ભારત-શ્રીલંકા વન-ડે સિરીઝની બીજી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ ગઈ હતી. જેમાં શ્રીલંકાએ આપેલા 216 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 43.2 ઓવરમાં 6 વિકેટે પાર પાડી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ કેએલ રાહુલે શાનદાર એક છેડો સાચવી રાખીને 103 બોલમાં 64* રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 53 બોલમાં 36 રન કર્યા હતા. અક્ષર પટેલે 21 બોલમાં 21 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ ચમિકા કરુણારત્ને અને લાહિરુ કુમારાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે કસુન રજીથા અને ધનંજય ડિ સિલ્વાને 1-1 વિકેટ મળી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝ પોતાના નામે કરી હતી. 3 મેચની વન-ડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે. હવે સિરીઝની છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ રમાશે.
આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ...
પહેલી: કેપ્ટન રોહિત શર્મા 17 રને ચમિકા કરુણારત્નેની બોલિંગમાં કેચઆઉટ થયા હતા. વિકેટકીપર કુસલ મેન્ડિસે કેચ કર્યો હતો.
બીજી: શુભમન ગિલ પુલ શોટ મારવા જતા મિડ-વિકેટ પર કેચઆઉટ થયો હતો.
ત્રીજી: લાહિરુ કુમારાએ બીજી વિકેટ લેતાં વિરાટ કોહલી 4 રને બોલ્ડ થયા હતા.
ચોથી: શ્રેયસ અય્યર 28 રને રજીથાની બોલિંગમાં LBW આઉટ થયો હતો.
પાંચમી: હાર્દિક પંડ્યા 36 રન બનાવીને ચમિકા કરુણારત્નેની બોલિંગમાં કેચઆઉટ થયો હતો. તેનો કેચ વિકેટકીપર કુસલ મેન્ડિસે કર્યો હતો.
છઠ્ઠી: ધનંજય ડિ સિલ્વાએ અક્ષરને આઉટ કર્યો હતો. એકસ્ટ્રા કવર પરથી શોટ મારવા જતા લોંગ-ઑફ પર ઊભેલા કરુણારત્નેએ ડાઇવિંગ કેચ કર્યો હતો.
શ્રીલંકાની ઇનિંગ
શ્રીલંકાની ટીમ 39.4 ઓવરમાં 215 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમરાન મલિકને 2 અને અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી સૌથી વધુ ડેબ્યુટન્ટ નુવાનિદુ ફર્નાન્ડોએ 50 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસે 34 રન અને દુનિથ વેલ્લાગેએ 32 રન બનાવ્યા હતા.
આવી રીતે પડી શ્રીલંકાની વિકેટ...
પહેલી: મોહમ્મદ સિરાજનું શાનદાર ફોર્મ આજની વન-ડેમાં પણ જોવા મળ્યું હતું. તેણે અવિષ્કા ફર્નાન્જોને ક્લિન બોલ્ડ કર્યો હતો.
બીજી: કુલદીપ યાદવે 16.6 ઓવરે સેટ બેટર કુસલ મેન્ડિસને (34 રન) LBW આઉટ કર્યો હતો.
ત્રીજી: અક્ષર પટેલે 17.2 ઓવરે ધનંજય ડિ સિલ્વાને બોલ્ડ કર્યો હતો.
ચોથી: ફર્નાન્ડોએ મિડ-વિકેટ પર શોટ માર્યો હતો. ફર્નાન્ડો રન લેવા દોડ્યો હતો. જોકે શુભમને બોલને રોકી લીધો હતો. પણ નોન-સ્ટ્રાઇક એન્ડ પર ઊભેલા ચરિથ અસલંકાનું ધ્યાન જ નહોતું અને ફર્નાન્ડો પરત જવા લાગ્યો હતો. જોકે ગિલે ત્યારે થ્રો કરતાં ફર્નાન્ડો રનઆઉટ થયો હતો.
પાંચમી: કુલદીપ યાદવે બીજી સફળતા મેળવતા કેપ્ટન દાસુન શનાકાને બોલ્ડ કર્યો હતો.
છઠ્ઠી: કુલદીપે ત્રીજી સફળતા મેળવતા તેમે કૉટ એન્ડ બોલ કર્યો હતો અને અસલંકાને આઉટ કર્યો હતો.
સાતમી: ઉમરાને 145 કિમીની સ્પીડમાં બોલ નાખ્યો હતો. જેને હસરંગાએ શોટ મારવા ગયો હોત, પરંતુ બેકવર્ડ પોઇન્ટ પર ઊભેલા અક્ષર પટેલે કેચ પકડી લીધો હતો અને ઉમરાન મલિકે પહેલી વિકેટ લીધી હતી.
આઠમી: ઉમરાન મલિકે બીજી વિકેટ લેતા ચમિકા કરુણારત્નેને આઉટ કર્યો હતો. તેનો કેચ ફરી બેકવર્ડ પોઇન્ટ પર અક્ષરે ડાઇવ મારીને કર્યો હતો.
નવમી: સિરાજે સેટ થઈ ગયેલા વેલ્લાગેને આઉટ કર્યો હતો. અક્ષર પટેલે ત્રીજીવાર બેકવર્ડ પોઇન્ટ પર કેચ કર્યો હતો.
દસમી: સિરાજે ત્રીજી વિકેટ ઝડપતાં લાહિરુ કુમારાને બોલ્ડ કર્યો હતો.
મેચના ફોટોઝ...
ટીમ ઈન્ડિયાએ ફેરફાર કર્યો
ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ ચાઇનામેન બોલર કુલદીપ યાદવને સ્થાન મળ્યું છે. ચહલને ખભામાં ઈજા પહોંચતા તેની જગ્યાએ કુલદીપને તક મળી છે. શ્રીલંકાની ટીમે પણ પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. ઓપનર પથુમ નિસાંકાની જગ્યાએ નુવાનિદુ ફર્નાન્ડો અને દિલશાન મદુશંકાની જગ્યાએ લાહીરુ કુમારાને લેવામાં આવ્યા છે.
જુઓ બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.
શ્રીલંકા: દાસુન શનાકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, ધનંજય ડિ સિલ્વા, નુવાનિદુ ફર્નાન્ડો, ચરિથ અસલંકા, વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલ્લાગે, કસુન રજીથા અને લાહીરુ કુમારા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.