ધવને તોડ્યો 23 વર્ષ જૂનો રેકોર્ડ:વન-ડેમાં હાફ સેન્ચુરી મારવાવાળો સૌથી મોટી ઉંમરનો કેપ્ટન, અઝહરને પાછળ છોડ્યો

21 દિવસ પહેલા
  • ત્રણ વર્ષ બાદ સદી મારવાનો મળ્યો હતો મોકો

વેસ્ટઇન્ડીઝની સામે ત્રણ વનડે મેચની સિરિઝના પહેલા વનડે મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ તે ભારત તરફથી વનડે ક્રિકેટમાં અર્ધસદી ફટકારવા વાળો સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બની ગયો છે. તદુપરાંત તે નર્વસ નાઈનટીઝમાં સૌથી વધુ વખત આઉટ થવામાં વિરાટ કોહલીથી આગળ નીકળી ગયો છે. ચાલો આ બન્ને રેકોર્ડને વિસ્તારથી જાણીએ.

અઝહરે 36 વર્ષ અને 120 દિવસની ઉંમરે ફટકારી હતી ફિફ્ટી
ધવને 36 વર્ષ અને 229 દિવસની ઉંમરે ફિફ્ટી ફટકારી હતી. આ પહેલા ભારત તરફથી વનડેમાં સૌથી મોટી ઉંમરે ફિફ્ટી મારવાનો રેકોર્ડ મોહમ્મદ અઝરુદીનના નામે હતો. અઝહરે 8 જૂન 1999ના રોજ કેપ્ટન તરીકે પોતાની છેલ્લી અર્ધસદી મારી હતી. તેણે માન્ચેસ્ટરમાં પાકિસ્તાનની સામે 59 રનની ઇનિંગ રમી હતી. તે મેચ ICC વર્લ્ડ કપનો હતો.

છઠ્ઠી વખત નર્વસ નાઈનટીઝનો શિકાર થયો
ધવન માત્ર ત્રણ રનથી સદી ફટકારવાથી ચૂકી ગયો હતો. તે પોતાના વનડે કરિયરમાં છઠ્ઠી વખત નર્વસ નાઈનટીઝનો શિકાર થયો હતો. એટલે કે તે છઠ્ઠી વખત 90-99 રનની વચ્ચે આઉટ થયો હતો. વનડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ વખત નર્વસ નાઈનટીઝને શિકાર સચિન તેંડુલકર થયા છે. તેઓ 17 વખત 90-99 રનની વચ્ચે આઉટ થયા છે.

ધવન હવે સૌરવ ગાંગુલીની બરોબરી પર આવી ગયો છે. ગાંગુલી પણ 6 વખત નર્વસ નાઈનટીઝમાં આઉટ થયો છે. ધવન વિરાટ કોહલી અને વિરેન્દ્ર સેહવાગથી આગળ નીકળી ગયો છે. આ બન્ને બેટ્સમેનો 90-99ની વચ્ચે 5-5 વખત આઉટ થયા છે.

ત્રણ વર્ષ બાદ સદી મારવાનો મળ્યો હતો મોકો
ધવને જો આ ઇનિંગમાં સદી મારી દીધી હોત તો તેના બેટેથી ત્રણ વર્ષ પછી સદી આવી હોત. તેણે છેલ્લે 2019ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સદી ફટકારી હતી. પ્રથમ વનડેમાં વેસ્ટઇન્ડીઝ સામે ધવને 99 બોલમાં 97 રન ફટકાર્યા હતા. તેણે પોતાની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા પણ માર્યા હતા. તે 34મી ઓવરમાં આઉટ થયો હતો.