• Gujarati News
  • Sports
  • Cricket
  • The Last Date For Submission Of Player Retention List Is November 30, Who Will Be The Captain coach Of Ahmedabad; Learn The Equations Before The Mega Auction

અમદાવાદ IPL ટીમના કેપ્ટન કોણ?:કે.એલ.રાહુલ અને ડેવિડ વોર્નર આ પદ માટે પહેલી પસંદ બની શકે, જાણો કઈ ટીમ કયા ખેલાડીને રિટેન કરી શકે છે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ટીમ પાસે આશરે કુલ 90 કરોડ રૂપિયા હશે
  • કોઈપણ ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 4 ખેલાડીને રિટેન કરી શકશે, પર્સમાંથી 42 કરોડ રૂપિયા કપાશે

IPL 2022 માટે અત્યારથી જ ફેન્ચાઇઝી અને BCCI તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે. એવામાં આ સીઝનથી અમદાવાદ અને લખનઉની 2 નવી ટીમ ભાગ લેતાં બોર્ડે પ્લેયર રિટેન્શનના નિયમો અંગે ઘણા ફેરફાર કર્યા છે, જેને કારણે મેગા ઓક્શનમાં કોઈપણ ફેન્ચાઇઝીને વધુમાં વધુ 4 ખેલાડી રિટેન કરવાની અનુમતિ મળશે, બાકીના દરેક ખેલાડી ઓક્શનમાં ઊતરશે, જેને પરિણામે અત્યારે જૂની ફ્રેન્ચાઇઝી પોતાની ટીમના કોમ્બિનેશન મુદ્દે અસમંજસમાં મુકાઈ છે. તો ચલો, આપણે કઈ ટીમ કોને રિટેન કરશે અને નવી ટીમ કેવી રીતે પોતાની સ્ક્વોડ બનાવશે એના પર નજર ફેરવીએ.....

રિટેન્શન માટે 30 નવેમ્બર છેલ્લી તારીખ
IPL-15 માટે ફ્રેન્ચાઈઝી કયા ખેલાડી રિટેન કરવા માગે છે એની યાદી આપવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર રાખવામાં આવી છે. હવે આમાં ગણીને 5 દિવસનો સમય બાકી રહ્યો છે. એવામાં મોટા ભાગની ફેન્ચાઈઝી કોને રિટેન કરવાની છે એની યાદી બનાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે દરેક ફેન્ચાઈઝીએ આ યાદી IPL ગવર્નિંગ કાઉન્સિલ અને BCCIને 30 નવેમ્બર બપોરે 12 વાગ્યા સુધી આપવાની રહેશે.

મેગા ઓક્શન જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં થશે. એવામાં હવે 2 નવી ટીમને ઓક્શનમાં ઊતરેલા ખેલાડીઓમાં 3-3 પ્લેયરને પસંદ કરવાની અનુમતિ અપાશે.

એક ટીમના પર્સમાં કેટલા રૂપિયા રહેશે!

  • એક ટીમ પાસે આશરે કુલ 90 કરોડ રૂપિયા હશે. ગત સીઝનમાં આ રકમ 85 કરોડ રૂપિયા સુધી હતી.
  • જો કોઈ ફ્રેન્ચાઈઝી ખેલાડીને રિટેન કરશે અથવા નહીં કરે તોપણ તેની રકમ 90 કરોડમાંથી કપાશે.
  • કોઈપણ ફ્રેન્ચાઈઝી 4 ખેલાડીને રિટેન કરશે ત્યારે તેના પર્સમાંથી 42 કરોડ રૂપિયા કપાશે.
  • 3 ખેલાડીને રિટેન કરવા પર 33 કરોડ રૂપિયા, 2 ખેલાડીને રિટેન કરવા પર 24 કરોડ રૂપિયા અને 1 ખેલાડીને રિટેન કરવા પર ફ્રેન્ચાઈઝીના પર્સથી 14 કરોડ રૂપિયા કપાશે.

અમદાવાદની નવી ટીમના કેપ્ટન કોણ હશે
આ સીઝનમાં 10 નવી ટીમ આવતાં IPLનો રોમાંચ હવે ગુજરાતમાં પણ પ્રસરી જશે. એવામાં હવે ગુજ્જુ ક્રિકેટ ફેન્સના મનમાં એક જ સવાલ હશે કે અમદાવાદની ટીમનું નેતૃત્વ કોણ કરશે તથા કોચ તરીકે કોણ કાર્યભાર સંભાળશે?

