ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં વેસ્ટઇન્ડિઝને 2 વિકેટથી હરાવ્યુ છે. આ સાથે જ ભારતે ત્રણ મેચની સિરિઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. આ વનડે સિરિઝ જીતીને ભારતે વેસ્ટઇન્ડિઝને સતત 12મી સિરિઝમાં હાર આપી છે. આ સાથે જ ભારતે કોઈ એક ટીમ સામે સતત 12 વનડે સિરિઝ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
પાછલો રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો. પાકિસ્તાન ટીમે ઝિમ્બાબ્વેને સતત 11 વનડે સિરિઝમાં હરાવ્યુ હતુ. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરનાર કેરેબિયન ટીમે 50 ઓવરમાં 6 વિકેટે 311 રન બનાવ્યા હતા. શાઈ હોપે કરિયરની 100મી વનડેમાં 115 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન નિકોલસ પૂરને 74 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દૂલ ઠાકુરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ 312 રનના ટાર્ગેટને 49.4 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ભારત તરફથી સૌથી વધુ રન અક્ષર પટેલે 64 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 63 રન બનાવ્યા હતા. તો સંજુ સેમસને કરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. તે 54 રન બનાવીને આઉટ થયો હતો. વેસ્ટઇન્ડિઝ તરફથી સૌથી વધુ વિકેટ અલ્ઝારી જોસેફ અને કાઇલ મેયર્સે 2-2 વિકેટ લીધી હતી. તો જેડેન સિલ્સ, અકીલ હુસૈન અને રોમારિયો શેફોર્ડને 1-1 વિકેટ મળી હતી.
અક્ષર પટેલને ઓલરાઉન્ડ દેખાવ બદલ મેન ઑફ ધ મેચ
અક્ષર પટેલે બીજી વનડેમાં ધમાકેદાર ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેણે 35 બોલમાં 64 રન ફટકાર્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 182.86ની રહી હતી. તેના બેટેથી 3 ચોગ્ગા અને 5 છગ્ગા નિકળ્યા હતા. આ ઉપરાંત તેણે 9 ઓવરમાં 1 મેડન સાથે 40 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. અને તેણે શાઈ હોપનો કેચ પણ પકડ્યો હતો. આ ધમાકેદાર ઓલરાઉન્ડ પરફોર્મંસ બદલ તેને મેન ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાના ટૉપ ઑર્ડરનો ફ્લોપ શો
કેપ્ટન શિખર ધવન 31 બોલમાં 13 રન બનાવી આઉટ થયો હતો. તેની વિકેટ રોમારિયો શેફોર્ડે લીધી હતી. તો કાઇલ મેયર્સે ગિલ અને સૂર્યકુમારને આઉટ કરીને વેસ્ટઇન્ડિઝને મજબૂત સ્થિતિમાં લાવી દીધુ હતુ. ગિલે 49 બોલમાં 43 રન કર્યા હતા. તેણે 5 ચોગ્ગા માર્યા હતા. તો નંબર-4 પર આવેલો સૂર્યકુમાર યાદવ 8 બોલમાં 9 રન કરી આઉટ થયો હતો.
વેસ્ટઇન્ડિઝે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરના અંતે 6 વિકેટે 311 રન કર્યા હતા. વેસ્ટઇન્ડિઝના ઓપનર અને વિકેટકિપર બેટ્સમેન શાઈ હોપે પોતાની 100મી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ તેના વનડે કરિયરની 13મી સદી હતી. તે 135 બોલમાં 115 રન ફટકારી આઉટ થયો હતો. પૂરને પણ કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. તેણે 77 બોલમાં 74 રન માર્યા હતા.ભારત તરફથી સૌથી વધુ વિકેટ શાર્દૂલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ચહલ, અક્ષર અને દીપક હૂડાને 1-1 વિકેટ મળી હતી.
તો બીજી તરફ ડેબ્યૂ મેચ રમનારા આવેશ ખાન ચાલ્યો નહતો. તેણે 6 ઓવરમાં 54 રન આપી દીધા હતા.
શાઈ હોપનો કમાલ
શાઈ હોપે પોતાના 100મી વનડે મેચમાં સદી ફટકારવા વાળો દુનિયાનો 10મો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ગૉર્ડન ગ્રીનીઝ, ક્રિસ કેન્યર્સ, મોહમ્મદ યુસુફ, કુમાર સંગાકારા, ક્રિસ ગેલ, માર્કસ ટ્રેસ્કોથિક, રામનરેશ સરવન, ડેવિડ વોર્નર અને શિખર ધવને આ કારનામું કર્યુ છે.
