ટીમ ઈન્ડિયાના ફેન્સને બે દિવસમાં બે સારા સમાચાર મળ્યા છે. ન્યૂઝીલેન્ડની સામે 3-0થી ક્લિન સ્વિપ કરીને ટીમ ઈન્ડિયા વન-ડેમાં નંબર-1 ટીમ બની ગઈ છે. તો આજે ICCએ જાહેર કરેલી વન-ડે રેન્કિંગ્સમાં મોહમ્મદ સિરાજ નંબર-1 બોલર બની ગયો છે. સિરાજ 729 પોઇન્ટ્સ સાથે પહેલા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ (727 પોઇન્ટ્સ) બીજા સ્થાને અને ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ (708 પોઇન્ટ્સ) ત્રીજા સ્થાને છે.
બેટિંગમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલ હવે વન-ડેમાં સૌથી ઉંચી રેન્કિંગ ધરાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. છેલ્લા 4 વન-ડેમાં 3 સદી ફટકારનાર ગિલ હવે 734 પોઇન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને આવી ગયો છે. તેણે 20 સ્થાનની છલાંગ લગાવી હતી. તો વિરાટ કોહલી 727 પોઇન્ટ્સની સાથે સાતમા નંબરે અને કેપ્ટન રોહિત શર્મા 719 પોઇન્ટ્સની સાથે નવમા નંબરે છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 887 પોઇન્ટ્સની સાથે પહેલા સ્થાને છે.
ન્યૂઝીલેન્ડની સામે સિરાજ-ગિલનું પ્રદર્શન
ન્યૂઝીલેન્ડની સામે 3 મેચની વન-ડે સિરીઝમાં શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 180ની એવરેજથી 360 રન બનાવ્યા હતા. તે સિરીઝમાં ભારતનો ટૉપ સ્કોરર રહ્યો અને તે પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો. ગિલે આ સિરીઝમાં 2 સદી ફટકારી હતી. મોહમ્મદ સિરાજે 2 મેચમાં 3.50ની ઇકોનોમી સાથે 3 વિકેટ ઝડપી હતી.
ICC મેન્સ વન-ડે ટીમ ઑફ ધ યરમાં સિરાજ સામેલ
મોહમ્મદ સિરાજને ICCની 2022માં વન-ડે ટીમ ઑફ ધ યરમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટીમમાં તેની ઉપરાંત શ્રેયસ અય્યર પણ સામેલ છે. ICCએ મંગળવારે ટીમની જાહેરાત કરી હતી. મેન્સ ટીમમાં બે અને વુમન્સ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીઓને જગ્યા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.