ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને એક મોટો ફટકો પડ્યો હતો. અમદાવાદ ટેસ્ટ મેચના ચોથા દિવસે મિડલ ઑર્ડર બેટર શ્રેયસ અય્યરે કમરની નીચેના ભાગે દુખાવાની ફરિયાદ કરી હતી. જેના કારણે તે બેટિંગમાં નહોતો આવ્યો. જેના કારણે હવે તે 17 માર્ચથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાંથી પણ બહાર થઈ શકે છે. તેની જગ્યાએ સંજુ સેમસનને લેવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડે મુંબઈમાં 17 માર્ચથી શરૂ થશે.
અય્યરે કમરના નીચેના ભાગે દુખાવાની ફરિયાદ કરી
આની પહેલા શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વન-ડે સિરીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ પણ રમી નહોતો શક્યો. BCCIના એક મેડિકલ અપડેટમાં જણાવ્યું હતું કે શ્રેયસ અય્યરે ત્રીજા દિવસની રમત પછી પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેને સ્કેન માટે લઈ જવાયો હતો. હાલ BCCIની મેડિકલ ટીમ તેની ઉપર નજર રાખી રહી છે.
સેમસને નવેમ્બર 2022માં રમી હતી છેલ્લી વન-ડે
સંજુ સેમસને ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વન-ડે મેચ નવેમ્બર 2022માં ન્યૂઝીલેન્ડ પ્રવાસ વખતે રમી હતી. તેણે છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ જાન્યુઆરીમાં શ્રીલંકા સામે મુંબઈમાં રમાયેલી મેચ રમી હતી. જ્યાં તેને ફિલ્ડિંગ વખતે પગમાં ઈજા પહોંચી હતી. સેમસન હવે ઠીક થઈને ગ્રાઉન્ડમાં પરત ફરવા માટે તૈયાર છે. આ જ કારણ છે કે તેને વન-ડે ટીમમાં ઓસ્ટ્રેલિયા સામે સામેલ કરવામાં આવી શકે છે.
ઓસ્ટ્રેલિયાની સામે 3 વન-ડે મેચ રમશે ભારત
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 17 માર્ચ, 19 માર્ચ અને 22 માર્ચે 3 વન-ડે મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડે મુંબઈ, બીજી વાઇઝેગ (વિશાખાપટ્ટનમ) અને ત્રીજી મેચ ચેન્નાઈમાં રમાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.