પૂરનની કેપ્ટન ઇનિંગ્સ
વેસ્ટઇન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને પણ શાનદાર 74 રન માર્યા હતા. તેની આ ઇનિંગમાં 1 ચોગ્ગો અને 6 છગ્ગા આવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 96.10ની રહી હતી. ચોથી વિકેટ માટે તેના અને શાઈ હોપ વચ્ચે 126 બોલમાં 117 રનની ભાગીદારી થઈ હતી. પૂરને હોપને સાથ દેતા એક સમયે 3 વિકેટ ગુમાવી ચૂકેલી વેસ્ટઇન્ડિઝ ટીમને સંકટમાંથી ઉગારીને ટીમને સંગીન સ્થિતિમાં લાવી દીધું હતુ.
પહેલી વિકેટ માટે 65 રનની ભાગીદારી, હૂડાને મળી વિકેટ
વેસ્ટઇન્ડિઝ ના ઓપનર્સે શાનદાર શરૂઆત કરી હતી. શાઈ હોપ અને કાઇલ મેયર્સ વચ્ચે 65 રનની ભાગીદારી થઈ હતી. હૂડાએ પોતાની પહેલી ઓવરમાં જ કાઇલ મેયર્સને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. મેયર્સ 23 બોલમાં 39 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેની આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.
આવેશ ખાને ટીમ ઈન્ડિયા માટે કર્યુ ડેબ્યૂ
ટીમ ઈન્ડિયા માટે આવેશ ખાને ડેબ્યૂ કર્યુ છે. તેને પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યુ છે. વેસ્ટઇન્ડિઝે પણ ટીમમાં એક બદલાવ કર્યો છે. ગુડાકેશ મોતીની જગ્યાએ હેડન વૉલ્શ રમી રહ્યો છે.
બન્ને ટીમોની પ્લેઇંગ-11 નીચે પ્રમાણે છે.
ભારત- શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકિપર), દીપક હૂડા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, યુઝવેંદ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને આવેશ ખાન.
વેસ્ટઇન્ડિઝ- શાઈ હોપ (વિકેટકિપર), કાઇલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, શામરાહ બ્રુક્સ, નિકોલસ પૂરન (કેપ્ટન), રોમેન પોવેલ, અકીલ હુસૈન, રોમારિયો શેફોર્ડ, હેડન વૉલ્શ, અલ્ઝારી જોસેફ અને જેડેન સિલ્સ.
જો બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા જીતી તો રેકોર્ડ બનશે
પહેલા મેચમાં ત્રણ રનથી જીત મેળવીને ભારત 3 મેચની સિરિઝમાં 1-0થી આગળ છે. બીજા વનડે મેચમાં પણ ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામે જીત મેળવીને સિરિઝ કબ્જે કરવાના ઈરાદાથી મેદાને ઉતરશે. જો ભારતીય ટીમ આજની મેચ જીતી જશે, તો વેસ્ટઇન્ડિઝ સામે સતત 12 વનડે સિરિઝ જીતવાવાળી ટીમ બની જશે અને તે એક વર્લ્ડ રેકોર્ડ બનશે. આજ સુધી કોઈપણ ટીમે કોઈ એક જ ટીમ સામે વનડેમાં સતત 12 સિરિઝ જીતી શકી હોય તેવું બન્યુ નથી. વેસ્ટઇન્ડિઝે ભારતને છેલ્લી વખત 2006માં હાર આપી હતી.
બીજો મેચ પણ ક્વિંસ પાર્ક ઓવલ ખાતે રમાશે. અત્યાર સુધી અહિં 71 મેચ રમાઈ ગઈ છે, જેમાંથી પહેલી બેટિંગ કરવાવાળી ટીમોએ 31માં જીત મેળવી છે. જ્યારે ચેઝ કરતી ટીમોએ 35 મેચ જીતેલી છે. આ મેદાને સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ ભારતના નામે છે. ભારતે 2007ના વર્લ્ડ કપમાં બરમૂડા સામે 413/7 નો સ્કોર કર્યો હતો.
મેચ ક્યાં નિહાળી શકાશે?
ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેનો બીજો વનડેનો લાઈવ ટેલિકાસ્ટ ડીડી સ્પોર્ટ્સ પર થશે. સોની અને સ્ટાર પર મેચ ટેલિકાસ્ટ નહિ થાય. ત્યારે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ફેનકોડ એપ પર થશે. અને આ સાથે લાઈવ કવરેજ અને સાઈડ સ્ટોરીઝ દિવ્ય ભાસ્કર પર જોઈ શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.