• Gujarati News
  • Sports
  • Cricket
  • Team India Will Enter The Field With The Intention Of Winning, Rain May Disrupt The Match, Bumrah's Place In The Team Is Almost Certain

'કરો યા મરો'નો જંગ:આજે ટીમ ઈન્ડિયા જીતવાના ઈરાદે મેદાન પર ઊતરશે, વરસાદ મેચમાં વિઘ્ન બની શકે છે; બુમરાહનું ટીમમાં સ્થાન લગભગ નક્કી

2 દિવસ પહેલા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝની આજે બીજી મેચ છે, નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો'નો જંગ છે.

આજે ભારતીય ટીમ મેચ હારશે તો તે સિરીઝ ગુમાવી દેશે. જો જીતશે તો પછી ઉજવણીનો પ્રસંગ બનશે. એક એવી ઉજવણી, જે આપણે પાંચ વર્ષમાં ઊજવી નથી. ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતની ધરતી પર T20 ઈન્ટરનેશનલમાં છેલ્લે 2017માં હરાવી હતી. ત્યાર બાદ તે ભારતની ધરતી પર ભારતની ટીમને ચાર વખત હરાવી ચૂકી છે.

આ વખતે પણ ઓસ્ટ્રેલિયન ટીમ કયા ઈરાદા સાથે આવી છે એ આપણે મોહાલીની પ્રથમ મેચમાં જોઈ લીધું હતું. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતની ટીમ પર એવો કાઉન્ટર એટેક કર્યો, જાણે તેઓ ક્રિકેટ નહીં, હોકીમાં હરાવી રહ્યા હોય. હોકીમાં આપણે લાંબા સમયથી ઓસ્ટ્રેલિયા સામે જાણે હારવાની આદત પડી ગઈ છે, પરંતુ ક્રિકેટમાં આપણે તેમની બરાબરી જ નહીં, પરંતુ ઘણી રીતે તેમનો સામનો કરીએ છીએ. ટેસ્ટ અને વન-ડેમાં આપણે ઓસ્ટ્રેલિયાની ટીમનો શાનદાર મુકાબલો કરીએ છીએ, પરંતુ T20માં મજા બગડે છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ તેમની પર ભારે છે, પરંતુ T20 ફોર્મેટમાં ભારતની ધરતી પર ભારતીય ટીમ કરતાં તેમનું પ્રદર્શન સારું રહે છે. જાણે તેમના ખેલાડીઓ એમ કહી રહ્યા હોય કે IPLમાં રમીને તેમણે આ ફોર્મેટમાં ભારતની ધરતી અપનાવી છે. મેચમાં ઘણુંબધું દાવ પર છે. આવી સ્થિતિમાં આજે જો ભારતીય ટીમ જીતશે તો એની ઉજવણી કરવામાં આવશે.

સાંજે 7.30 વાગ્યે શરૂ થનારી આજની મેચમાં ભારતની ટીમ પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કરી શકે છે. તમને હેડ ટુ હેડ રેકોર્ડ, પિચ રિપોર્ટ, હવામાન અને સંભવિત પ્લેઈંગ ઈલેવન સાથે મેચના કેટલાક ફેક્ટ પણ જણાવીએ...

બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે
મેચના એક દિવસ પહેલાં મીડિયા સાથે વાતચીતમાં ભારતના સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ફિટનેસને લઈને ચિંતા કરવાની કોઈ વાત નથી. બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે. આ પછી એવી આશા છે કે ભારતના બેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજની મેચ રમશે. બુમરાહની ગેરહાજરીમાં પહેલા એશિયા કપમાં અને હવે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં ભારતીય બોલિંગ ખરાબ રીતે ખુલ્લી પડી છે. ભુવનેશ્વર કુમાર સતત ત્રણ મેચમાં 19મી ઓવરના દબાણને સંભાળવામાં નિષ્ફળ રહ્યો છે. ભુવનેશ્વરના બોલને મેથ્યુ હેડ બાઉન્ડરીની બહાર એવી રીતે મારતો હતો જાણે નેટ પ્રેક્ટિસ કરતો હોય. એવામાં ભુવનેશ્વરની વાપસી જરૂરી છે, નહિંતર ઓસ્ટ્રેલિયા ભારતની બોલિંગનો પૂરો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરશે.

બન્ને ટીમની પ્લેઇંગ ઈલેવન
મોહાલીમાં પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. એવામાં તેમની ટીમમાં કોઈ બદલાવ જોવા નહીં મળે. ટીમ ઈન્ડિયામાં બે બદલાવ થવાની શક્યતા જોવા મળી રહી છે. ઉમેશ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વરની જગ્યાએ દીપક ચહરને તક મળી શકે છે.

ભારત- કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, દિનેશ કાર્તિક, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.

ઓસ્ટ્રેલિયા- એરોન ફિન્ચ (કેપ્ટન), જોસ ઇંગ્લિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, નાથન એલિસ.

પહેલી મેચમાં શું થયું હતું એને યાદ કરી લઈએ

ઓસ્ટ્રેલિયાએ પહેલી મેચમાં ભારતને ચાર વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ ફોર્મેટમાં સૌથી મોટો સ્કોર કરતાં 4 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19.2 ઓવરમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. કેમરુન ગ્રીને સૌથી વધારે 61 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાની બેટિંગ સારી રહી હતી. તેણે 30 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા હતા. અક્ષર પટેલ સિવાય બધા બોલરનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
આ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર કરવામાં આવશે. આ સાથે આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે. સાથે જ તમને દિવ્ય ભાસ્કર એપ પર મેચની માહિતી મળશે.

વરસાદ મેચમાં વિઘ્ન બની શકે છે
નાગપુરમાં વરસાદને કારણે ગુરુવારે ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શક્યા નથી. આજે યોજાનારી મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. પિચ જોવા માટે ગ્રાઉન્ડ્સમેનોએ ગુરુવારે બપોરે કવર હટાવ્યું હતું, પરંતુ ઝરમર વરસાદના ભયને કારણે ટૂંક સમયમાં કવર ફરીથી મૂકવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં ત્રણ વર્ષમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.

કેવી હશે પિચ?
આ પિચ પર ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ લઈ શકે છે, ટાર્ગેટ ચેસ કરવો આ પિચ પર મોટો પડકાર છે. અહીં બોલર અને બેટર બન્નેને મદદ મળી શકે છે. આ પિચ પર બીજી ઈનિંગમાં બેટિંગ કરવી મુશ્કેલ બની શકે છે. બીજી ઈનિંગમાં આ પિચ પર એવરેજ સ્કોર 128 રનનો છે. અત્યારસુધી આ પિચ પર 4 T20 ઈન્ટરનેશનલ મેચ યોજાઈ છે, જેમાં 2માં ટીમને જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી વખત આ સ્ટેડિયમમાં મેચ રમવા ઊતરશે.

અન્ય સમાચારો પણ છે...