T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમી-ફાઈનલમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે અણનમ 80 અને એલેક્સ હેલ્સે અણનમ 86 રન બનાવ્યા હતા.
ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા. આ ઇનિંગના હીરો રહ્યા હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી. પંડ્યાએ 33 બોલમાં 63 અને વિરાટે 40 બોલમાં 50 રન બનાવ્યા હતા. અમે તમને આ સમાચારમાં આ ઇનિંગની કેટલીક યાદગાર ક્ષણો જણાવી રહ્યા છીએ.
હાર્યા પછી રોહિતની આંખો ભીની થઈ
સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 10 વિકેટે હાર્યા પછી ભારતીય કેપ્ટન રોહિત શર્મા હતાશ અને ઉદાસ થઈ ગયા હતા. મેચ પછી ઘણા સમય સુધી રોહિતે કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરી હતી. ત્યાર પછી રોહિત પોતાના આંસુ લુછતા ભાવુક થયા હતા. તેમને કોચ દ્રવિડે સંભાળ્યા. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ મેચ પત્યા પછી નિરાશ દેખાયા હતા. તેઓ ટૂર્નામેન્ટના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યા. તેમણે ટૂર્નામેન્ટની 6 મેચમાં 296 રન બનાવ્યા હતા.
હેલ્સ-બટલરે ભારતીય ચાહકોના દિલ તોડ્યા
ઈંગ્લેન્ડે ભારત તરફથી મળેલા 169 રનના લક્ષ્યાંકને 16 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. ટીમના ઓપનર એલેક્સ હેલ્સ અને જોસ બટલરે અણનમ 170 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતીય બોલરો આખી મેચ દરમિયાન વિકેટો માટે ઝંખતા હતા. તેમને એક પણ વિકેટ મળી ન હતી. 10 વિકેટની આ જીત સાથે ઈંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પહોંચી ગયું છે. તે જ સમયે, ભારતીય ટીમ ફરી એકવાર મોટી ટૂર્નામેન્ટમાં ચોક થઈ ગઈ હતી અને નોકઆઉટ તબક્કામાં હાર્યા બાદ ફાઇનલમાં પહોંચી શકી નથી.
હાર્દિકે 39 વર્ષ જૂનો શોટ યાદ કરાવ્યો
1983 ODI વર્લ્ડ કપમાં, સેમિફાઈનલ પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. તે મેચમાં બોબ વિલિસના બોલ પર યશપાલ શર્માએ જે પ્રકારની સિક્સર ફટકારી હતી, તે જ રીતે હાર્દિકે ક્રિસ જોર્ડનના લેગ સ્ટમ્પ પર યોર્કર લેન્થ પર સિક્સ ફટકારી હતી. જોર્ડને લેગ-સ્ટમ્પ પર 142 કિમી પ્રતિ કલાકની ઝડપે યોર્કર લેન્થ બોલ ફેંક્યો. હાર્દિકે 'ફ્લિક ઓફ ધ રિસ્ટ' કર્યું અને બોલ ફાઈન લેગ બાઉન્ડ્રીની બહાર ગયો.
પંતે પોતાની વિકેટનું બલિદાન આપ્યું હતું
પંત છેલ્લી ઓવરમાં ક્રિસ જોર્ડનના યોર્કરનો સામનો કરી શક્યો નહોતો. તેનું સંતુલન પણ ખોરવાઈ ગયું. હાર્દિક બીજા છેડેથી અડધાથી વધુ પીચ પર આગળ આવી ગયો હતો. પંત ક્રિઝમાં પડી ગયો હતો, પરંતુ તે જાણતો હતો કે 'હાર્દિક સેટ એન્ડ ઓન ફાયર' હતા. તે નોન-સ્ટ્રાઈકર એન્ડ તરફ દોડ્યા અને રનઆઉટ થયા. આ પછી હાર્દિક વધુ ખતરનાક સાબિત થયા.
