ભારતનું પાકિસ્તાનથી પણ ખરાબ પ્રદર્શન:છેલ્લાં 10 વર્ષમાં ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દ.આફ્રિકામાં ટીમ ઈન્ડિયાએ 25માંથી માત્ર 3 ટેસ્ટ જીતી; પાકિસ્તાને 21માંથી 4 ટેસ્ટ જીતી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડ ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની ગયું છે. ફાઇનલમાં કિવી ટીમે ભારતને 8 વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાની છેલ્લાં 10 વર્ષમાં (S) દક્ષિણ આફ્રિકા, (E) ઈંગ્લેન્ડ (N) ન્યૂઝીલેન્ડ (A) ઓસ્ટ્રેલિયા સામે કુલ 25 મેચમાં 18મી હાર છે (આ દેશોના ગ્રુપને ક્રિકેટજગતમાં SENA કહેવાય છે). એશિયાઈ દેશોમાં ભારતનો રેકોર્ડ S.E.N.માં પાકિસ્તાનથી પણ ખરાબ છે. ટીમ ઈન્ડિયાએ આ દરમિયાન માત્ર 3 ટેસ્ટ જીતી છે અને 4 ડ્રો રહી છે.

પાકિસ્તાનની વાત કરીએ તો તેણે છેલ્લાં 10 વર્ષમાં આ 3 દેશમાં 21 ટેસ્ટ રમી છે અને 4 મેચમાં જીત મેળવી છે. ટીમે 14 મેચ હારી છે તો 3 ટેસ્ટ ડ્રો રહી છે. જ્યારે શ્રીલંકાનો રેકોર્ડ પણ આ 3 દેશમાં ભારતથી વધારે સારો રહ્યો છે. ટીમે આ દરમિયાન 24 ટેસ્ટ મેચ રમી છે અને 4માં જીત પ્રાપ્ત કરી છે. 15 મેચમાં શ્રીલંકાની ટીમને હાર મળી અને 5 ડ્રો રહી છે.

ઈંગ્લેન્ડમાં પાકિસ્તાન સૌથી સફળ
માત્ર ઈંગ્લેન્ડની વાત કરીએ તો એશિયાઈ દેશોમાંથી સૌથી વધુ મેચ ત્યાં પાકિસ્તાને જીતી છે. 2011થી લઈને અત્યારસુધીમાં તેણે 9 મેચ રમી છે, જેમાંથી પાકિસ્તાને ત્યાં 3 મેચમાં જીત પ્રાપ્ત કરી છે, જ્યારે 4 હાર્યું છે અને 2 મેચ ડ્રો રહી છે. 2011થી અત્યારસુધી ભારતે ત્યાં કુલ 15 ટેસ્ટ મેચ રમી છે. એમાંથી ટીમ ઈન્ડિયાએ માત્ર 2માં જીત પ્રાપ્ત કરી છે અને 12 હારી ગઈ છે અને 1 ટેસ્ટ ડ્રો રહી છે.

સીમ-સ્વિંગવાળા દેશોમાં ટીમ ઈન્ડિયા નિષ્ફળ
ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા એવા દેશો છે જ્યાં બોલ ઘણો સ્વિંગ થાય છે. આવા દેશમાં ટીમ ઈન્ડિયા નિષ્ફળ ગઈ છે. 2011થી અત્યારસુધી ભારતે ઈંગ્લેન્ડમાં ઈંગ્લિશ ટીમ વિરુદ્ધ 14 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી માત્ર 2 ટેસ્ટમાં ટીમને જીત મળી છે અને 11 મેચ હારી છે.

ઈંગ્લેન્ડમાં ઈન્ડિયા સતત 3 શ્રેણી હારી ચૂકી છે
આ રેકોર્ડમાં પણ પાકિસ્તાનની ટીમ ભારતથી આગળ છે. પાકિસ્તાન 9 ટેસ્ટમાંથી 3 જીતી છે, 4 મેચમાં હારનો સામનો કર્યો છે. જ્યારે પાકિસ્તાનની 2 મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં 2011, 2014 અને 2018 ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કર્યો છે.

ન્યૂઝીલેન્ડમાં પણ પાકિસ્તાનની બોલબાલા
પાકિસ્તાન ન્યૂઝીલેન્ડમાં છેલ્લાં 10 વર્ષમાં એશિયાનો સૌથી સફળ દેશ રહ્યો છે. આ દરમિયાન ટીમે ત્યાં 6 ટેસ્ટ રમી છે, જેમાંથી 1માં જીત મેળવી છે. ભારતે 4 ટેસ્ટ રમી છે અને એમાંથી 3માં ટીમ હારી છે. 1 ટેસ્ટ ડ્રો રહી છે.

દક્ષિણ આફ્રિકામાં ભારતનું પ્રદર્શન
ભારતે અહીં 10 વર્ષમાં 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 1માં જીત મેળવી છે અને 3 હારી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે. શ્રીલંકા આ કેસમાં ભારતથી આગળ છે. શ્રીલંકાએ ત્યાં 10 ટેસ્ટ રમી છે, જેમાંથી 3 મેચમાં જીત મેળવી છે અને 7 મેચમાં હારનો સામનો કર્યો છે.

SENA દેશોમાં ટોપ-10 રન સ્કોરરમાં ભારતનો એકપણ ખેલાડી નથી
SENA એટલે કે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા દેશોમાં 2011થી અત્યારસુધી ભારતનો એકપણ બેટ્સમેન ટોપ-10નો રન સ્કોરર નથી રહ્યો. આમાં ભારતની તરફથી વિરાટે સૌથી વધુ રન બનાવ્યા છે, પરંતુ ઓવરઑલ 15મા નંબર પર છે.

કોહલીએ છેલ્લાં 10 વર્ષમાં SENAમાં 33 ટેસ્ટમાં 2946 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને SENA દેશોમાં 58 ટેસ્ટમાં 4834 રન બનાવ્યા છે. તે આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે.

2011થી અત્યારસુધી SENAમાં ઓવરઑલ સૌથી વધુ સદી જો રૂટે લગાવી છે. તેણે 79 મેચમાં 6187 રન બનાવ્યા છે, જેમાં 13 સદી અને 38 અર્ધસદી સામેલ છે. બીજા નંબર પર ડેવિડ વોર્નર છે. તેણે 66 મેચમાં 6001 રન બનાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...