કોચ માટે શાસ્ત્રી એન્ડ કંપનીને એપ્રોચ કરાઈ!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદ ફ્રેન્ચાઈઝીના માલિક CVC કેપિટલ્સે રવિ શાસ્ત્રી અને ઈન્ડિયન ટીમમાં તેમના સહયોગી બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનો સંપર્ક કર્યો છે. જોકે હજુ સુધી આ મુદ્દે સત્તાવાર નિવેદન કોઈએ આપ્યું નથી. CVCએ જ્યારે શાસ્ત્રી અને કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો સાથે સંપર્ક સાધ્યો હતો ત્યારે તેઓ ટીમ ઈન્ડિયાની સાથે T-20 વર્લ્ડ કપમાં વ્યસ્ત હતા અને ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ નિર્ણય લેવાનો સમય માગ્યો હતો.

  • અમદાવાદ ટીમના કેપ્ટન માટે કે.એલ.રાહુલ અને ડેવિડ વોર્નર પહેલી પસંદ બની શકે છે, કારણ કે આ બંને ખેલાડીએ પોતાની ટીમ સાથે છેડો ફાડી લીધો છે અને હવે આ સીઝનથી નવી ટીમ સાથે નવી ઈનિંગની શરૂઆત કરવાનું મન બનાવી લીધું છે. અમદાવાદની ટીમ પાસે આ 2 ખેલાડી સિવાય હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે પસંદ કરવાની પણ ઉજ્જવળ તક રહેલી છે.
  • હાર્દિક પંડ્યા અત્યારે ફોર્મમાં નથી અને મીડિયા રિપોર્ટ્સના આધારે મુંબઈની ટીમ પંડ્યા બ્રધર્સને રિટેન નહીં કરે એવા સમાચાર પણ સામે આવ્યા હતા. તેવામાં ગુજરાતી મૂળના ખેલાડી અને ગેમ ચેન્જર એવા હાર્દિક પંડ્યાને પણ ટીમમાં કેપ્ટન તરીકે પસંદ કરાઈ શકે છે.

ચેન્નઈ સુપર કિંગ્સમાં કોણ-કોણ રહેશે?
IPL 2021ની ચેમ્પિયન ટીમ CSKએ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન કરવાનું મન બનાવી લીધું છે. એવામાં એવું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે કે આ ધોનીની છેલ્લી IPL સીઝન પણ હોઈ શકે છે. હવે ફ્રેન્ચાઈઝી જો ભવિષ્યનું વિચારશે તો ધોની સિવાય આ સીઝનમાં તેઓ રવીન્દ્ર જાડેજા, ફાફ ડુપ્લેસિસ, ઋતુરાજ ગાયકવાડ, સુરેશ રૈના, ડ્વેન બ્રાવો અને દીપક ચાહર જેવા ખેલાડીમાંથી 3ને રિટેન કરી શકે છે.

CSK આ 4 ખેલાડીને રિટેન કરી શકે છે

  1. મહેન્દ્ર સિંહ ધોની
  2. રવીન્દ્ર જાડેજા
  3. મોઈન અલી અથવા સેમ કરન
  4. ઋતુરાજ ગાયકવાડ

પંજાબ કિંગ્સ કોને-કોને રિટેન કરશે?
પંજાબ કિંગ્સનું 14મી સીઝનમાં પ્રદર્શન પણ ખરાબ રહ્યું હતું. વળી, ઓછામાં પૂરું કે.એલ.રાહુલે પણ આ ટીમ સાથે છેડો ફાડી દીધો છે અને પંજાબ એને રિટેન પણ નહીં કરે. તેવામાં ફ્રેન્ચાઈઝી કયા ટીમ કોમ્બિનેશન સાથે આ સીઝનમાં ઊતરશે એ જોવાજેવું રહેશે. જો ફ્રેન્ચાઈઝી કોઈને જાળવી રાખે છે, તો ટીમમાં સ્ટાર પર્ફોર્મર મયંક અગ્રવાલ, રવિ બિશ્નોઈ અને વિસ્ફોટક બેટર શાહરુખ ખાન પણ છે, પરંતુ તેમને રિટેન કરવા જતાં ટીમનું બજેટ પણ ખોરવાઈ શકે છે, જેથી આ વખતે પંજાબ કિંગ્સ નવા ખેલાડીઓની પસંદગી કરીને નવી ટીમ બનાવી શકે છે.

રોયલ ચેલેન્જર બેંગલોરનું ગણિત
IPLનો ઈતિહાસ સાક્ષી છે કે રોયલ ચેલેન્જર બેંગલોર એક એવી ટીમ છે, જેની પાસે વિસ્ફોટક ખેલાડી હોવા છતાં એકપણ સીઝનનું ટાઈટલ જીતી શકી નથી. IPL 2021માં પણ આ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, પરંતુ તે પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. વિરાટ કોહલીએ ટીમની કેપ્ટનશિપ છોડ્યા પછી એબી ડિવિલિયર્સે પણ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે, જેના કારણે ટીમ સમજીવિચારીને રિટેન કરવાનું શરૂ કરશે.

