વર્લ્ડ કપના પ્રોમો વીડિયોમાં પંત છવાયો:30 સેકન્ડની ક્લિપમાં સુપરસ્ટાર તરીકે એન્ટ્રી મારી; 16 ઓક્ટોબરથી ટૂર્નામેન્ટ શરૂ થશે

5 મહિનો પહેલા

ICCએ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા T20 વર્લ્ડ કપનો પ્રોમો વીડિયો લોન્ચ કર્યો છે. આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટર રિષભ પંતને સુપર હીરોની જેમ દેખાડવામાં આવ્યો છે. પંત સમુદ્રમાંથી બહાર આવતા જોવા મળે છે. આ ખાસ પોસ્ટ ICC દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. પ્રોમોમાં વિરાટ કોહલી પણ જોવા મળી રહ્યો છે.

આ વીડિયોને પોસ્ટ કરીને ICCએ કેપ્શન લખ્યું- T20 વર્લ્ડ કપના પ્રોમોમાં આપનું સ્વાગત છે. આ વખતે વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

લોકોએ પંતને પણ ટ્રોલ કર્યો
વર્લ્ડ કપનો પ્રોમો વીડિયો જોયા બાદ લોકો રિષભ પંતને ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ટીમ ઈન્ડિયામાં હજુ પસંદગી થઈ નથી અને વર્લ્ડ કપમાં પંતનું સ્થાન પણ નિશ્ચિત નથી. આવી સ્થિતિમાં તેને વર્લ્ડ કપના પ્રોમોમાં સ્થાન આપવાનો કોઈ અર્થ નથી. રિષભ પંતે અત્યારસુધી 49 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 23.24ની એવરેજથી 767 રન બનાવ્યા છે.

ઈંગ્લેન્ડ સામે પંતનું પ્રદર્શન જોરદાર રહ્યું
પંતે તાજેતરમાં જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ એડ્જબેસ્ટન ટેસ્ટમાં 111 બોલમાં 146 રન બનાવ્યા હતા. આ સાથે જ બીજા દાવમાં પણ ફિફ્ટી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયામાં પણ પંતના ઘણા ફેન્સ છે.

T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે મેચ રમી કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23મી ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમાશે. એ જ સમયે ટૂર્નામેન્ટના પ્રથમ 6 દિવસ, એટલે કે 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડ રમાશે. ત્યાર બાદ 22મી ઓક્ટોબરથી સુપર 12ની મેચો શરૂ થશે.

વિશ્વ કપની મેચો સાત સ્થળે રમાશે
T20 વર્લ્ડ કપની આઠમી આવૃત્તિ 16 ઓક્ટોબરથી શરૂ થશે અને એડિલેડ, બ્રિસ્બેન, ગિલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીનાં સાત સ્થળે રમાશે. ફાઈનલ મેચ 13 નવેમ્બરે MCG ખાતે રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 16 આંતરરાષ્ટ્રીય ટીમ 45 મેચ રમશે.

ટીમોને બે જૂથમાં વહેંચવામાં આવી છે
સુપર 12 માટે ટીમોને બે જૂથમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં અત્યારે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો છે, જ્યારે ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ ગ્રુપ 2માં છે. આ 8 ટીમ સિવાય 4 વધુ ટીમ પહેલા રાઉન્ડના પરિણામ બાદ સુપર 12માં પહોંચશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન અને યજમાન ઓસ્ટ્રેલિયા સુપર 12ની પ્રથમ મેચમાં 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમશે.

અન્ય સમાચારો પણ છે...