હાર્દિક પંડ્યાએ બોલરોને ડિફેન્ડ કર્યા:કહ્યું-તેમના પર ભરોસો રાખો, તેઓ દેશ માટે બેસ્ટ છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં બોલરોનો બચાવ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની સામે 3 મેચની T20 સિરીઝની પહેલી મેચમાં 4 વિકેટે હાર મળ્યા પછી હાર્દિકે કહ્યું હતુ કે 'આપણે આપણા બોલરો ઉપર ભરોસો રાખવો જોઈએ. એક કે પછી બે મેચથી કોઈ ફરક પડતો નથી. તેઓ દેશના બેસ્ટ 15 ક્રિકેટરો છે, એટલે જ ટીમમાં છે. એક કે બે ગેમથી અમારા પ્લાન્સમાં કોઈ ફરક પડતો નથી.'

મેચ પછી મીડિયા સાથે ચર્ચામાં હાર્દિક પંડ્યાએ જસપ્રીત બુમરાહ વિશેના સવાલમાં જવાબ આપતા જણાવ્યું હતું કે 'આપણે બધાં જ જાણીએ છીએ કે તેઓ ટીમ માટે કેટલા મહત્ત્વપૂર્ણ છે. તેમના ટીમમાં હોવાથી ઘણો ફરક પડી જાય છે. પરંતુ હાલ તેઓ ઈજામાંથી બહાર આવ્યા છે. તેમને ટીમમાં પરત ફરવા માટે પૂરતો સમય આપવો પડશે. અને તેમના ઉપર દબાવ નાખવો જોઈએ નહિ.'

હાર્દિકે કહ્યું હતું કે 'એક ટીમના રૂપમાં અમે વધુ સારું પ્રદર્શન કરવા માગીએ છીએ. હાર તમને ઘણું શીખવે છે. અમે એક પ્રોસેસ ટીમના ભાગરૂપે છીએ અને જ્યાં સુધીમાં વર્લ્ડ કપ આવશે, અમે તે પ્રોસસ ચાલું રાખીશું. અમે તેને વધુ સારુ બનાવવાનો પ્રયત્ન કરીશું, અને ભૂલો હશે તો તેને સુધારવાનો પ્રયત્ન કરીશું. મને ખેલાડીઓ પર ઘણો વિશ્વાસ છે.'

અમને ખબર હોત, તો ત્યાં જ રોકી દેત ને...
'મેચ કઈ જગ્યાએ હાથમાંથી ગયો...' આ સવાલનો હસતા-હસતા જવાબ આપતા હાર્દિક પંડ્યા કહે છે કે 'મને નથી ખબર કે મેચ કઈ જગ્યાએથી હાથમાંથી જતો રહ્યો. તમે જ અમને જણાવી દો. જો અમને ખબર જ હોત, તો અમે તે ભૂલને ત્યાં જ રોકી દેવાનો પ્રયત્ન કરત.'

હર્ષલ પટેલની 18મી ઓવર અંગે હાર્દિકે કહ્યું હતું કે 'એક ઓવરથી કોઈ ફરક પડતો નથી. તેમની સાઈડથી પણ 24 રન આવ્યા હતા. બાઈલેટરલ સિરીઝ છે અને હજુ બે મેચ બાકી છે. તેમાં સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરીશું.'

માત્ર 30 બોલમાં 71 રન ફટકાર્યા
હાર્દિક પંડ્યાએ મેચમાં માત્ર 30 બોલમાં 71 રન ફટકારી દીધા હતા. તેની આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા આવ્યા હતા. તો તેની સ્ટ્રાઈક રેટ 236.66ની રહી હતી.

ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે મેચ જીતી
મોહાલીમાં રમાયેલી પહેલી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હરાવ્યું હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ કેમરુન ગ્રીને 30 બોલમાં 61 રન ફટકાર્યા હતા. તો મેથ્યુ વેડે ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 21 બોલમાં 45 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. સ્ટિવ સ્મિથે 35 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે 2 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 1 વિકેટ લીધી હતી. કેમરુન ગ્રીનને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

અગાઉ ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ 30 બોલમાં 71 રન ફટકાર્યા હતા. કેએલ રાહુલે 55 રન કર્યા હતા. તો સૂર્યકુમાર યાદવે 46 રનનું યોગદાન આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ નેથન એલિસે 3 વિકેટ ઝડપી હતી. જોસ હેઝલવુડને 2 વિકેટ મળી હતી. તો કેમરુન ગ્રીને 1 વિકેટ લીધી હતી.