RCB આ 4 ખેલાડીને રિટેન કરી શકે છે

  1. વિરાટ કોહલી઼
  2. ગ્લેન મેક્સવેલ
  3. યુઝવેન્દ્ર ચહલ
  4. દેવદત્ત પડ્ડિકલ

દિલ્હી કેપિટલ્સ માટે મોટો પડકાર
છેલ્લા 3 વર્ષથી દિલ્હી કેપિટલ્સની ટીમે શાનદાર પ્રદર્શન દાખવ્યું છે. 2019 અને 2020 દરમિયાન શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં દિલ્હીની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી. ત્યારે 2021માં રિષભ પંતે પણ સારું માર્ગદર્શન આપી ટીમમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું. વળી, બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ દિલ્હીનો શાનદાર છે તો હવે કોને રિટેન કરવા એ અંગે ટીમ મૂંઝવણમાં મુકાઈ શકે છે.

DC આ 4 ખેલાડીને રિટેન કરી શકે છે

  1. રિષભ પંત
  2. પૃથ્વી શો
  3. અક્ષર પટેલ
  4. એનરિક નોર્ત્યા

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મોટી તક
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 2021ની સીઝનમાં શાનદાર પ્રદર્શન દાખવી ફાઇનલ સુધીની સફર કરી હતી. કોલકાતા નવા લીડર સાથે આ સીઝનમાં આગળ વધી શકે છે, જેથી યુવા ટીમને ધ્યાનમાં રાખતાં કોલકાતામાં મોટે પાયે ફેરફાર થવાની સંભાવના રહેશે.

KKR આ 4 ખેલાડીને રિટેન કરી શકે છે

  1. વેંકટેશ અય્યર
  2. વરુણ ચક્રવર્તી
  3. નીતીશ રાણા
  4. સુનીલ નરેન

રાજસ્થાન રોયલ્સની ટીમ મોટે પાયે ફેરફાર કરી શકે છે
રાજસ્થાનની ટીમ કેપ્ટન સંજુ સેમસન મુદ્દે પણ મૂંઝવણમાં મુકાઈ શકે છે. જોકે મીડિયા રિપોર્ટ્સના આધારે કેપ્ટન સંજુ સેમસને પોતાને રિટેન ન કરવાની વાત કરી છે. તેવામાં ફ્રેન્ચાઈઝી પહેલા કેટલાક ખેલાડી સાથે વાતચીત કરી શકે છે પછી જ રિટેન કરશે. જોકે આ ટીમ વિદેશી ખેલાડીને રિટેન કરી શકે છે.

RR આ ખેલાડીને રિટેન કરી શકે છે

  1. બેન સ્ટોક્સ
  2. જોસ બટલર

IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો પડકાર
IPLની સૌથી સફળ ટીમ પોતાના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર પેસર જસપ્રતી બુમરાહને સૌથી પહેલા રિટેન કરી શકે છે. જોકે ઓલરાઉન્ડરની વાત કરીએ તો હાર્દિકના ફોર્મને જોતાં ટીમ બીજા વિકલ્પો પર નજર નાખી શકે છે. તેવામાં જો મીડિયાના અહેવાલોના આધારે જોઈએ તો પંડ્યા બ્રધર્સનું રિટેન થવું ના બરાબર જ છે. હવે ટીમ ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ અને રાહુલ ચાહરમાંથી કોને પસંદ કરવા એ અંગે વિચાર કરી રહી હોય એમ લાગી રહ્યું છે.

MI આ 4 ખેલાડીને રિટેન કરી શકે છે

  1. રોહિત શર્મા
  2. જસપ્રીત બુમરાહ
  3. ટ્રેંટ બોલ્ટ અથવા કિરોન પોલાર્ડ
  4. ઈશાન કિશન અથવા સૂર્યકુમાર યાદવ

સનરાઇઝર્સ હૈદરાબાદના વળતા પાણી
IPL 2021માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. એવામાં ડેવિડ વોર્નર, જે આ વર્લ્ડ કપના ગેમ ચેન્જિંગ પ્લેયર રહ્યા હતા તેને પણ આ ટીમ સાથે છેડો ફાડી દીધો છે. વળી, મનીષ પાંડે પણ પહેલાંની જેમ વિસ્ફોટક બેટિંગ કરી શકતો નથી, તો ફેન્ચાઈઝી આ ખેલાડીને પણ રિટેન નહીં કરે એમ લાગી રહ્યું છે.

SRH આ 2 ખેલાડીને રિટેન કરી શકે છે

  1. કેન વિલિયમ્સન
  2. રાશિદ ખાન
અન્ય સમાચારો પણ છે...