વિરાટે રાજીનામું આપ્યું અને હિટમેન ફિટ!:વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ સિરીઝમાં રોહિત ટીમ સાથે જોડાશે, ઈન્જરીના કારણે દ.આફ્રિકા ટૂરથી બહાર થયો હતો

4 મહિનો પહેલા
  • ગત ઓસ્ટ્રેલિયા ટૂરમાં પણ વિરાટની ગેરહાજરીમાં હિટમેન ફિટ થયો અને ટીમ સાથે જોડાયો હતો

વિરાટ કોહલીએ ક્રિકેટના ત્રણેય ફર્મેટમાંથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ છોડી દીધી છે. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે વિરાટ કોહલીના સ્થાને રોહિત શર્માને જ ટેસ્ટ ફોર્મેટનો કેપ્ટન પસંદ કરવામાં આવશે. હવે આ મુદ્દે વધુ એક ચોંકાવનારી ઘટના એ સામે આવી છે કે કોહલીએ જેવું રાજીનામું આપ્યું કે તાત્કાલિક રોહિત શર્મા ફિટ થયો હોવાની માહિતી બહાર આવી ગઈ છે. આ મુદ્દે સોશિયલ મીડિયામાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

દ.આફ્રિકા ટૂર પહેલા બંને વચ્ચે વિવાદ થયો હોવાની માહિતી
તમને જણાવી દઇએ કે દ.આફ્રિકા ટૂર પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ઝઘડો થયો હોવાની માહિતી સામે આવી હતી. ત્યારપછી રોહિતે અચાનક ઈન્જરીનું કારણ બહાર પાડી દ.આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાંથી પોતાનું પરત ખેંચ્યું હતું. વળી એટલું જ નહીં તેના ગણતરીના કલાકોમાં રોહિત આખા ટૂરમાંથી બહાર થઈ ગયો હોવાના સમાચાર સામે આવતા ફેન્સ પણ આ બંને ખેલાડી વચ્ચે મતભેદની ચર્ચા કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માને પ્રેક્ટિસ સેશન દરમિયાન હાથમાં ઈન્જરી થઈ હતી, પરંતુ ટૂર પર ન જવાનું કારણ તેણે હેમસ્ટ્રીંગ ઈન્જરીનું આપતા વિવાદનો મુદ્દો ગરમાયો હતો.

ઘણા મીડિયાના અહેવાલોમાં એવો દાવો કરાયો હતો કે રોહિત શર્મા હવે વિરાટની કેપ્ટનશિપ હેઠળ રમવા માગતો નથી. તેવામાં ટેસ્ટ કેપ્ટન તરીકે કોહલીએ રાજીનામું આપ્યા પછી હવે રોહિત શર્મા ફિટ થઈ ગયો છે અને આગામી મહિનાથી વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ આયોજિત સિરીઝમાં ટીમમાં કમબેક કરવા પણ તૈયાર છે.

વેસ્ટઈન્ડિઝ સિરીઝ સુધી સંપૂર્ણ ફિટ થઈ જશે રોહિત
BCCIના સૂત્રોએ PTIને જણાવ્યું છે કે રોહિત શર્માનું બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ સારું ચાલી રહ્યું છે. તે વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝતી મેદાનમાં પરત ફરશે.

રોહિત શર્મા માટે હેમસ્ટ્રિંગ સૌથી મોટી સમસ્યા
હિટમેન માટે હેમસ્ટ્રિંગમાં ખેંચ આવવી એ ગંભીર સમસ્યા બની ગઈ છે. તે દ.આફ્રિકા સિરીઝ સિવાય 2020-21માં ઓસ્ટ્રેલિયા ટૂરની પહેલી 2 ટેસ્ટ મેચની સાથે વનડે અને T20 સિરીઝમાં પણ આ સમસ્યાના કારણે સિરીઝ અધવચ્ચે છોડવા મજબૂર થયો હતો. ત્યારપછી તેણે 2 સપ્તાહનો ક્વોરન્ટીન પીરિયડ સિડનીમાં પસાર કર્યા પછી ટીમ સાથે જોડાયો હતો. જોકે આ દરમિયાન પણ વિરાટ-રોહિત વચ્ચે મતભેદના સમાચાર આવી રહ્યા હતા. કારણ કે રોહિત ત્યારે જ ટીમ સાથે જોડાયો જ્યારે વિરાટ કોહલી નહોતો.

ટીમને રોહિતના અનુભવની જરૂર
કોહલીની કેપ્ટનશિપ છોડ્યા પછી રોહિતનું ફિટ રહેવું ઈન્ડિયન ટીમ માટે આવશ્યક છે. વળી હિટમેનને કોચ રાહુલ દ્રવિડનું પણ સમર્થન મળ્યું છે. વનડે અને T20માં રોહિતની શાનદાર બેટિંગ ઈન્ડિયન ટીમ માટે ફાયદાકારક રહેશે.

આવી સ્થિતિમાં ટીમને રોહિતના અનુભવની જરૂર રહેશે. 2023 વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીએ તો પણ હિટમેન ફિટ રહેવો જોઈએ. ટીમ વિશ્વ વિજેતા ત્યારેજ બની શકશે જ્યારે અનુભવી ખેલાડીઓ ઈન્જરીના કારણે મેદાન બહાર ન થઈ જાય અને બધા તમામ વિવાદોને પડતા મૂકી એકતાથી મેદાન પર ઉતરે.

અન્ય સમાચારો પણ છે...