં તે તેની ટીમના સાથી બાબર આઝમ અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર પછી ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટર હતો. તેણે ટૂર્નામેન્ટમાં 3 અડધી સદી ફટકારી હતી. આ વર્ષે પણ તે પોતાના ટોપ ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

તાકાત: ટીમને સારી શરૂઆત આપે છે. મોટી ઇનિંગ્સ રમવામાં કુશળ. મેચ ફિનિશર પણ છે.
નબળાઈ: અંદર આવતા બોલને રમવામાં મુશ્કેલી પડે છે.

5. ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નરે ગયા વર્ષે UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં તે નંબર 2 પર હતો. આ વર્ષે તેના હોમ ટાઉન ઓસ્ટ્રેલિયામાં તે ટીમને બેક ટુ બેક ટાઇટલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

તાકાત: આક્રમક બેટર, ઝડપી બોલરો સામે સારો સ્ટ્રાઈક રેટ અને સારી શરૂઆત આપે છે.
નબળાઈ: ટર્નિંગ પિચ પર સ્પિનરો સામે મુશ્કેલીમાં મુકાય છે. ફાસ્ટ બોલરનો બહાર જતો બોલ પણ પરેશાન કરે છે.

4. બાબર આઝમ
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ પર ટીમની સૌથી મોટી આશા હશે. બાબર ગયા વર્ષે વર્લ્ડ કપમાં ટોપ સ્કોરર હતો. બાબર આ વર્ષે 132.73ના સ્ટ્રાઈક રેટથી રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં આ ખેલાડી 138.55ના સ્ટ્રાઈક રેટથી રમે છે, જે પાકિસ્તાન માટે સારો સંકેત છે.

શક્તિ: ટીમને સારી શરૂઆત આપે છે. સ્પિન સારી રીતે રમવા માટે સક્ષમ. વિશ્વના ટોચના બેટરમાંનો એક.
નબળાઈ: બોલ સ્વિંગ થતાં જ તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. મોટી મેચોના દબાણને સંભાળી શકતો નથી.

3. સૂર્યકુમાર યાદવ
આ ખેલાડી છેલ્લાં 2 વર્ષથી T20 ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. IPLમાં તબાહી મચાવ્યા બાદ તેને 2021માં ભારતીય ટીમમાં તક મળી હતી. તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીમાં તેણે 34 મેચમાં 38.70ની સરેરાશથી 1045 રન બનાવ્યા છે. તેના શાનદાર ફોર્મને કારણે તે T20 રેન્કિંગમાં બીજા નંબર પર છે.

તાકાત: શરૂઆતમાં વિકેટ પડ્યા પછી તે સંભાળી લે છે. મિસ્ટર 360, એટલે કે દરેક દિશામાં બોલને હિટ કરી શકે છે.
નબળાઈ: મોટી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શકતો નથી. 2021 T20 વર્લ્ડ કપ અને એશિયા કપની મોટી મેચોમાં ફ્લોપ.

2.રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની બેટિંગની સાથે કેપ્ટનશિપ પર પણ તમામની નજર છે. આ વર્ષે તેણે 23 મેચમાં કુલ 540 રન બનાવ્યા છે. જો આ ખેલાડી મેચમાં ચાલી જાય છે તો તે એકલા હાથે મેચ બદલી શકે છે. જોકે છેલ્લો વર્લ્ડ કપ આ ખેલાડી માટે કંઈ ખાસ નહોતો. રોહિતે T20 ક્રિકેટમાં ચાર સદી ફટકારી છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 140.59 છે. આવી સ્થિતિમાં જો આ ખેલાડીનું બેટ બોલે તો ભારતીય ટીમ માટે ઘણા સારા સંકેતો હશે.

તાકાત: લેન્થ અને શોર્ટ બોલને શાનદાર ટાઈમિંગ સાથે રમે છે. તેને ઓસ્ટ્રેલિયાની પિચ અનુકૂળ આવશે.
નબળાઈ: ડાબા હાથના ઝડપી બોલરની સામે સારો દેખાવ કરી શકતો નથી. મોટી મેચોમાં પ્રદર્શન કંઈ ખાસ નથી રહ્યું.

1. વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છેલ્લાં 3 વર્ષથી આઉટ ઓફ ફોર્મ હતો, પરંતુ આ વર્ષે તેણે એશિયા કપમાં સારો દેખાવ કર્યો હતો. તેણે એશિયા કપની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન સામે પણ સદી ફટકારી હતી. T20 વર્લ્ડ કપમાં કોહલીનું બેટ ઘણું બોલે છે. તે 2014 અને 2016માં બે વખત આ ટૂર્નામેન્ટનો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ રહી ચૂક્યો છે. તે T20 ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં 76.81ની એવરેજથી બેટિંગ કરે છે. T20 ક્રિકેટમાં આ ખેલાડીની એવરેજ 50થી વધુ છે.

તાકાત: આ ક્ષણે વિશ્વના મહાન બેટરમાંનો એક. ગેમ-ફિનિશર પણ છે.
નબળાઈ: આઉટ સ્વિંગ અને લેગ સ્પિનર ​​સામે ફસાઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...