કોલકાતામાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું હતું, પરંતુ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ભારતની નબળી ફિલ્ડિંગથી ઘણો ગુસ્સામાં હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 2 કેચ છોડ્યા, એ પણ જ્યારે મેચ ખૂબ જ રોમાંચક સ્થિતિ પર હતી. જ્યારે અનુભવી બોલર ભુવનેશ્વર કુમારે પોતાના જ બોલ પર સરળ કેચ છોડ્યો ત્યારે રોહિત ભુવનેશ્વર પર ગુસ્સે થઈ ગયો હતો. તેણે ગુસ્સામાં પોતાના પગથી બોલને લાત મારી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં જ્યારે ભુવી મેચની 16મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો ત્યારે વેસ્ટ ઈન્ડીઝના રોવમેન પોવેલે મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો અને બોલ ઘણો દૂર ગયો ન હતો. ભુવનેશ્વર અને રોહિત શર્મા બંને કેચ પકડવા દોડ્યા. ભુવનેશ્વરને કેચ કરતાં જોઈને રોહિત ત્યાં જ ઊભો રહ્યો, પરંતુ ભુવી એ કેચ પકડી શક્યો નહીં અને બોલ નીચે પડી ગયો. ત્યાર બાદ રોહિત શર્મા ગુસ્સે થઈ ગયો હતો. તેણે ગુસ્સામાં બોલને લાત મારી હતી. આ દરમિયાન વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેનોએ પણ એક રન લઈ લીધો હતો. આ રીતે વેસ્ટ ઈન્ડીઝને આ બોલમાં 2 રન મળ્યા બાદ વિકેટ પણ બચી ગઈ હતી.
ભારતે વેસ્ટ ઈન્ડીઝને 8 રનથી હરાવ્યું
બીજી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને 8 રનથી હરાવ્યું હતું. વિન્ડીઝ સામે 187 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 178 રન જ બનાવી શકી હતી અને મેચ હારી ગયું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝ પર પણ કબજે કરી લીધી છે. ભારતે વેસ્ટ ઈન્ડીઝ સામે સતત ચોથી T-20 શ્રેણી જીતી છે.
પંતે અણનમ 52 રન બનાવ્યા હતા
ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પહેલા રમતાં 186/6 રન બનાવ્યા હતા. રિષભ પંત અણનમ 52 રન સાથે ટોપ સ્કોરર રહ્યો, જ્યારે વિરાટ કોહલીએ પણ 52 રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફથી રોસ્ટન ચેઝે તેના ખાતામાં સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.