પાક. ખેલાડીને અવળચંડાઈ મોંઘી પડી:શાહીને બાંગ્લાદેશના ખેલાડીને બોલ માર્યો; ICCએ ઉગ્ર પ્રતિક્રિયાને પગલે તેને દંડ ફટકાર્યો

6 દિવસ પહેલા

પાકિસ્તાની ક્રિકેટર શાહીન આફ્રિદીને ઉગ્ર પ્રતિક્રિયા આપવી મોંઘી પડી છે. તેણે બાંગ્લાદેશી ખેલાડીને ચાલુ મેચમાં બોલ માર્યો હોવાથી ICCએ દંડ ફટકાર્યો છે. શાહીને ICC આચારસંહિતા લેવલ 1નું ઉલ્લંઘન કર્યું હોવાથી તેને મેચ ફીના 15 ટકા દંડ ફટકારાયો છે. ઉલ્લેખનીય છે કે શાહીનનો બોલ વાગ્યા પછી બાંગ્લાદેશી ખેલાડી પિચ પર તરફડિયાં મારતો જોવા મળ્યો હતો. જોકે શાહીને મેચ પછી તેની માફી પણ માગી હતી.

ICCએ આચારસંહિતા પ્રમાણે દંડ ફટકાર્યો
શાહીન આફ્રિદીએ ICCની કલમ 2.9નો ભંગ કર્યો છે. જો કોઈપણ ખેલાડી, વિરોધી-સાથી ટીમના ખેલાડી, સપોર્ટ સ્ટાફ, અમ્પાયર કે કોઈપણ અન્ય વ્યક્તિને જાણીજોઈને બોલ ફેંકી ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરે છે તેની વિરુદ્ધ કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરાય છે. લેવલ-1ની સજામાં ખેલાડીની મેચ ફિમાંથી તેના ભંગ અને પ્રતિક્રિયાના અભ્યાસ બાદ વધુમાં વધુ 50 ટકા સુધી મેચ ફી કાપી શકાય છે અને 1-2 ડિમેરિટ પોઈન્ટ પણ અપાય છે.

આ ઉપરાંત, આફ્રિદીના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે, જેના માટે આ 24 મહિનાના સમયગાળાનો આ પ્રથમ ગુનો હતો.

બાંગ્લાદેશ સામેની બીજી T20 મેચ દરમિયાન પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી પોતાના ગુસ્સા પર કાબૂ નહોતો રાખી શક્યો. તેણે જાણીજોઈને બેટર અફીફ હુસૈનને બોલ માર્યો હતો. બોલ વાગતાંની સાથે જ અફિફ નીચે પડી ગયો અને પીડાથી પિચ પર તરફડિયાં મારવા લાગ્યો હતો. બોલ વાગ્યા પછી તે લંગડાઈને ચાલતો પણ જોવા મળ્યો હતો. જ્યારે આફ્રિદીએ તેને બોલ માર્યો ત્યારે તે ક્રિઝની અંદર ઊભો હતો.

અફિફે સિક્સ મારી હોવાથી શાહીને બદલો લીધો!
મેચની ત્રીજી ઓવરમાં આફ્રિદીના બીજા બોલ પર અફીફે સિક્સ મારી હતી. ત્યાર પછી શાહીન ઘણો ગુસ્સે થઈ ગયો હતો. તેને બીજા બોલ પર ફાસ્ટેસ્ટ થ્રો કરી બાંગ્લાદેશી ખેલાડીને પગ પર માર્યો હતો, જેને પરિણામે અફિફ અસહ્ય પીડા સાથે ક્રીઝ પર જ ઢળી પડ્યો હતો. આ દરમિયાન તે લંગડાવાની સાથે પિચ પર તરફડિયાં મારતો પણ જોવા મળ્યો હતો. જોકે આ ઘટના પછી બાબર આઝમ અને આફ્રિદી બેટરના હાલચાલ પૂછવા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...