શનિવારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રન હરાવીને સિરીઝ 2-1થી જીતી લીધી હતી. આ સિરીઝની છેલ્લી મેચમાં 10 રેકોર્ડ્સ બન્યા હતા. જેમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ભારત સામે સૌથી વધુ રેકોર્ડ બનાવનાર ખેલાડી બની ગયો છે. તો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ભારતનો જોઇન્ટ હાઇએસ્ટ વિકેટટેકર બની ગયો છે. તો સૂર્યાએ તો ગજબના રેકોર્ડ્સ તોડ્યા અને બનાવ્યા છે. આપણે એવા 10 રેકોર્ડ્સ વિશે જાણીશું.
1. સૌથી પહેલા યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ત્રીજી મેચમાં 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ T20 ઈન્ટરનેશનલમાં તેણે 90 વિકેટ ઝડપી હતી. તેણે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ભુવનેશ્વર કુમારની બરાબરી કરી લીધી હતી. ચહલે 74 મેચમાં 90 વિકેટ લીધી છે. ભુવીએ 87 T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત માટે 90 વિકેટ ઝડપી છે. આ બન્ને બોલર્સ પછી રવિચંદ્રન અશ્વિને 65 મેચમાં 72 વિકેટ લીધી છે. ચહલે 3 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
2. શનાકા ભારત સામે સિક્સર કિંગ બન્યો
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ સિરીઝની ત્રણેય મેચમાં જોરદાર બેટિંગ કરી હતી. છેલ્લી મેચમાં તેણે 17 બોલમાં 2 છગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. બીજી સિક્સ મારતાની સાથે જ તેણે T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત સામેની 22 મેચોમાં 29 સિક્સર પૂરી કરી હતી. તે ભારત સામે સૌથી વધુ T20 સિક્સર ફટકારનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે.
શનાકા પછી વેસ્ટઈન્ડિઝના એવિન લુઈસે 9 મેચમાં અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે 19 મેચમાં 28-28 સિક્સર ફટકારી છે. વેસ્ટઈન્ડિઝના કાઇરન પોલાર્ડે ભારત સામે 17 T20માં 27 સિક્સર ફટકારી છે.
3. શ્રીલંકા સામે બીજી સૌથી મોટી જીત
ભારતે શ્રીલંકાને 91 રને હરાવ્યું હતું. શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની આ બીજી સૌથી મોટી જીત છે. આપણે અગાઉ 20 ડિસેમ્બર 2017ના રોજ શ્રીલંકા સામે 93 રનથી મેચ જીતી હતી. ભારતની એકંદરે સૌથી મોટી જીત આયર્લેન્ડ સામે આવી હતી. ટીમે આયર્લેન્ડને જૂન 2018માં 143 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને સૌથી મોટા અંતરથી હરાવ્યું છે. ઓક્ટોબર 2019માં કાંગારૂઓએ તેમને 134 રનથી હરાવ્યું હતું.
4. ભારત સતત 12 ઘરઆંગણે T20 સિરીઝમાં અજેય છે
ભારતે શ્રીલંકા સામે ઘરઆંગણે સતત 5મી T20 ઈન્ટરનેશનલ સિરીઝ જીતી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે છેલ્લી 12 T20 સિરીઝથી અજેય છે. આ દરમિયાન ટીમે 10 સિરીઝ જીતી અને 2 ડ્રો કરી છે. ભારત છેલ્લે ફેબ્રુઆરી 2019માં ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝમાં 2-0થી હરાવ્યું હતું.
ભારત દેશ અને વિદેશમાં છેલ્લી 11 સિરીઝ માટે અજેય છે. તેમાંથી આપણે 10 જીત્યા અને એક ડ્રો રહી છે. ટીમને છેલ્લે જુલાઈ 2021માં શ્રીલંકાએ 2-1થી હરાવ્યું હતું. આ સિરીઝ શ્રીલંકામાં રમાઈ હતી અને ટીમે પોતાની B ટીમ ઉતારી હતી. આમ ભારતે છેલ્લી 20 T20 સિરીઝમાંથી 17 જીતી છે, 2 ડ્રો કરી છે અને માત્ર એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.
5. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં સતત ત્રીજી સિરીઝ જીતી
આ જીત સાથે ભારતે સતત 7મી T20 ઈન્ટરનેશનલ સિરીઝ જીતી લીધી છે. જૂન 2022માં ભારતે છેલ્લે સાઉથ આફ્રિકા સામે 2-2થી T20 સિરીઝ ડ્રો કરી હતી. અગાઉ 2017-18 અને 2019-21 દરમિયાન ભારતે સતત 6 T20 સિરીઝ જીતી હતી. આ રેકોર્ડમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ટીમ 2 સિરીઝ જીતી હતી.
હાર્દિકની કેપ્ટનશિપમાં ભારતે સતત ત્રીજી T20 સિરીઝ જીતી હતી. હાર્દિકે જૂન 2022માં આયર્લેન્ડ સામેની 3 T20 સિરીઝમાં પહેલીવાર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી હતી. આપણે તે સિરીઝ 3-0થી જીતી લીધી હતી. આ પછી હાર્દિકે T20 વર્લ્ડ કપ પછી ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ કેપ્ટનશિપ પણ કરી હતી. આપણે આ સિરીઝ 1-0થી જીતી લીધી છે. આ પછી હાર્દિકે શ્રીલંકા સામેની 3 મેચની સિરીઝમાં પણ કેપ્ટનશીપ કરી છે. આ સિરીઝ ટીમ 2-1થી જીતી છે.
