નેપાળમાં રમાયેલી એવરેસ્ટ પ્રીમિયર લીગની મેચ દરમિયાન જોન્ટી રોડ્સ ફરીથી જાણે મેદાનમાં આવી ગયા હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. આ મેચમાં નેપાળી ખેલાડી ભુવન કાર્કીએ ડાઇવ મારી નોનસ્ટ્રાઈકર બેટરને રનઆઉટ કરી ફેન્સને 1992 વર્લ્ડ કપની દક્ષિણ આફ્રિકા V/S પાકિસ્તાનની મેચ યાદ અપાવી હતી. અત્યારે આ બંને ફલાઈંગ રનઆઉટના વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.
ભુવન દ.આફ્રિકન ખેલાડી રિચર્ડ લેવીને રનઆઉટ કર્યો
આ સમગ્ર કિસ્સો ભરાહવા ગ્લેડિયેટર્સ અને પોખરા રાઈનોઝ વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટેની પ્લેઓફ મેચ દરમિયાન થયો હતો. પોખરા રાઈનોઝ દ્વારા 120 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ગ્લેડિયેટર્સે સારી શરૂઆત કરી હતી. એ સમયે દક્ષિણ આફ્રિકાના પૂર્વ સ્ટાર રિચર્ડ લેવી અને ઋત ગૌતમ ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા હતા.
એ દરમિયાન રન ચેઝ કરતા પ્રેશરમાં આવી ગયેલા બંને બેટર્સ વચ્ચે ક્વિક સિંગલ લેતા સમયે યોગ્ય તાલમેલ ન થતાં નોનસ્ટ્રાઈકર એન્ડનો ખેલાડી રનઆઉટ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે પોખરા રાઈનોઝના ખેલાડી ભુવન કાર્કીએ આ મેચમાં ફ્લાઈંગ રનઆઉટ કરી દક્ષિણ આફ્રિકન ખેલાડી રિચર્ડ લેવીને રનઆઉટ કર્યો હતો. તેના આ રનઆઉટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
જોન્ટી રોડ્સનો ફ્લાઈંગ રનઆઉટ
ક્રિકેટમાં જ્યારે પણ ફિલ્ડિંગની વાત કરીએ ત્યારે દક્ષિણ આફ્રિકન ખેલાડી જોન્ટી રોડ્સનું નામ સૌથી પહેલા યાદ આવે છે. તેણે બેકવર્ડ પોઇન્ટ પર ફિલ્ડિંગ કરતાં-કરતાં બેટર્સના આક્રમક શોટ્સને રોકવાની સાથે ઘણા રનઆઉટ પણ કર્યા હતા. આવો જ એક કિસ્સો 1992 વર્લ્ડ કપની લીગ મેચમાં થયો હતો, જેમાં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન જોન્ટી રોડ્સે બેકવર્ડ પોઈન્ટમાં ફિલ્ડિંગ કરતા સમયે ઈન્ઝમામ ઉલ હકને આઉટ કર્યો હતો.
આ રનઆઉટ દરમિયાન જોન્ટી રોડ્સે બેકવર્ડ પોઈન્ટ પરથી બોલ પકડીને ઈન્ઝમામ ક્રિઝમાં પહોંચે એ પહેલાં સ્ટમ્પ્સ પાસે પહોંચીને ડાઇવ મારી તેને રનઆઉટ કર્યો હતો. તેનો આ રનઆઉટ દક્ષિણ આફ્રિકન ટીમ માટે મેચનો ટર્નિંગ પોઈન્ટ પણ રહ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનને 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
જોન્ટી રોડ્સ ઓલરાઉન્ડ સ્પોર્ટ્સ પર્સન હતા
દક્ષિણ આફ્રિકન ખેલાડી જોન્ટી રોડ્સે મેચમાં ભાગ લીધા વગર મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે એક ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન જોન્ટી રોડ્સને પ્લેઇંગ-11માં તક મળી નહોતી, પરંતુ આ મેચમાં તે સબ્સ્ટિટ્યૂટ ફિલ્ડર તરીકે મેદાનમાં ઊતર્યો હતો, જેમાં તેણે પ્રશંસનીય ફિલ્ડિંગ કરીને સાત કેચ પકડ્યા હતા, જેના પરિણામે જોન્ટીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો.
જોન્ટી રોડ્સની કારકિર્દી
દક્ષિણ આફ્રિકન સ્પોર્ટ્સ પર્સન જોન્ટી માત્ર ક્રિકેટર જ નહોતો, પરંતુ હોકીનો પણ શાનદાર ખેલાડી હતો. રોડ્સે હોકીમાં પણ દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 1992 ઓલિમ્પિક માટે ટીમમાં પસંદગી પામ્યો હતો, પરંતુ તેની ટીમ ક્વોલિફાઇ કરી શકી નહોતી. ઈજાગ્રસ્ત હોવાને કારણે તેણે 1996ની ટ્રાયલ્સમાં પણ ભાલ લીધો નહોતો.
જોન્ટી રોડ્સની ક્રિકેટમાં કારકિર્દી અંગે વાત કરીએ તો તેણે કરિયરમાં 52 ટેસ્ટ અને 245 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેને ટેસ્ટમાં 3 સદી, 17 અર્ધસદીની સહાયથી 2532 રન કર્યા છે. આના સિવાય વનડેમાં પણ તેણે 5935 રન કર્યા છે, જેમાં 2 સદી અને 33 અર્ધસદી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.