ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પોતાના ખાસ મિત્ર તથા સાથી ક્રિકેટર શેન વોર્નને શ્રદ્ધાંજલિ પાઠવતાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ એક ઈન્ટરવ્યુ દરમિયાન ભાવુક થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે શેન વોર્ને થાઈલેન્ડની પ્રાઈવેટ વિલામાં અંતિમ શ્વાસ લીધા હતા. તો ચલો, આપણે રિકી પોન્ટિંગના ઈન્ટરવ્યુના મહત્ત્વપૂર્ણ અંશ પર નજર ફેરવીએ....
વોર્ન મારા જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ હતો
પોન્ટિંગે વોર્ન અંગે જણાવતાં કહ્યું હતું કે મારા મિત્રના મોતના સમાચાર જ્યારે મને મળ્યા ત્યારે પહેલા તો મને વિશ્વાસ જ ન થયો. હું પણ વિશ્વભરના તમામ લોકોની જેમ ચોંકી ગયો હતો. તમને જણાવી દઉં કે હું ઊંઘવા માટે જ્યારે બેડ પાસે ગયો ત્યારે મારા મનમાં હતું કે બીજા દિવસે મારી દીકરીઓને નેટબોલ માટે લઈ જઈશ, પરંતુ બીજી સવાર મારા માટે એક ખરાબ સપના સમાન આવી.
હું જેવો ઊઠ્યો કે તરત જ આ દુઃખદ સમાચાર મને મળ્યા. આ સમયે મેં પોતાની જાતને કેવી રીતે સંભાળીએ છે એ માત્ર મારું મન જ જાણે છે. શેન વોર્ન મારો ખાસ મિત્ર અને જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ હતો. તેણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં સ્પિન બોલિંગને બદલી ક્રાંતિનો યુગ લાવ્યો હતો.
વોર્ન મને પંટર કહીને બોલાવતો હતો
આની પહેલાં શનિવારે પોન્ટિંગે વોર્ન અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી લખ્યું હતું કે આ દુઃખ હું શબ્દોમાં સમજાવી નહીં શકું. હું વોર્નને ત્યારે મળ્યો હતો જ્યારે મારી ઉંમર 15 વર્ષની હતી. ત્યાર પછી અમે સારા મિત્રો બની ગયા અને વોર્ને મને પંટરનું નિકનેમ આપ્યું હતું. તે એવી વ્યક્તિ હતી જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય. મને ગર્વ છે કે હું વિશ્વના મહાન બોલર એવા શેન વોર્ન સાથે રમ્યો છું.
શેન વોર્ન 600-700 વિકેટ લેનારો પહેલો ખેલાડી હતો
માત્ર 52 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેનારો વિશ્વનો સૌથી મહાન ક્રિકેટર એવો વોર્ન હંમેશાં ફેન્સને યાદ રહેશે. શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 600 અને 700 વિકેટ લેવાનો પડાવ પાર કરનારો પહેલો બોલર પણ બન્યો હતો.
તે IPL ટાઈટલ જીતનારો પણ પહેલો કેપ્ટન છે. તેણે 15 વર્ષની કારકિર્દીમાં કુલ 145 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 708 વિકેટ લીધી છે. તે 99ના હાઈએસ્ટ સ્કોર સાથે લોઅર ઓર્ડરનો એક ઉપયોગી બેટર હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.