ટીમ ઈન્ડિયાએ 4-1થી સિરિઝ જીતી:પાંચમી T20 મેચમાં ભારતે 88 રનથી જીત મેળવી; બધી જ 10 વિકેટ સ્પિનરોએ ઝડપી

4 મહિનો પહેલા

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે T20 સિરિઝનો છેલ્લો મેચ ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમ ખાતે રમાયો હતો. સિરિઝની આખરી મેચમાં ભારતે 88 રને જીત મેળવીને સિરિઝ 4-1થી જીતી લીધી હતી. ભારતે આપેલા 189 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઈન્ડિઝ ટીમ 100 રનમાં ખખડી ગઈ હતી. તેઓ 15.4 રનમાં 100 રન જ ઓલઆઉટ થઈ ગયા હતા. ભારત તરફથી સૌથી વધુ રવિ બિશ્નોઈએ 4 વિકેટ ઝડપી હતી. તો અક્ષર પટેલ અને કુલદિપ યાદવે 3-3 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ રન શિમરોન હેટમાયરે 56 રન કર્યા હતા. બાકીના કેરેબિયન પ્લેયર્સ ચાલ્યા જ નહોતા.

અગાઉ ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન શ્રેયસ અય્યરે 64 રન બનાવ્યા હતા. દીપક હૂડ્ડાએ 38 રન કર્યા હતા. વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ ઓડિયન સ્મિથે 3 વિકેટ ઝડપી હતી. તો જેસન હોલ્ડર, ડોમિનિક ડ્રેક્સ અને હેડેન વોલ્શને 1-1 વિકેટ મળી હતી.

પ્લેયર ઑફ ધ મેચ અને પ્લેયર ઑફ ધ સિરિઝ

અક્ષર પટેલને તેના શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. આ મેચમાં તેની બોલિંગ ફિગર્સ (3-1-15-3)ની રહી હતી. તો પ્લેયર ઑફ ધ સિરિઝનો ખિતાબ યંગ પેસર અર્શદીપ સિંહને મળ્યો હતો. અર્શદિપ સિંહે 5 મેચમાં 7 વિકેટ ઝડપીને ભારતની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ આખી સિરિઝ દરમિયાન તેણે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેની બોલિંગથી ભૂતપૂર્વ ક્રિકેટરો પણ પ્રભાવિત થયા હતા.

ભારતીય સ્પિનરોનો તરખાટ

અક્ષર પટેલે શરૂઆતમાં 3 વિકેટ ઝડપીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો.
અક્ષર પટેલે શરૂઆતમાં 3 વિકેટ ઝડપીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો.

ભારતીય સ્પિનરોએ વેસ્ટઈન્ડિઝની બીજી ઇનિંગમાં તરખાટ મચાવ્યો હતો. સ્પિનરોએ જ 10 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈએ 2.4 ઓવરમાં 16 રન દઈને 4 વિકેટ ઝડપીને આતંક મચાવ્યો હતો. તો અક્ષર પટેલે 3 ઓવરમાં 1 મેડન સાથે 15 રનમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે ભારતને શરૂઆતમાં સફળતા અપાવી હતી. અને લાંબા સમય બાદ ભારતીય ટીમમાં કમબેક કરતા કુલદિપ યાદવે 4 ઓવરમાં 1 મેડન સાથે માત્ર 12 રન દઈને 3 વિકેટ ઝડપી હતી. આમ, પાંચમી T20 મેચ ભારતીય સ્પિનરોના નામે રહ્યો હતો.

શ્રેયસ અય્યરની શાનદાર અર્ધસદી

ભારતના ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. જોકે ઈશાન કિશન 13 બોલમાં 11 રન કરી આઉટ થયો હતો. શ્રેયસ અય્યરે પોતાના T20 કરિયરની 7મી અર્ધસદી ફટકારી હતી. તે 40 બોલમાં 64 રન કરી આઉટ થયો હતો. દીપક હૂડ્ડાએ 25 બોલમાં 38 રન કર્યા હતા. સંજુ સેમસન ખાસ ચાલ્યો નહોતો, અને 15 રન કરી આઉટ થયો હતો. તો દિનેશ કાર્તિક પણ 12 રનમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ ઝડપી 16 બોલમાં 28 રન કર્યા હતા. તે રનઆઉટ થયો હતો. અક્ષર પટેલે 9 રન કર્યા હતા.

