ઈન્ડિયન ક્રિકેટમાં કન્ટ્રોવર્સીનો ટ્રેન્ડ:અશ્વિને જૂના પોપડાં ઉખેડ્યા, કહ્યું-2018માં શાસ્ત્રીએ કુલદીપને નંબર વન સ્પિનર કહ્યો હતો, મને નજર અંદાજ કરાયો હતો

એક મહિનો પહેલા

વિરાટ કોહલી અને BCCIની વચ્ચે કન્ટ્રોવર્સી હજુ પુરી થઈ નથી. આ દરમિયાન નવો વિવાદ શરૂ થયો છે. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પર એક જૂના નિવેદનને લઈને સવાલ ઉઠાવ્યો છે. શાસ્ત્રીએ 2018માં ઓસ્ટ્રેલિયા સિરિઝ દરમિયાન કુલદીપ યાદવને નંબર વન સ્પીનર ગણાવ્યો હતો.

હવે અશ્વિને આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે, તેણે કહ્યું હતું કે 2018ના પ્રવાસ દરમિયાન મને નજર અંદાજ કરાયો હતો. ત્યારે એવું લાગી રહ્યું હતું કે કોઈએ મને બચ નીચે ફેંકી દીધો છે અને મને ખરાબ રીતે કચડી નાખ્યો છે. ત્યારે હું પણ ટીમથી અલગ પડી ગયો હતો. એવું લાગી રહ્યું હતું કે મને એકલો છોડી દેવામાં આવ્યો છે. તે કેરિયરનો એટલો ખરાબ સમય હતો કે ઘણીવાર નિવૃત્તિ અંગે પણ વિચારતો હતો.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન કુલદીપના વખાણ થયા હતા
2018ના પ્રવાસ દરમિયાન સિડની ટેસ્ટમાં કુલદીપ યાદવે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. ત્યાર પછી રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે વિદેશમાં તે ભારતનો નંબર 1 સ્પિનર છે. શાસ્ત્રીએ કહ્યું હતું કે દરેકનો સમય આવે છે. કુલદીપના પ્રદર્શન પછી એવું પણ કહેવાઈ રહ્યું હતું કે અશ્વિન માત્ર ભારતની પિચ પર બોલિંગ કરવા માટે બન્યો છે.

અશ્વિને જણાવ્યું કે શાસ્ત્રીના નિવેદનથી તે કેમ તૂટી ગયો હતો?
એક ક્ષણમાં પોતાને નિષ્ફળ માની લીધો:
ટેસ્ટમાં 427 વિકેટ લઈ ચૂકેલા અશ્વિને ESPN ક્રિકઈન્ફોને એક ઈન્ટરવ્યુમાં કહ્યું મેં રવિભાઈનો ખૂબ આદર કર્યો. અમે બધા તેમનું સન્માન કરતા હતા. મારું માનવું છે કે આપણે ઘણી વાતો કરતા હોય છે પછી તેને પાછી લઈ લેતા હોય છે, પરંતુ તે એક ક્ષણમાં મેં મારી જાતને પૂરી રીતે તૂટેલી જોઈ. હું કુલદીપ માટે ખુબ ખુશ હતો. હું એક ઈનિંગમાં 5 વિકેટ ન લઈ શક્યો પરંતુ તેણે લીધી. મને ખ્યાલ છે કે એ કેટલી મોટી ઉપલબ્ધિ છે.

એકલો છોડી દીધો તો જીતની ઉજવણી કેવી રીતે કરું?
તેણે કહ્યું ઓસ્ટ્રેલિયામાં જીતવું એ મોટી બાબત છે, પરંતુ મને મનાવવામાં આવ્યું કે મેં વિદેશી ધરતી પર સારુ પ્રદર્શન નહોતું કર્યું. મને એકલો પાડી દેવામાં આવ્યો, તો હું કેવી રીતે ટીમ તથા ટીમના કોઈ ખેલાડીની સફળતાની પાર્ટીને એન્જોય કરી શકું? હું મારા રુમમાં ગયો અને પત્ની સાથે વાત કરી, મારા બાળકો પણ ત્યાંજ હતાં. બાળકો સામે અમે આવી વાતો નથી કરતાં. હું પાર્ટીમાં પણ ગયો, કેમ કે છેલ્લે તો અમે એક મોટી સિરીઝ જીતી હતી.

બોલ નાંખવા પર શ્વાસ નહોતો લેવાતો, ત્યારે નિવૃત્તી અંગે વિચાર્યું
અશ્વિને કહ્યું 2018 અને 2020ની વચ્ચે એક એવો સમય આવ્યો હતો કે જ્યારે હું ક્રિકેટમાંથી નિવૃત્તી લેવાનું વિચારી રહ્યો હતો. એવું લાગતું હતું કે હું ઘણો પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ સફળ નથી થઈ શકતો. પરિસ્થિતિ મુશ્કેલ બની રહી હતી.

6 બોલ નાંખતો હતો અને શ્વાસ ફુલવા લાગતો હતો. શરીરમાં પણ દુખાવો થતો હતો. જ્યારે ઘૂંટણનો દુખાવો વધ્યો તો આગળના બોલ પર મારો જંપ પણ ઘટી જતો હતો. જ્યારે હું ઓછું કૂદતો હતો તો ખભા અને પીઠની મદદથી મારે વધુ જોર લગાવવું પડતું હતું અને આવું કરવા પર હું વધુ તકલીફમાં મુકાઈ જતો હતો. આ જ સમયે મને લાગ્યું કે મારે રમતમાંથી હવે બ્રેક લેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...