TATA હવે IPLનું સ્પોન્સર:TATAએ ચાઈનીઝ કંપની VIVOની હકાલપટ્ટી કરી, ભારત-ચીનના તણાવના કારણે ટાઈટ્લ રાઈટ્સ ટ્રાન્સફર ના થયા

9 દિવસ પહેલા
  • VIVO દર વર્ષે BCCIને 440 કરોડ રૂપિયા આપે છે
  • VIVOએ 2200 કરોડમાં સ્પોન્સરશિપ ડીલ કરી હતી

ચીનની મોબાઈલ ફોન નિર્માતા કંપની VIVO(વિવો) હવે IPLની ટાઈટલ સ્પોન્સર રહેશે નહીં. એને સ્થાને TATA ગ્રુપને IPLનું નવું ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યું છે. આવતા વર્ષથી એટલે કે 2023થી આ ટૂર્નામેન્ટ હવે TATA IPL તરીકે ઓળખાશે. ગયા વર્ષે, ચીન અને ભારતમાં તણાવ વચ્ચે VIVO પાસેથી ટાઈટલ રાઈટ્સ ટ્રાન્સફર થઈ શક્યા ન હતા.

VIVO માત્ર 2022 સુધી IPLનું સ્પોન્સર રહેશે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે સમાચાર એજન્સી PTIને આ અંગે માહિતી આપી છે. મંગળવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

VIVO દર વર્ષે BCCIને 440 કરોડ રૂપિયા આપે છે
ચીની કંપની VIVO દર વર્ષે IPL ટાઇટલ સ્પોન્સરશિપ માટે BCCIને 440 કરોડ રૂપિયા ચૂકવે છે. ગયા વર્ષે જ્યારે ભારત અને ચીન વચ્ચેના વિવાદને કારણે દેશમાં વિરોધ થયો હતો ત્યારે વિવોએ એક વર્ષ માટે બ્રેક લેવો પડ્યો હતો. અગાઉ IPL 2020 સીઝનમાં ફેન્ટસી ગેમિંગ ફર્મ ડ્રીમ-11 ટાઇટલ સ્પોન્સર હતી. આ માટે ડ્રીમ-11 એ BCCIને 222 કરોડ રૂપિયા આપ્યા હતા. આ કોન્ટ્રેક્ટ 18 ઓગસ્ટથી 31 ડિસેમ્બર 2020 સુધીનો હતો. આ રકમ VIVOની વાર્ષિક ચુકવણીની લગભગ અડધી હતી.

VIVO 2022 સુધી IPLનું ટાઇટલ સ્પોન્સર છે
VIVO પાસે 2190 કરોડ રૂપિયા સાથે 5 વર્ષ માટે IPL ટાઇટલ સ્પોન્સરશિપ માટે કરાર હતો. કંપની વાર્ષિક 440 કરોડ રૂપિયા આપતી હતી. આ કોન્ટ્રેક્ટ 2018થી 2022 સુધીનો હતો. પહેલાં એવા સમાચાર હતા કે Vivoનો કોન્ટ્રેક્ટ 2023 સુધી લંબાવવામાં આવી શકે છે, પરંતુ હવે ટાટાએ એનું સ્થાન લઈ લીધું છે.

કેન્દ્રીય અને શીર્ષક સ્પોન્સરશિપ વચ્ચેનો તફાવત
IPLની સેન્ટ્રલ સ્પોન્સરશિપમાં માત્ર સ્થાનિક કંપનીઓનું જ પ્રભુત્વ છે. સેન્ટ્રલ અને ટાઇટલ સ્પોન્સરશિપ બંનેના અધિકારો અલગ-અલગ છે. જર્સીના અધિકારો IPLમાં સેન્ટ્રલ સ્પોન્સરશિપ હેઠળ આવતા નથી, એટલે કે જર્સી પર છપાયેલા લોગો પર માત્ર ટાઈટલ સ્પોન્સરશિપનો અધિકાર છે.

આની સાથે કંપનીને તેના બ્રાન્ડિંગ માટે સારી જગ્યા મળે છે, જેમ કે મેચ પછીના પ્રેઝન્ટેશન એરિયા, ડગઆઉટમાં બેકડ્રોપ અને બાઉન્ડરી રોપ વગેરે. ટાઈટલ સ્પોન્સરશિપ સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ કરતાં વધુ પૈસા ખર્ચે છે.

IPL 2022ના ઓક્શનમાં 10 ટીમ સામેલ
IPLની 15મી સીઝનમાં 10 ટીમ સામેલ થશે. આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપે લખનઉની ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે અને 5 વર્ષ પછી ફરીથી લીગમાં કમબેક કર્યું છે. આની પહેલાં ગોએન્કા ગ્રુપ પાસે 2 વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ રહી હતી. વળી, CVC કેપિટલ્સે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.

મેગા ઓક્શન સામે કોરોનાનું સંકટ
IPL ફરીથી નવા વર્ષે કોરોનાના સકંજામાં ફસાઈ શકે એમ લાગી રહ્યું છે. BCCIએ તાજેતરમાં જ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની સાથે સીકે નાયડુ ટ્રોફી અને સિનિયર મહિલા T-20 લીગ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેવામાં હવે મીડિયા રિપોર્ટ્સના આધારે IPL મેગા ઓક્શનની તારીખોમાં પણ ફેરફાર થઈ શકે છે.

આમ જોવા જઈએ તો IPL મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના દિવસે બેંગલુરુમાં આયોજિત થવાનું છે, પરંતુ કોરોનાના વધતા જતા કેસને જોતાં BCCI સામે મોટો પડકાર ઊભો થશે. તેવામાં મીડિયાના અહેવાલોના આધારે જોવા જઈએ તો બોર્ડ મેગા ઓક્શનની તારીખો તથા સ્થળ બદલી શકે છે.

ઓક્શનના આયોજનનો PLAN-B
BCCIના સૂત્રોએ મીડિયા સાથે ચર્ચા દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે અમારો પ્લાન-B પણ નિશ્ચિત જ છે. જ્યારે ઓક્શનની તારીખો નજીક આવશે એમ અમે સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ વધારે કરીશું. એવામાં જો જરૂર જણાશે તો અમે શોર્ટ નોટિસ આપી ઓક્શનનું સ્થળ બદલી દઈશું.

આ દરમિયાન અમારે એ પણ જાણવું પડશે કે કઈ રાજ્ય સરકાર અમને આની અનુમતિ આપે છે તથા તેના પ્રોટોકોલ કેવા રહેશે. આના સિવાય ટ્રાન્સપોર્ટેશનથી લઈ અન્ય માપદંડો પર નજર રાખી અમે આગળ કામ કરીશું.

અન્ય સમાચારો પણ છે...