ટી. નટરાજને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું અને ઘણા ઓછા સમયમાં શાનદાર પ્રદર્શન કરીને ફેન્સ અને ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા. ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ તે તમિલનાડુના પલાની મુરુગન મંદિર ગયો હતો અને ત્યાં જઈને તેણે પોતાના વાળ સમર્પિત કર્યા. તેણે પોતાનો મુંડન વાળો ફોટો શેર કરતાં લખ્યું, સૌભાગ્યશાળી અનુભવી રહ્યો છું.
ટી. નટરાજને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં ડેબ્યુ કર્યું. એક વનડેમાં 2 વિકેટ લીધી. 3 T-20 મેચની શ્રેણીમાં 6 વિકેટ લીધી. તે પછી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમીની ગેરહાજરીમાં બ્રિસ્બેન ખાતેની અંતિમ ટેસ્ટમાં 4 વિકેટ લીધી.
ભારત પરત ફર્યા બાદ નટરાજને કહ્યું કે, તેને લાગતું નહોતું કે તેને પ્લેઇંગ-11માં જગ્યા મળશે. તે ઇન્ડિયા વતી રમીને બહુ જ ખુશ છે. નટરાજન IPL રમી રહ્યો હતો ત્યારે તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે, નટરાજન IPL પતાવીને દુબઇથી સીધો ઓસ્ટ્રેલિયા ગયો હતો. તે 4 મહિનાથી વધુ સમય દીકરીને જોઈ શક્યો નહોતો. તેણે કહ્યું કે, દીકરીના જન્મથી વધુ ખુશી તેને દેશ માટે રમીને મળી હતી. તમે મહેનત કરો તો તમને તેનું પરિણામ જરૂર મળે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.