બન્ને ટીમોની પ્લેઇંગ-11
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકિપર), શ્રેયસ અય્યરસ, સંજુ સેમસન, દીપક હૂડ્ડા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદિપ યાદવ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ.

વેસ્ટઈન્ડિઝ: શેમાર બ્રૂક્સ, નિકોલસ પૂરન (કેપ્ટન), રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, ડેવોન થોમસ (વિકેટકિપર), ઓડિયન સ્મિથ, જેસન હોલ્ડર, કિમો પૉલ, ડોમિનિક ડ્રેક્સ, હેડેન વોલ્શ અને ઓબેડ મેકોય.

રોહિત શર્માને આખરી મેચમાં આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન્સી કરી રહ્યો છે. કુલદિપ યાદવ અને ઈશાન કિશનને ટીમમાં સ્થાન મળ્યુ છે. રોહિત શર્મા સાથે સૂર્યકુમાર યાદવ, રિષભ પંત અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે.

ભારત 3-1થી સિરિઝ જીતી ચૂક્યુ છે. આ સ્ટેડિયમ પર ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝ સામે 5 મેચ રમી છે, તેમાંથી ભારતને 3 મેચમાં જીત મળી છે. તો એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. આવો જોઈએ છેલ્લા મેચમાં વાતાવરણ, પીચ કેવી રહેશે!

ભારતે 5 મેચની સિરિઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે.
ભારતે 5 મેચની સિરિઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે.

પીચ અને વાતાવરણનો મિજાજ
ફ્લોરિડામાં અત્યાર સુધીમાં 13 મેચ રમાયા છે, તેમાંથી 3 વખત 200થી વધુ રનો આ પીચ પર બન્યા છે. તો કેટલાક એવા મેચ પણ હતા કે ટીમ 100 રન સુધી પણ પહોંચી શકી નહોતી. તેવામાં પીચ બોલરોને મદદગાર રહેશે કે પછી બેટરોને તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી. પરંતુ પ્રથમ બેટિંગ કરનાર ટીમને અહિં ચોક્કસ ફાયદો મળે છે. કારણ કે 13 મેચમાંથી 10 મેચમાં પહેલી બેટિંગ કરનાર ટીમે અહિ જીત મેળવી છે. જ્યારે માત્ર 2 જ વખત ચેઝ કરનાર ટીમને જીત મળી છે. મેચ વખતે તાપમાન અંદાજે 30 ડિગ્રીની આસપાસ રહેશે, અને વરસાદની સંભાવના રહેશે.

કઈ ટીમે જીત્યો ક્યો મેચ
વેસ્ટઈન્ડિઝના ત્રિનિદાદમાં ભારતે પહેલો મેચ જીતીને સિરિઝની શરૂઆત કરી હતી. બીજા મેચમાં કેરેબિયન ટીમે મેચ પોતાના નામે કરી હતી. ત્રીજી મેચમાં ભારતે મેચ જીતીને 2-1થી સિરિઝમાં લીડ મેળવી હતી. તો ચોથી મેચમાં વેસ્ટઈન્ડિઝને 59 રનથી હરાવીને આ સિરિઝ પર કબ્જો કરી લીધો છે.

કેટલા વાગે શરૂ થશે મેચ, ક્યાં જોઈ શક્શો મેચ
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચમી T20 મેચ રાત્રે 8 વાગે શરૂ થશે. મેચનું લાઈવ પ્રસારણ ડીડી સ્પોર્ટ્સ પર જોઈ શક્શો. તો લાઈવ સ્ટ્રીમિંગ એપ ફેનકોડ એપ પર પણ મેચ જોઈ શકો છો. તો તમે મેચને લઈને તમામ અપડેટ્સ અને લાઈવ સ્કોર દિવ્ય ભાસ્કર એપ પર પણ જોઈ શકો છો.

અન્ય સમાચારો પણ છે...