જસપ્રીત બુમરાહ વર્તમાન સમયમાં ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વપૂર્ણ મેચ વિનિંગ બોલર માનવામાં આવે છે. આ IPL સીઝનના શરુઆતની મેચોમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ ન હતું. 10 મેચોમાં તે માત્ર 5 વિકેટ જ લઈ શક્યો. પરિણામ એ આવ્યું કે 5 વખતની IPL ટાઈટલ વિનર MI ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ. સવાલોથી ઘેરાયેલા આ ખેલાડીએ જવાબ બોલીને નહીં પણ પ્રદર્શન કરીને આપ્યો.
IPL 15ની 56મી મેચમાં બુમરાહે કોલકાતા વિરુદ્ધ માત્ર 10 રન આપીને 5 વિકેટ ખેરવી. આ તેના ટી-20 કરિયરનું બેસ્ટ પર્ફોર્મન્સ છે. નાની ઉંમરમાં પિતાના મોત બાદ બુમરાહે જીવનની તમામ મુશ્કેલીઓને હરાવીને મજબૂત કમબેક કર્યું છે.
એક જોડી જૂતા અને ટી-શર્ટથી સફર શરુ થઈ હતી
જ્યારે જસપ્રીત 5 વર્ષનો હતો, ત્યારે તેના પિતાનું મોત થયુ હતું. જસપ્રીતે જણાવ્યું કે પિતાને ગુમાવ્યા પછી તે તૂટી ગયો હતો. તેની પાસે એક જોડી જૂતાં અને એક જોડી ટી શર્ટ હતી. તે દરરોજ તેને ધોઈ-ધોઈને પહેરતો હતો. જીવનમાં ઘણો સંઘર્ષ હતો પણ બુમરાહે હાર ન માની. બુમરાહે 14 વર્ષની ઉંમરમાં જ ક્રિકેટમાં પોતાની કરિયર બનાવવાનો નિર્ણય લઈ લીધો હતો.
ફ્લોર સ્કર્ટિંગ પર બોલિંગ કરી શીખ્યો યોર્કર
બુમરાહને હંમેશા સૌથી ફાસ્ટ બોલીંગ પસંદ હતી. તે દરેક મિત્રોની સામે મેચમાં ફાસ્ટ બોલિંગ કરતો હતો. સતત ઘોંઘાટ થવાથી બુમરાહની માતાએ તેને ગલીમાં ક્રિકેટ રમવાની ના પાડી. તે જસપ્રીતના કરિયર અંગે ચિંતિત હતા. એવામાં બુમરાહે ફ્લોર સ્કર્ટિંગ પર બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
ફ્લોર સ્કર્ટિંગ પર બોલિંગ કરતા-કરતા બુમરાહે યોર્કર ફેંકવાની કળા હાંસલ કરી લીધી. માતાએ હવે દીકરાનું હુનર ઓળખી લીધુ હતુ અને તેમને વિશ્વાસ બેસી ગયો કે દીકરો આગળ જઈને આ ફિલ્ડમાં ખૂબ જ નામ કમાશે. તેની માતા પ્રાઈમરી સ્કૂલમાં શિક્ષક હતા. પ્રેક્ટિસ સેશનમાં સામેલ થવા માટે બુમરાહ વહેલી સવારે ઘરેથી નીકળી જતો. ત્યાર બાદ સ્કૂલ જતો અને ફરી સાંજે ટ્રેનિંગ કરતો હતો.
MRF પેસ ફાઉન્ડેશનમાં મળી પોતાની નેચરલ એક્શનથી બોલિંગ કરવાની છૂટ
જોતા-જોતા ગલી ક્રિકેટનો એક બોલર ગુજરાત ક્રિકેટ એસોસિએશનના કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યો. હવે તે સફળતાની નવી સીડી ચઢવા જઈ રહ્યો હતો. ટૂંક સમયમાં તેનું સિલેક્શન MRF પેસ ફાઉન્ડેશનમાં થઈ ગયું. જ્યાં તેણે બોલિંગના કારણે ખૂબ પ્રશંસા મેળવી. ખાસ વાત એ રહી કે પોતાની એક્શનને લઈને ચર્ચાઓમાં રહેનારા બુમરાહને MRF પેસ ફાઉન્ડેશનમાં કોઈએ ન ટોક્યો.
તે જેવી બોલિંગ કરવા માગતો હતો તેને એવી છૂટ આપવામાં આવી. અત્યાર સુધી તે ગુજરાત અંડર 19 ટીમ તરફથી સૌરાષ્ટ્ર વિરુદ્ધ રમવા માટે સિલેક્ટ થઈ ચૂક્યો હતો. આ મેચમાં બેટિંગ માટે અનુકુળ પીચ પર બુમરાહે 7 વિકેટ ખેરવી. મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેયર્સની શોધખોળ ચાલી રહી હતી. ભારતીય ટીમને 2003 વર્લ્ડકપની ફાઈનલ સુધી પહોંચાડનારા કોચ જોન રાઈટે બુમરાહના 7 વિકેટ લીધા બાદ તેને MIમાં સામેલ કર્યો હતો. ત્યારથી બુમરાહનું જીવન સંપૂર્ણરીતે બદલાઈ ગયુ.
