જોહાનિસબર્ગમાં કોહલી સદી મારી શકે છે:વિરાટે આ મેદાનમાં 4 ઈનિંગ દરમિયાન 3 વાર 50+ સ્કોર કર્યો, અહીં તેની એવરેજ 77.50 રનની છે

20 દિવસ પહેલા
  • વિરાટ કોહલીએ 2013માં અહીં સદી ફટકારી હતી

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે 3 જાન્યુઆરીથી બીજી ટેસ્ટ મેચ જોહાનિસબર્ગમાં રમાશે. તેવામાં વિરાટ કોહલીની નજર આ મેચને જીતી સિરીઝમાં 2-0ની લીડ મેળવવાની રહેશે. તેવામાં જોહાનિસબર્ગમાં કોહલીના રેકોર્ડ્સ શાનદાર હોવાથી તેની પાસે સદીની આશા રહેશે. તો ચાલો આપણે કોહલીની એવરેજ પર નજર ફેરવીએ....

માત્ર 2 ટેસ્ટમાં રનનો વરસાદ કર્યો
વિરાટ કોહલીએ વોન્ડરર્સ સ્ટેડિયમમાં 2 ટેસ્ટ મેચ રમી છે અને આ દરમિયાન તેણે શાનદાર બેટિંગ કરી છે. ટેસ્ટ કેપ્ટન કોહલીએ 77.50ની એવરેજથી 310 રન કર્યા છે, જેની ખાસ વાત એ રહી કે ચાર ઈનિંગમાં વિરાટે 3 વાર 50+ રનનો સ્કોર નોંધાવ્યો છે. વળી અહીં તેણે એક સદી પણ છે.

2013માં સદી ફટકારી હતી
વિરાટ કોહલીએ 2013માં દ.આફ્રિકા પ્રવાસ દરમિયાન જોહાનિસબર્ગમાં શાનદાર સદી મારી હતી. તે સમયે પહેલી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં કોહલીએ 181 બોલમાં 119 રન કર્યા હતા. આ ઈનિંગમાં તેણે 18 ચોગ્ગા માર્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીનો આ પહેલો દ.આફ્રિકા પ્રવાસ હતો અને આ દરમિયાન તેણે ટેસ્ટ કારકિર્દીની 5મી સદી ફટકારી હતી. તેવામાં બીજી ઈનિંગ દરમિયાન કોહલીએ 193 બોલમાં 96 રન કર્યા હતા અને તે માત્ર 4 રનથી સદી ચૂકી ગયો હતો.

2018ના દ.આફ્રિકા પ્રવાસની ત્રીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં વિરાટે આ મેદાનમાં 106 બોલમાં 54 રન કર્યા હતા અને બીજી ઈનિંગમાં પણ તેણે 79 બોલમાં 41 રન કર્યા હતા.

જોહાનિસબર્ગનો બીજો સૌથી સફળ વિદેશી બેટર
એટલું જ નહીં, વિરાટ કોહલી જોહાનિસબર્ગમાં સૌથી વધુ ટેસ્ટ રન કરનારો બીજા વિદેશી બેટર પણ છે. કોહલી પહેલા ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડી જોન રીડનું નામ આવે છે, જેણે વોન્ડરર્સમાં રમાયેલી 2 ટેસ્ટ મેચમાં 316 રન કર્યા હતા. તે જ સમયે, ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ રિકી પોન્ટિંગનું નામ આવે છે, તેણે આ મેદાન પર 4 મેચમાં 263 રન કર્યા છે.

ઈન્ડિયન હેડ કોચ રાહુલ દ્રવિડે પણ અહીં રમાયેલી 2 મેચમાં 262 રન કર્યા હતા. જો વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની બીજી મેચમાં માત્ર 7 રન કરશે તો તે આ મેદાન પર સૌથી વધુ ટેસ્ટ રન કરનારો બેટર બની જશે.

અન્ય સમાચારો પણ છે...