સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ફાઈનલ:શાહરુખ ખાને છેલ્લા બોલ પર સિક્સ મારી મેચ જીતાડી, તમિલનાડુ ત્રીજી વખત ચેમ્પિયન બન્યું

6 દિવસ પહેલા
શાહરુખ ખાને છેલ્લા બોલ પર સિક્સ મારી મેચ જીતાડી

'નામ તો સુના હી હોગા' અત્યારે આ ડાયલોગ આખા તમિલનાડુમાં ગુંજી રહ્યો હશે. કારણ કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલ મેચમાં શાહરુખ ખાને છેલ્લા બોલ પર સિક્સ મારી તમિલનાડુને મેચ જીતાડી દીધી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં તમિલનાડુ અને કર્નાટક વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં રસાકસી ભર્યા જંગ બાદ તમિલનાડુએ મેચ જીતી ત્રીજી વાર આ ટૂર્નામેન્ટનું ટાઈટલ પોતાને નામ કર્યું છે. આ મેચમાં શાહરુખ ખાને 15 બોલમાં 33 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.

છેલ્લી રોમાંચક ઓવરની માહિતી
કર્ણાટકના કેપ્ટન મનીષ પાંડેએ છેલ્લી ઓવર માટે પ્રતિક જૈનની પસંદગી કરી હતી.

  • 19.1 - પ્રતિકની છેલ્લી ઓવરના પેહલા બોલ પર જ સાઈ કિશોરે શાનદાર ચોગ્ગો માર્યો હતો.
  • 19.2 - કર્નાટકના બોલર પ્રતિકની ઓવરના બીજા બોલ પર સાઈ કિશોરે સિંગલ રન લીધો હતો.
  • 19.3 (વાઈડ બોલ) - બીજા બોલમાં સિંગલ રનની સાથે તમિલનાડુનો શાહરુખ ખાન સ્ટ્રાઈક પર આવ્યો હતો. પ્રતિકે વાઈડ બોલ નાખતા એક એક્સ્ટ્રા રન તમિલનાડુના સ્કોરબોર્ડમાં એડ થયો હતો.
  • 19.3 - તમિલનાડુના શાહરુખ ખાને સિંગલ રન લઈ સાઈ કિશોરને સ્ટ્રાઈક આપી.
  • 19.4 - તમિલનાડુના સાઈ કિશોરે સિંગલ રન લઈ શાહરુખને સ્ટ્રાઈક આપી.
  • 19.5 (વાઈડ બોલ) - કર્ણાટકના બોલર પ્રતિકે ફરીથી વાઈડ બોલ નાખ્યો. શાહરુખ ખાન સામે પ્રતિક જાણે પ્રેશરમાં હોય તેમ લાગી રહ્યું હતું.
  • 19.5 - શાહરુખ ખાને 2 રન લીધા. તમિલનાડુને છેલ્લા બોલ પર જીતવા માટે 5 રનની જરૂર હતી.
  • 19.6 - છેલ્લા બોલ પર કર્ણાટકના પ્રતિકની બોલિંગમાં શાહરુખ ખાને સિક્સ મારી તમિલનાડુને મેચ જીતાડી હતી.

તમિલનાડુએ નિર્ણાયક મેચમાં ટોસ જીત્યો
તમિલનાડુએ ફાઇનલમાં શાનદાર જીત સાથે ત્રીજી વાર આ ખિતાબ જીત્યો છે. આની પહેલા તમિલનાડુએ 2006/07 અને 2020/21નો ખિતાબ જીત્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021ની ફાઇનલ મેચ તમિલનાડુ અને કર્નાટક વચ્ચે રમાઈ હતી. જેમાં તમિલનાડુએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન કર્ણાટક 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 151 રનનો સ્કોર દાખવી શકી હતી. કર્ણાટકની ટીમ તરફથી અભિનવ મનોહરે 46 રન અને પ્રવીણ દુબે 33 રનની ઈનિંગ રમી હતી. જ્યારે તમિલનાડુના સાઈ કિશોરે 4 ઓવરમાં 12 રન આપી 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

કર્નાટકે શાનદાર બોલિંગ કરી
152 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરતા કર્ણાટકના બોલર્સે શાનદાર પ્રદર્શન દાખવ્યું હતું. આ ટીમના કે.સી.કરિઅપ્પાએ 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ લીધી હતી. જ્યારે પ્રતીક જૈન, વિદ્યાધર પાટિલ, કરુણ નાયરે 1-1 વિકેટ લીધી હતી. જેના પરિણામે છેલ્લા બોલ સુધી જાણે તમિલનાડુ આ ગેમ હારી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ શાહરુખ ખાને છેલ્લા બોલ પર સિક્સ મારીને તમિલનાડુને 4 વિકેટથી મેચની સાથે ખિતાબ પણ જીતાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...