રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે ભારતે મોહાલીમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં શ્રીલંકાને એક ઇનિંગ અને 222 રને હરાવી દીધું છે. આની સાથે જ ભારતીય ટીમે બે ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની અજેય લીડ પણ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકાને ફોલોઓન રમવાની ફરજ પડી હતી, તે દરમિયાન ટીમ બીજા દાવમાં 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જ્યારે ભારતે પહેલા બેટિંગ કરતા ટોસ જીતીને 574/8નો સ્કોર કર્યો (ઘોષિત) હતો. જેના જવાબમાં શ્રીલંકાની પ્રથમ ઈનિંગ 174 રનમાં સમેટાઈ ગઈ હતી.
પહેલી ઈનિંગમાં પથુમ નિસાંકા 61 રન કરીને અણનમ રહ્યો હતો. જ્યારે ભારત તરફથી સર રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લઈ શ્રીલંકન બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી છે. તે જ સમયે આર અશ્વિન અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ લીધી છે.
મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહી ક્લિક કરો....
અશ્વિને કપિલનો રેકોર્ડ તોડ્યો
સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિન ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. મોહાલી ટેસ્ટની બીજી ઈનિંગમાં ચરિથ અસલંકાની (9) વિકેટ લઈને અશ્વિને આ રેકોર્ડ બનાવતાની સાથે જ કપિલ દેવ (434)નો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જોકે હજુ સુધી ભારતીય ટીમ માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલે (619)ના નામે છે.
મહત્ત્વપૂર્ણ અપડેટ્સ
100મી ટેસ્ટમાં કોહલીને ગાર્ડ ઓફ ઓનર મળ્યું
મોહાલીમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચ કોહલી માટે ખાસ છે. કારણ કે વિરાટ અહીં પોતાની ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તેવામાં પહેલી ઈનિંગમાં 45 રનમાં આઉટ થયા પછી ફિલ્ડિંગ કરવા વિરાટ ઉતર્યો ત્યારે ઈન્ડિયન ટીમના ખેલાડીએ તેને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કર્યો છે.
સર જાડેજાની તોફાની બેટિંગ
રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 228 બોલમાં અણનમ 175 રન કર્યા છે. આની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. એટલું જ નહીં આ મેચમાં જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર સિક્સર ફટકારીને 150 રનનો આંકડો પૂરો કર્યો હતો.
તમને જણાવી દઈએ કે આ જાડેજાની ટેસ્ટ કારકિર્દીની બીજી જ સદી છે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની 11મી સદી છે. આની પહેલા સર જાડેજાએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 100 રન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ મેચમાં પણ જાડેજાએ પોતાની શૈલીમાં તલવાર ચલાવીને સદીની ઉજવણી કરી હતી. જોકે આ દરમિયાન મોહમ્મદ સિરાજ પણ આ સેલિબ્રેશનની ઉજવણી કરતો જોવા મળ્યો હતો.
પહેલી ટેસ્ટમાં ભારતની ટીમ- રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ
પહેલી ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ- દિમુથ કરુણારત્ને, લાહિરુ થિરિમાને, પથુમ નિસાન્કા, ચરિત અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો, લસિથ એમ્બુલ્ડેનિયા અને લાહિરુ કુમારા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.