ભારતની હાર છતાં યાદ રહેશે મેચની આ 5 મોમેન્ટ્સ:રોહિતે કાર્તિકની ગરદન પકડી, હાર્દિકે સતત 3 બોલમાં 3 છગ્ગા ફટકાર્યા; મેક્સવેલે શાનદાર ફિલ્ડિંગ કરી

4 દિવસ પહેલા

મોહાલીમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની પહેલી T20 મેચમાં ભારતને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પ્લેયર ઑફ ધ મેચ કેમરુન ગ્રીન રહ્યો હતો. તેણે 30 બોલમાં 61 રન માર્યા હતા, પરંતુ આ મેચમાં એવી 5 યાદગાર મોમેન્ટ્સ જોવા મળી હતી, જે યાદ રહી જશે.

1. કેએલ રાહુલે ટીકાકારોને જવાબ આપ્યો

પ્રથમ T20 મેચ અગાઉ કેએલ રાહુલ તેના ફોર્મને લઈને આલોચકોના નિશાને હતો. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં એક્સપર્ટ્સ તેની જગ્યાએ રોહિત શર્મા સાથે ઓપનિંગમાં વિરાટ કોહલીને મોકલવાની માગણી કરતા હતા. જોકે આ મેચમાં કેએલ રાહુલે આ આલોચકોનું મોઢું બંધ કરી દીધુ છે. તેણે શાનદાર 35 બોલમાં 55 રન કર્યા હતા. તો તેનો સ્ટ્રાઈક રેટ પણ 157.14નો રહ્યો હતો. આ વર્ષે રાહુલનો સ્ટ્રાઈક રેટ T20 ઈન્ટરનેશનલમાં 122નો હતો, જેને લઈને પણ તે સતત ટીકાકારોની નિશાને રહેતો હતો. જોકે તેણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બધી જ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

2. રોહિત-વિરાટનો ફ્લોપ શો

વિરાટ કોહલીએ 7 બોલમાં માત્ર 2 રન જ કર્યા હતા.
વિરાટ કોહલીએ 7 બોલમાં માત્ર 2 રન જ કર્યા હતા.

ભારતીય ટીમના બે દિગ્ગજ બેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેથી ચાહકોને મોટી ઇનિંગની આશા હતી. વિરાટે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં શાનદાર સદી ફટકારી હતી, પરંતુ આ મેચમાં રોહિત અને વિરાટ બન્ને બેટરો નિષ્ફળ રહ્યા હતા. રોહિત શર્મા 9 બોલમાં 11 રન બનાવીને આઉટ થઈ ગયો છે, તો વિરાટ કોહલીએ તો 7 બોલમાં માત્ર 2 રન કર્યા હતા. વિરાટ કોહલી ક્રીઝ પર સેટ જ નહોતો દેખાતો. તે સરખો ટાઈમિંગ કરી શક્તો નહોતો અને જેને કારણે તે ખરાબ શોટ રમીને આઉટ થઈ ગયો હતો.

3. મેક્સવેલે શાનદાર ફિલ્ડિંગ કરી

ગ્લેન મેક્સવેલે બાઉન્ડરી પર છગ્ગો રોકીને ટીમ માટે 5 રન બચાવ્યા હતા.
ગ્લેન મેક્સવેલે બાઉન્ડરી પર છગ્ગો રોકીને ટીમ માટે 5 રન બચાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાની ઇનિંગની 19મી ઓવરના ત્રીજા બોલ પર હર્ષલ પટેલે નેથન એલિસની બોલિંગમાં હવામાં શોટ રમ્યો હતો. તેનો શોટ જોઈને એવું લાગી રહ્યું હતું કે બોલ બાઉન્ડરીને આસાનીથી પાર કરી જશે, પરંતુ ગ્લેન મેક્સવેલે લોંગ ઓન પર અવિશ્વસનીય ફિલ્ડિંગ કરી હતી. તેણે જંપ લગાવીને બાઉન્ડરીની બહારથી બોલને ફિલ્ડની અંદર પરત કરી દીધો હતો. આ દરમિયાન તે બાઉન્ડરીને ક્રોસ કરી ચૂક્યો હતો, પરંતુ તેણે છગ્ગો રોકી લીધો હતો અને ટીમ માટે 5 રન બચાવ્યા હતા.

4. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં 21 રન બનાવ્યા, હેટ્રિક સિક્સ પણ ફટકારી

ટીમ ઈન્ડિયાએ 200 રનને પાર કર્યો છે, તો એનું શ્રેય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને જાય છે. તેણે પોતાના T20 કરિયરની શાનદાર ઇનિંગ રમી હતી. હાર્દિકે 30 બોલમાં જ 71 રન બનાવી લીધા હતા. તો ટીમની ઇનિંગની છેલ્લી ઓવરમાં તો તેણે કમાલની બેટિંગ કરી હતી. તેણે આ ઓવરમાં 21 રન બનાવી દીધા હતા. કેમરુન ગ્રીને છેલ્લી ઓવર નાખી હતી, જેમાં હર્ષલ પટેલે પહેલા બોલ પર સિંગલ લીધો હતો. આ પછી બીજા બોલ પર હાર્દિકે કોઈ રન લીધો નહોતો. ત્રીજા બોલ પર તેણે 2 રન લીધા હતા. આ પછીના ત્રણ બોલ પર તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે ચોથા બોલ મિટવિકેટ સાઈડ મારી હતી. પાંચમા બોલ પર લોંગ ઑફ ઉપર છગ્ગો માર્યો હતો અને છઠ્ઠા બોલને તેણે ડીપ થર્ડ મેન ઉપર બોલને બાઉન્ડરીની બહાર મોકલી દીધો હતો.

5. રોહિત શર્માએ દિનેશ કાર્તિકની ગરદન પકડી​​​​​​​​​​​​​​

મેચ દરમિયાન રોહિતે કાર્તિકનું ગળું પકડ્યું હતું.
મેચ દરમિયાન રોહિતે કાર્તિકનું ગળું પકડ્યું હતું.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 12મી ઓવરમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વિકેટકીપર દિનેશ કાર્તિકનું ગળુ પકડતો નજરે આવ્યો હતો, જેનો વીડિયો વાઇરલ થયો હતો. DRS માટે કાર્તિકે ના પાડી હતી, જેના માટે રોહિત શર્માએ નારાજગી દર્શાવી હતી.

આ ઓવરમાં સ્ટિવ સ્મિથે પહેલા બોલ પર છગ્ગો અને એક ચોગ્ગો મારીને 10 રન લઈ લીધા હતા. આ પછી ઉમેશ યાદવની ઓવરના ત્રીજા બોલ પર સ્મિથે કટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેટની નજીકથી ગયો હતો અને વિકેટકીપરના હાથમાં ચાલ્યો ગયો હતો. ખેલાડીઓએ જોરદાર અપીલ કરી હતી, પરંતુ કાર્તિકને લાગ્યું હતું કે સ્મિથ નોટઆઉટ છે. રોહિત શર્માએ DRS લઈ લીધો હતો અને સ્મિથ આઉટ થયો હતો. આ પછી રોહિત કાર્તિકની ગરદન પકડીને જોર-જોરથી હલાવા લાગ્યો હતો અને બૂમો પણ પાડતો હતો.

ગ્લેન મેક્સવેલ પણ આ જ ઓવરમાં આઉટ થયો હતો અને તેનો કેચ પણ દિનેશ કાર્તિકે કર્યો હતો.