રાવલપિંડી એક્સપ્રેસ રિટર્ન્સ:46 વર્ષના શોએબ અખ્તરે ફરીથી ક્રિકેટ મેદાનમાં એન્ટ્રી મારી, વિન્ટેજ બોલિંગથી બેટરને ચોંકાવી દીધો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઘણા સમય પછી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. 46 વર્ષની ઉંમરમાં તે ફરીથી પોતાના વિન્ટેજ ફોર્મમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. જેના ફાસ્ટેસ્ટ બોલથી બેટર પણ ચોંકી ગયો હતો. અત્યારે શોએબનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થઈ રહ્યો છે.

શોએબ અખ્તરે બોલિંગ કરતો વીડિયો પોતાના જ ટ્વિટર અકાઉન્ટ પર પણ શેર કર્યો હતો. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે ઘણા લાંબા સમય પછી ફરીથી મેં કમર કસીને બોલિંગ કરી છે. ઇસ્લામાબાદ ક્લબના આ સુંદર મેદાનમાં બોલિંગ કરવાની મને ઘણી મજા આવી હતી. ઉલ્લેખનીય છે કે શોએબ અખ્તર પાકિસ્તાનની સાથે વિશ્વના દિગ્ગજ બોલર્સની યાદીમાં સામેલ છે. તેણે પોતાની ફાસ્ટ બોલિંગથી વિપક્ષી બેટર્સને મુશ્કેલીમાં મુક્યા હતા.

શોએબ અખ્તરની કારકિર્દી
પાકિસ્તાની ફાસ્ટ બોલરે 1997માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને 2011 વર્લ્ડ કપ પછી સંન્યાસ લીધો હતો. અખ્તર પોતાની કારકિર્દી દરમિયાન ગંભીર ઈજાથી પિડાતો રહેતો હતો. જોકે તેમ છતા તેણે પાકિસ્તાન માટે કુલ 46 ટેસ્ટ, 163 વનડે અને 15 T-20 મેચ રમી હતી. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 178, વનડેમાં 247 અને T-20માં 19 વિકેટ લીધી હતી.

અખ્તર ભલે ક્રિકેટના મેદાનથી દૂર છે પરંતુ તે અવાર-નવાર સોશિયલ મીડિયામાં પોતાના વિચાર વ્યક્ત કરતો રહે છે. તે ઈન્ડિયન ક્રિકેટર્સથી લઈને પાકિસ્તાની અને વિદેશી ક્રિકેટર્સ અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કરતો રહે છે.

અન્ય સમાચારો પણ છે...