2013માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો બુમરાહ
વર્ષ 2013માં જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો. આ તેના કરિયર માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. ત્યાં તેને વિદેશ બોલરો વચ્ચે બોલિંગની ટિપ્સ શીખવા મળી. સાથે જ સચિન તેડુંલકર જેવા મહાન ખેલાડીનું માર્ગદર્શન પણ મળ્યું. બેંગ્લોર વિરુદ્ધ તેને મેચમાં તક મળી તો તેણે સારુ પ્રદર્શન કરીને બતાવ્યું.
બુમરાહની માતાએ ઘર ચલાવવા ઘણો સંઘર્ષ કર્યો હતો. જ્યારે તેમણે પહેલીવાર પોતાના દીકરાને IPLમાં રમતો જોયો તો તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. પોતાના IPL ડેબ્યૂ પર બુમરાહે વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. આ મેચમાં તેણે 2 વિકેટ ખેરવી હતી. પોતાની સાઈડ આર્મ એક્શન માટે બુમરાહને એક આગવી ઓળખ મળી. ચારે બાજૂથી પ્રશંસા થવા મળી, એટલું જ નહીં અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કરી વખાણ કર્યા હતા.
ત્યાર બાદ નેક્સ્ટ ગેમમાં બેટરોએ તેની ઓવરમાં ખૂબ રન માર્યા. પછી મલિંગાએ બુમરાહને પોતાની બોલિંગમાં વેરિએશન લાવવાનું કહ્યું. મલિંગાની ટેક્નિકને બુમરાહે પોતાની એક્શનમાં ઉતારી. ત્યાર બાદ જોત-જોતામાં બુમરાહ મુંબઈનો સૌથી મહત્વપૂર્ણ બોલર બનતો ગયો.
KKR વિરુદ્ધ 18મી ઓવર લાંબા સમય સુધી નહીં ભૂલે ફેન્સ
બુમરાહે ઈનિંગની 18મી ઓવરમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેને ક્રિકેટ ફેન્સ લાંબા સમય સુધી યાદ રાખશે. બુમરાહે આ ઓવરમાં ત્રણ વિકેટ લીધી અને એક પણ રન ન આપ્યો. આ વિકેટ મેડન ઓવર રહી. બુમરાહે ઓવરના પહેલા બોલ પર શેલ્ડન જેક્શનને 5 રને ડીપ સ્ક્વેર લેગ પર ડેનિયલ સેમ્સના હાથે કેચ આઉટ કરાવ્યો.
પછી ત્રીજા બોલ પર બુમરાહે પેટ કમિન્સને મિડવિકેટ પર તિલક વર્માના હાથે કેચ આઉટ કરાવ્યો. આગળના બોલે સુનિલ નરેનને કેચ એન્ડ બોલ્ડ કર્યો. આ મેચમાં જસપ્રીતે પોતાની ટી-20 કરિયરનું બેસ્ટ પર્ફોર્મન્સ કરતા માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
2016માં મળી દેશ તરફથી રમવા માટેની તક
જાન્યુઆરી 2016માં ઓસ્ટ્રેલિયા પ્રવાસે ભારત વનડે સિરીઝ ગુમાવી ચુક્યું હતું. ક્લીન સ્વીપથી બચવા માટે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરી હતી. આ જ મેચમાં બુમરાહને વન-ડે ડેબ્યૂ કરવાની તક મળી. તેણે પોતાની પહેલી વિકેટ જ સ્ટીવ સ્મિથની લીધી. ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી અને બુમરાહે 2 વિકેટ ઝડપી. ત્યાર બાદ 3 દિવસ બાદ બુમરાહે પોતાની પહેલી ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી.
આ વખતે જસપ્રીતે 3 વિકેટ ઝડપતા ઈન્ડિયાને શાનદાર જીત અપાવી. 2017માં સાઉથ આફ્રિકા પ્રવાસ પર બુમરાહે ટેસ્ટ ડેબ્યૂ કર્યું. આ જ વર્ષે તે ટી-20 ઈન્ટરનેશનલમાં નંબર વન બોલર બન્યો. હવે બુમરાહ ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર બનવાની સફર પર નીકળી ચૂક્યો હતો. થોડા જ સમયમાં બુમરાહ ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો. આવનારા ટી-20 વર્લ્ડકપમાં ફેન્સને તેની પાસેથી ઘણી આશાઓ રહેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.