ભુવનેશ્વર કુમારના સપોર્ટમાં આવ્યો મેથ્યુ હેડન:કહ્યું- તે ડેથ ઓવર્સમાં પણ સારી બોલિંગ કરી શકે છે, પહેલા પણ ભારતને જીત અપાવી છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડને સ્ટાર સ્પોર્ટ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનો બચાવ કર્યો હતો. છેલ્લા અમુક મેચથી ભુવનેશ્વર કુમાર સારું પ્રદર્શન આપી શક્તો નથી. તે ડેથ ઓવર્સમાં ઘણા રન આપી દે છે. ત્યારે તેના ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે કે શું તેની પાસે ડેથ ઓવર્સમાં બોલિંગ કરાવી શકાય? આ મામલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે જણાવ્યું હતું કે 'હું આ વાત સાથે સહમત નથી. મને લાગે છે કે ભુવી હજુ પણ ડેથ ઓવર્સમાં સારી બોલિંગ કરી શકે છે. અગાઉ પણ તેણે આવું કર્યું છે.'

'તેમનો રોલ શરૂઆતની ઓવર્સમાં વિકેટ ઝડપવાનો છે. પરંતુ જો કેપ્ટન તેની પાસેથી ડેથ ઓવર્સમાં એક અથવા બે ઓવર્સ કરાવવા માગે છે, તો ભુવનેશ્વર કરી શકે છે. તેણે પહેલા પણ આવું કર્યું છે. અને ભારતને જીત અપાવી છે.'

ડેથ ઓવર્સમાં સતત ફ્લોપ થઈ રહ્યો છે ભુવનેશ્વર

એશિયા કપ 2022 ભારત અને પાકિસ્તાન મેચ

એશિયા કપ 2022માં ભારતે એકવાર પાકિસ્તાનને હરાવી ચૂક્યુ હતુ. પરંતુ સુપર-4ની મેચમાં પાકિસ્તાનની સામે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભુવનેશ્વર કુમારને ડેથ ઓવર્સમાં બોલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. ભુવનેશ્વર કુમારે 19મી ઓવરમાં પાકિસ્તાનની સામે બોલિંગ કરી હતી. પાકિસ્તાન તરફથી આસિફ અલી અને ખુશદીલ શાહ ક્રિઝ ઉપર હતા. ત્યારે પાકિસ્તાનને જીત માટે 12 બોલમાં 26 રનનની જરૂર હતી. ત્યારે ભુવનેશ્વર કુમારે 19 રન આપી દીધા હતા.

એશિયા કપ 2022 ભારત અને શ્રીલંકા મેચ

સુપર-4ની મેચમાં ભારત અને શ્રીલંકા મેચમાં ડેથ ઓવર્સમાં ફરી એકવાર શ્રીલંકાની ઇનિંગની 19મી ઓવર ભુવનેશ્વર કુમારે નાખી હતી. ત્યારે શ્રીલંકાને 12 બોલમાં 21 રનની જરૂર હતી.

ત્યારે શ્રીલંકના કેપ્ટન દાસુન શનાકા અને ભાનુકા રાજપક્ષે ક્રિઝ ઉપર હતા. ઓવરના પહેલા અને બીજા બોલ ઉપર તો ભુવીએ 1-1 રન આપ્યા હતા. આ પછી તેણે 2 વાઈડ બોલ નાખી હતી. આ પછી ત્રીજા બોલ ઉપર શનાકાએ ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી પાંચમા બોલ ઉપર તેણે યોર્કર નાખ્યો હતો, પરંતુ શનાકા એક રન લેવામાં સફળ રહ્યો હતો. છઠ્ઠા બોલ ઉપર રાજપક્ષેએ 1 રન લીધો હતો. આમ તેણે 14 રન આપી દીધા હતા.

ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા T20 સિરીઝ

ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની T20 સિરીઝની પહેલી મેચ મોહાલીમાં રમાઈ ગઈ હતી. આ મેચમાં ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેણે 4 ઓવરમાં 52 રન આપી દીધા હતા. આ મેચમાં પણ તેણે 19મી ઓવર નાખી હતી. જેમાં તેણે 16 રન દઈ દીધા હતા.

પહેલા એશિયા કપ 2022 અને હવે ભારત અને ઓસ્ટ્રેલિયા T20 સિરીઝની પહેલી મેચમાં ડેથ ઓવર્સમાં ભુવનેશ્વર કુમારે પોતાના પ્રદર્શનથી સૌ કોઈને નિરાશ કર્યા હતા. આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ ક​​પ રમાવવાનો છે. ત્યારે આ સિરીઝને તેની પ્રક્ટિસની રીતે જોવામાં આવી રહી છે. એટલે આ સિરીઝમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન ઉપર ખાસ નજર રહેશે.