કોહલી પહેલીવાર 'ઘૂંટણ પર'
16મી ઓવરમાં વિરાટ કોહલી જોર્ડનના એક યોર્કરને મિડ-વિકેટ તરફ રમવા માંગતા હતા. બોલની ઝડપ 144 કિલોમીટર પ્રતિ કલાક હતી. કોહલીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેઓ સ્ટંપ પર પડી ગયા. અમ્પાયરે નોટ આઉટ જાહેર કર્યા, પરંતુ વિરોધી ટીમે રિવ્યુ લીધો. જોકે, થર્ડ અમ્પાયરે તેને 'અંપાયર્સ કોલ' ગણાવ્યો અને કોહલી બચી ગયા. બીજા જ બોલ પર વિરાટે ક્લાસિક કવર ડ્રાઈવ રમી અને ચોગ્ગો માર્યો.
હાર્દિકની ઈનિંગનો દુઃખદ અંત
ટીમ ઈન્ડિયાની ઈનિંગની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર હાર્દિકે મિડ-વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો હતો, પરંતુ તે જ બોલ પર તે પણ આઉટ થઈ ગયા હતા. આખરે કેવી રીતે? ખરેખર, જોર્ડને ધીમો યોર્કર નાખ્યો. પંડ્યાએ ક્રિઝની ઊંડાઈનો ઉપયોગ કર્યો અને ચોગ્ગો માર્યો, પરંતુ તેમનો પગ સ્ટંપ સાથે અથડાયો અને આ રીતે તેઓ આઉટ થયા.
હાર્દિકની પત્ની નતાશા આ મેચ માટે એડિલેડના વીવીઆઈપી સ્ટેન્ડ પર હાજર હતી અને તેમના દરેક શોટ પર આનંદથી ઝૂમી રહી હતી. બ્લેક જેકેટ અને બ્લુ ડેનિમ સાથે બ્લેક ગોગલ્સ પહેરીને ટીવી કેમેરા હાર્દિકના દરેક શોટ પછી નતાશાને બતાવતો રહ્યો. પંડ્યાએ પણ જબરદસ્ત ઇનિંગ રમીને સાબિત કર્યું કે આજે નસીબ અને લેડી બંને તેમની સાથે છે.
હાર્દિક માટે ગોઠવી ધોની વાળી ફિલ્ડિંગ
ઈંગ્લેન્ડ તરફથી 15મી ઓવર લિયામ લિવિંગસ્ટોન કરવા આવ્યો. બીજા જ બોલે હાર્દિક પંડ્યાએ સામેની બાજુ ચોગ્ગો માર્યો. આ ચોગ્ગા પછી કેપ્ટન જોસ બટલરે આદિલ રાશીદને બોલરની પાછળ ઉભો રાખ્યો. IPL દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ક્યારેક આવી ફિલ્ડિંગ ગોઠવતા હતા. ખાસ કરીને મુંબઈ ઈન્ડિયન્સના બેટર કાયરન પોલાર્ડ વિરુદ્ધ. વર્લ્ડ કપ સેમિફાઈનલમાં પણ આ પ્રકારની ફિલ્ડિંગ પોઝિશન જોવા મળી.
રોહિતને જીવનદાન
પાંચમી ઓવરના બીજો બોલ. બોલર હતો સેમ કરન અને સ્ટ્રાઈક પર હતા ભારતીય કેપ્ટન રોહિત શર્મા. સેમના ફૂલ લેન્થ બોલ પર રોહિતે મિડ-વિકેટ તરફ શોર્ટ માર્યો. બોલ બાઉન્ડ્રિ પાર પહોંચ્યો અને રોહિત શર્માને તેમનો પહેલો ચોગ્ગો મળ્યો. રોહિત આગામી બેક ઓફ લેન્થ બોલ પર આગળ આવ્યા, પરંતુ બોલને સમજીને તેમણે મિડ-વિકેટની ડાબી બાજુએ પૂલ કર્યો. અહીં રોહિતને તેમની બીજી બાઉન્ડ્રી મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.