ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ચોથી ઈનિંગમાં સદી ફટકારવાની સાથે તેણે 10 હજાર ટેસ્ટ રન નોંધાવી ઈતિહાસ રચ્યો હતો. એવામાં આ મેચ દરમિયાન રૂટનું મેજિકલ બેટ પણ ફેન્સ માટે ચર્ચાનો વિષય બની ગયું હતું. તમને જણાવી દઈએ કે પિચ પર રૂટનું બેટ સ્ટમ્પ્સની નકલ કરી ઊભું રહી ગયું હોય એમ જોવા મળ્યું હતું. રૂટે નોન સ્ટ્રાઈકર એન્ડ પર બેટને બાજુમાં મૂકી રાખતાં એ ઊભું રહી ગયું હતું. ચાલો... એની પાછળના કારણ વિશે જાણીએ....
વીડિયો વાઈરલ થતા ફેન્સ ચોંકી ગયા
જો રૂટની બેટિંગ દરમિયાન તેણે નોન સ્ટ્રાઈકર એન્ડ પર થોડો આરામ કરવા માટે બેટને બાજુમાં રાખ્યું હતું, પરંતુ આમ જોવા જઈએ તો સામાન્ય રીતે બેટ જમીન પર આડું પડ્યું હોય, કારણ કે બેટનું તળિયું રાઉન્ડ v શેપનું હોય છે, પરંતુ આમ થયું નહીં અને બેટ ઊભું રહી ગયું હતું. આ જોઈને ફેન્સ પણ વિચારમાં પડી ગયા હતા કે આવું કેવી રીતે થયું, જેનો વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો.
આ ઘટના ત્યારે ઘટી, જ્યારે જો રૂટ 87ના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો અને ન્યૂઝીલેન્ડનો કાઈલ જેમિસન બોલિંગ કરવા આવ્યો હતો. તેવામાં થોડી સેકન્ડ માટે બેટ આવી રીતે ઊભું રહી ગયું હતું.
ફેન્સે કહ્યું, જાદુગર રૂટનું મેજિકલ બેટ, જાણો કારણ
સોશિયલ મીડિયામાં યુઝર્સે લખ્યું કે અમને જાણ હતી કે રૂટ બેટથી મેજિક કરતો આવ્યો છે, પરંતુ બેટ પોતે મેજિકલ હશે એની જાણ નહોતી. ત્યાર પછી મેજિકલ બેટ વિશે બધાને જાણવાની ઈચ્છા થઈ. તમને જણાવી દઈએ કે જો રૂટના બેટનું બોટમ અન્ય બેટ કરતાં અલગ છે. સામાન્યરૂપે જોઈએ તો તેના બેટની નીચેનો ભાગ વી શેપમાં હોય છે, પરંતુ રૂટનું બેટ આવું નથી. તેના બેટનો નીચેનો ભાગ સપાટ છે, તેથી સરળતાથી પિચ પર ઊભું રહી શકે છે.
રૂટ ટેસ્ટમાં 10 હજારી બન્યો
જો રૂટે 170 બોલમાં 115 રન કર્યા હતા. આની સાથે જ રૂટે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પણ પૂરા કરી લીધા છે. તે 10 હજાર રનનો આંકડો પાર કરનારો બીજો ઈંગ્લિશ બેટર બની ગયો છે. અગાઉ એલિસ્ટર કૂકે (12472) આ પડાવ પાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે જો રૂટ વિશ્વનો 14મો દસ હજાર રન પૂરા કરનારો બેટર બની ગયો છે. જેમાં ત્રણ ભારતીયો (સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર)નો સમાવેશ થાય છે.
ટેસ્ટમાં 10 હજાર રનના ક્લબમાં રૂટની એન્ટ્રી
ક્રમ | ખેલાડી | દેશ | રન |
1 | સચિન તેંડુલકર | ભારત | 15,921 |
2 | રિકી પોન્ટિંગ | ઓસ્ટ્રેલિયા | 13,378 |
3 | જેક કાલિસ | દ.આફ્રિકા | 13,289 |
4 | રાહુલ દ્રવિડ | ભારત | 13,288 |
5 | એલિસ્ટર કૂક | ઇંગ્લેન્ડ | 12,472 |
6 | કુમાર સંગાકારા | શ્રીલંકા | 12,400 |
7 | બ્રાયન લારા | વેસ્ટ ઈન્ડિઝ | 11,953 |
8 | ચંદ્રપોલ | વેસ્ટ ઈન્ડિઝ | 11,867 |
9 | મહેલા જયવર્દને | શ્રીલંકા | 11,814 |
10 | બોર્ડર | ઓસ્ટ્રેલિયા | 11,174 |
11 | એસ.વોગ | ઓસ્ટ્રેલિયા | 10,927 |
12 | સુનીલ ગાવસ્કર | ભારત | 10,122 |
13 | યુનીસ ખાન | પાકિસ્તાન | 10,099 |
14 | જો રૂટ | ઇંગ્લેન્ડ | 10,001 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.