ક્રિકેટ સામે ઓમિક્રોનનું સંકટ:ભારત-દ.આફ્રિકાની પહેલી ટેસ્ટમાં દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ, 26મીથી સેન્ચુરિયનમાં મેચ રમાશે

એક મહિનો પહેલા
  • ઈન્ડિયન ટીમ દ.આફ્રિકા જતા પહેલા મુંબઈમાં ક્વોરન્ટીન હતી

ઈન્ડિયન ટીમ દક્ષિણ આફ્રિકા ટૂર પર છે. ત્યાં તેને 3 ટેસ્ટ અને 3 વનડે મેચની સિરીઝ રમવાની છે. જેની પહેલી ટેસ્ટ મેચ 26થી 30 ડિસેમ્બર વચ્ચે સેન્ચુરિયનમાં રમાશે. આ દરમિયાન સુપર સ્પોર્ટ પાર્કમાં આયોજિત પહેલી મેચને જોવા માટે એકપણ દર્શકને પ્રવેશ અપાશે નહીં.

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના વધતા જતા કેસને જોતા ત્યાંના ક્રિકેટ બોર્ડે પહેલી ટેસ્ટ મેચને જોવા માટે એકપણ ટિકિટ ન વેચવાનો નિર્ણય લીધો છે. નવી કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે સરકારે 2 હજાર લોકોના પ્રવેશની અનુમતિ આપી છે, પરંતુ દક્ષિણ આફ્રિકા બોર્ડે દર્શકો વગર જ પહેલી ટેસ્ટ મેચનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જોકે સ્ટેડિયમમાં એસોસિએશન અને લોકલ અધિકારીને પ્રવેશની અનુમતિ અપાઈ છે.

બીજી ટેસ્ટ મુદ્દે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી
વોન્ડરર્સમાં 3થી 7 જાન્યુઆરી વચ્ચે આયોજિત બીજી ટેસ્ટમાં દર્શકોને પ્રવેશ આપવા મુદ્દે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. ટિકિટ્સ માટે વેચાણની વ્યવસ્થા પણ કરાઈ નથી. સ્ટેડિયમના અધિકારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આ અંગે હજુ અમે નિર્ણય લીધો નથી, ટૂંક સમયમાં સ્થિતિના આધારે આની જાણકારી આપીશું.

ઈન્ડિયન ટીમ દ.આફ્રિકા જતા પહેલા મુંબઈમાં ક્વોરન્ટીન હતી
દક્ષિણ આફ્રિકા જતા પહેલા ઈન્ડિયન ટીમ 3 દિવસ મુંબઈમાં ક્વોરન્ટીન હતી. વળી દક્ષિણ આફ્રિકા પહોંચતા જ ઈન્ડિયન ટીમ 1 દિવસ ક્વોરન્ટીન રહી હતી. આ દરમિયાન તેમના 3 કોવિડ ટેસ્ટ પણ થયા હતા, જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ સ્થાનિક ગાઈડલાઈન પ્રમાણે પ્લેયર્સને થોડીઘણી છૂટછાટ અપાઈ છે.

ઈન્ડિયન ટીમે ટ્રેનિંગ શરૂ કરી
17 ડિસેમ્બરે ઈન્ડિયન ટીમ દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ હતી અને એક દિવસ ક્વોરન્ટીન રહ્યા પછી ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. BCCIએ ટીમની ટ્રેનિંગ દરમિયાન સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો પણ શેર કર્યો છે.

મેચનું શિડ્યૂલ

  • પહેલી ટેસ્ટઃ 26થી 30 ડિસેમ્બર, 2021 (સેન્ચુરિયન)
  • બીજી ટેસ્ટઃ 3થી 7 ડિસેમ્બર, 2022 (જોહાનિસબર્ગ)
  • ત્રીજી ટેસ્ટઃ 11થી 15 ડિસેમ્બર, 2022 (કેપ ટાઉન)

વનડે સિરીઝ

  • પહેલી વનડેઃ 19 જાન્યુઆરી, 2022 (પાર્લ)
  • બીજી વનડેઃ 21 જાન્યુઆરી, 2022 (પાર્લ)
  • ત્રીજી વનડેઃ 23 જાન્યુઆરી, 2022 (કેપ ટાઉન)
અન્ય સમાચારો પણ છે...