NZના નિર્ણયથી PAKમાં હોબાળો!:પાકિસ્તાની હોમ મિનિસ્ટરે કહ્યું- ન્યૂઝીલેન્ડની ટીમને હોટલ બહાર હુમલાનો ડર હતો, ઇંગ્લેન્ડે કહ્યું- અમે મધ્યસ્થી નહીં કરીએ

એક મહિનો પહેલા
શોએબ અખ્તરે કહ્યું- ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન ક્રિકેટની હત્યા કરી નાખી
  • PAK ફેન્સે BCCIનું ષડયંત્ર હોવાનો ઉલ્લેખ કર્યો
  • ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ રદ થતાં પાકિસ્તાનને રૂ.200 કરોડથી વધુનું નુકસાન થઈ શકે છે

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે સુરક્ષાના પ્રશ્નો ઉદ્ભવતાં પાકિસ્તાન પ્રવાસ રદ કરી દીધો છે. જોકે ન્યૂઝીલેન્ડના અચાનક આવા નિર્ણયને પગલે પાકિસ્તાની ફેન્સ નારાજ થઈ ગયા છે. એવામાં કિવી ટીમે પણ રમવાની ના પાડી દીધા પછી ક્રિકેટ-નિષ્ણાતોએ આ મુદ્દે પોતપોતાના મત આપી ગુસ્સો ઠાલવ્યો હતો. તેવામાં પાકિસ્તાની હોમ મિનિસ્ટર શેખ રાશીદે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જાણકારી આપી હતી. રશીદના જણાવ્યા અનુસાર ન્યૂઝીલેન્ડને ડર હતો કે મેચ માટે હોટલ બહાર આવતાની સાથે જ તેમની ટીમ પર હુમલો થઈ શકે છે.

રશિદના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ સિરીઝનું આયોજન કરવા પ્રયત્નો કર્યા હતા અને ન્યૂઝીલેન્ડના PM સાથે પણ ખાનગીમાં વાત કરી હતી, પરંતુ આનો કોઇ ઉપાય બહાર ન આવતાં કિવી ટીમે પ્રવાસ રદ કરી દીધો છે.

શુક્રવારે સવારે શું થયું હતું?
પાકિસ્તાનમાં દરેક લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે ન્યૂઝીલેન્ડે કયા સિક્યોરિટી અલર્ટ અથવા જોખમના આધારે આખો પ્રવાસ જ રદ કર્યો? આ મુદ્દે રાશીદે કહ્યું- શુક્રવારે સવારે ન્યૂઝીલેન્ડ ટીમના સિક્યોરિટી ઈન્ચાર્જે અમારી સાથે સંપર્ક સાધીને તેમની ટીમ આ મેચ રમવા માટે બહાર નહીં આવે એવી જાણકારી આપી હતી. અમે તેમને આની પાછળનું કારણ પણ પૂછ્યું હતું, ત્યારે ન્યૂઝીલેન્ડે સીક્રેટ સિક્યોરિટી અલર્ટ મળ્યું હોવાની માહિતી આપી હતી. પાકિસ્તાને ઘણા પ્રયાસ કર્યા પરંતુ ન્યૂઝીલેન્ડ તૈયાર ન થયું ત્યારે તાઝિકિસ્તાનમાં હાજર વડાપ્રધાન ઇમરાન ખાનને આ અંગે સૂચિત કરાયા હતા.

શોએબ અખ્તરે કહ્યું- ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન ક્રિકેટની હત્યા કરી નાખી
કિવી ટીમે પણ રમવાની ના પાડી દીધા પછી ક્રિકેટ-નિષ્ણાતોએ આ મુદ્દે પોતપોતાના મત આપી ગુસ્સો ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2009માં શ્રીલંકન ટીમ પર થયેલા હુમલાને લગભગ 10થી વધુ વર્ષ થઈ ગયાં હોવાથી પાકિસ્તાન ફરી એકવાર પોતાના દેશમાં ઈન્ટરનેશનલ મેચની સંખ્યા વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. હવે ન્યૂઝીલેન્ડ સરકાર અને ટીમના આ નિર્ણય પછી પાકિસ્તાનની છબિ અન્ય ટીમો સામે પણ ખરાબ થઈ શકે છે. એટલું જ નહીં, આ ટૂર રદ થતાં PCBને 150થી 200 કરોડ રૂપિયાનું નુકસાન પણ પહોંચી શકે છે.

શોએબ અખ્તર ભડક્યો
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ન્યૂઝીલેન્ડને આડે હાથ લીધું છે. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને લખ્યું છે કે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન ક્રિકેટની હત્યા કરી નાખી છે. એટલું જ નહીં, પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે પણ ન્યૂઝીલેન્ડના આ પગલા પર નારાજગી વ્યક્ત કરી છે.

પાકિસ્તાનીઓએ BCCIનું ષડયંત્ર હોવાની વાત ઉચ્ચારી
પાકિસ્તાનમાં જ્યારે પણ કંઈ ખરાબ થાય છે ત્યારે તાત્કાલિક એને કોઇ મળે કે ના મળે, સીધો દોષ ભારત પર ઢોળી દે છે. આ વખતે પણ પાકિસ્તાની ફેન્સે BCCI પર નિશાન સાધ્યું છે. તેમને લાગી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડે BCCIના પ્રભુત્વથી ગભરાઈને આ પ્રવાસ રદ કર્યો છે. જોકે ન્યૂઝીલેન્ડે સ્પષ્ટપણે કહ્યું છે કે ટીમની સુરક્ષાને લઇને ઇન્ટેલિજન્સ ઈનપુટ રિપોર્ટ મળ્યો છે. આના આધાર પર પ્રવાસ રદ કરાયો છે.

ઇંગ્લેન્ડ 24થી 48 કલાકમાં નિર્ણય લેશે
પહેલાં જે માળખું નક્કી કરાયું હતું એના પ્રમાણે ન્યૂઝીલેન્ડ પછી ઇંગ્લેન્ડ પાકિસ્તાન પ્રવાસ પર જવાનું હતું. જોકે હવે ઇંગ્લેન્ડ કહ્યું છે કે વર્તમાન સ્થિતિને જોતાં તેમની ટીમ ત્યાં પ્રવાસ પર જશે કે નહીં એના નિર્ણય માટે તેઓ ફરી એકવાર વિચાર કરશે. તેઓ 24થી 48 કલાકમાં સ્પષ્ટ કહી દેશે કે ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન જશે કે નહીં.

PCBને ભારે નુકસાન વેઠવું પડશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) આ 2021ની શરૂઆતમાં 3 વર્ષ માટે બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ લગભગ 1500 કરોડ રૂપિયા (20 કરોડ ડોલર)માં વેચ્યા હતા, જેમાં PSLના રાઇટ્સ પણ સામેલ છે. તેવામાં હવે અનુમાન લગાવાઈ રહ્યું છે કે ન્યૂઝીલેન્ડે પીછે હઠ કરી લેતાં PCBને 150થી 200 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...