6. 19મી T20માં શ્રીલંકાને હરાવ્યું
છેલ્લી મેચમાં જીત સાથે, ભારતે 19મી વખત શ્રીલંકાને T20માં હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ જીતનો રેકોર્ડ બનાવ્યો છે. આમાં આપણે 9 મેચ હારી ગયા અને એક મેચ અનિર્ણિત રહી છે. ભારત પછી ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 18 T20માં હરાવ્યું છે. તો પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 18 મેચમાં હરાવ્યું છે. આ પછી ભારતે વેસ્ટઈન્ડિઝને 17 વખત હરાવ્યું છે.
7. અક્ષરે બેટિંગમાં એક રેકોર્ડ બનાવ્યો
ભારત માટે નંબર-6 અથવા નીચે બેટિંગ કરતા અક્ષર પટેલે સિરીઝની 3 મેચમાં 117 રન બનાવ્યા હતા. તેણે વેંકટેશ અય્યર અને દિનેશ કાર્તિકનો રેકોર્ડ તોડ્યો હતો. અય્યરે વેસ્ટઈન્ડિઝ સામે 92 અને દિનેશ કાર્તિકે સાઉથ આફ્રિકા સામે નંબર-6 અથવા તેનાથી નીચેના સ્થાને બેટિંગ કરતા રન બનાવ્યા હતા.
8. સૂર્યાની ત્રીજી T20 સદીએ ઘણા રેકોર્ડ તોડ્યા
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર સૂર્યકુમાર યાદવે 45 બોલમાં સદી પૂરી કર્યા પછી ઇનિંગના અંતે 51 બોલમાં 112 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 219.61 હતો. જુલાઈ 2022માં ઇંગ્લેન્ડ સામે પહેલી સદી ફટકાર્યા પછી તેણે 6 મહિનામાં ત્રીજી સદી ફટકારી હતી. આટલા ઓછા સમયમાં ત્રણ T20 ઈન્ટરનેશનલ સદી ફટકારનાર તે વર્લ્ડનો પહેલો બેટર બની ગયો છે.
200થી વધુના સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ સૂર્યાના નામે છે. તેની પહેલાં ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમ અને વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેલ સહિત 4 ખેલાડીઓ 2-2 વખત આવા સ્ટ્રાઈક રેટથી સદી ફટકારી ચૂક્યા છે.
સૂર્યા 200થી વધુના સ્ટ્રાઈક રેટ પર સૌથી વધુ 50+ સ્કોર કરવામાં પણ ટોચ પર છે. તેણે 8 વખત આવું પરાક્રમ કર્યું છે. તેના પછી ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને વેસ્ટઈન્ડિઝના એવિન લુઈસે 6-6 વખત આવું પરાક્રમ કર્યું છે.
સૂર્યાની ત્રણેય સદી ઓપનિંગ પોઝિશનથી નીચે બેટિંગ કરતી વખતે આવી હતી. આ મામલામાં તેણે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ, સાઉથ આફ્રિકાના ડેવિડ મિલર સહિત 6 ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.
સૂર્યાએ પોતાની સદીની ઇનિંગ્સમાં 7 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. એક ઇનિંગમાં ભારતીયે સૌથી વધુ સિક્સ ફટકારવામાં તે રોહિત શર્મા પછી બીજા ક્રમે છે. રોહિતે 2017માં શ્રીલંકા સામે 10 સિક્સર ફટકારી હતી.
9. સૂર્યાના 1500 T20 ઈન્ટરનેશનલ રન પૂરા
સૂર્યકુમાર યાદવે 112 રનની શાનદાર ઇનિંગ સાથે T20 ઈન્ટરનેશનલ કરિયરમાં 1500 રન પૂરા કર્યા હતા. તેણે 843 બોલમાં આટલા રન બનાવ્યા જે સૌથી ઝડપી છે. તેણે 45મી મેચની 43મી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો છે. ભારત માટે T20માં માત્ર કેએલ રાહુલ અને વિરાટ કોહલી જ તેના કરતાં વધુ ઝડપી 1500 રન બનાવી શક્યા હતા. વિરાટ અને રાહુલે 39-39 ઇનિંગ્સમાં 1500 રન બનાવ્યા હતા. ICCની T20 રેન્કિંગમાં નંબર-1 પર રહેલા સૂર્યકુમારે ભારત માટે 45 મેચમાં 1578 રન બનાવ્યા છે.
10. 10મી વખત પ્લેયર ઑફ ધ મેચ
સૂર્યકુમાર યાદવને 112 રનની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 45 મેચમાં આ તેનો 10મો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારત માટે તેમના કરતાં વધુ પ્લેયર ઑફ ધ મેચ જીત્યા છે. રોહિતે 12 વખત અને વિરાટે 15 વખત આ એવોર્ડ જીત્યો હતો. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.